Suicide/ ભરૂચના ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ પરથી બે લોકોએ મોતની છલાંગ લગાવી

અઢી વર્ષીય દીકરીની માતાએ ગોલ્ડન બ્રિજ પરથી પતિની સામે જ મોતની છલાંગ લગાવી અને મૃતદેહ બીજા દિવસે મળ્યો

Gujarat
Suicide

 Suicide: ભરૂચના ગોલ્ડન બ્રિજ, કેબલ બ્રિજ અને નવા બનેલ નર્મદા મૈયા બ્રિજ પરથી એક વર્ષમાં ૧૫ થી વધુ લોકોએ મોતની છલાંગ લગાવી દીધી છે. ગૃહ કલેશ, વ્યાજખોરોનો ત્રાસ, બેરોજગારી, કામધંધામાં નુકશાન સહિતના બહાના હેઠળ લોકોએ કિંમતી જિંદગીની મજા લેવાની જગ્યાએ મોતને વ્હાલું કરવાનું વિચારી મોતની છલાંગો લગાવી છે. જેમાં ૫ થી વધુ લોકોની જીવનદોરી લાંબી હોય તેઓ બચી ગયા હતા.

જેમાં પેટ્રોલિંગ કરતાં પોલીસ કર્મીઓ અને રાહદારીઓની સતર્કતાને કારણે આત્મહત્યા (Suicide) કરવા આવેલા લોકોના જીવ બચી જવા પામ્યા છે. જયારે ગત શનિવારે ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.

ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક નજીકમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના યશવંત યાદવ શનિવારે ફર્સ્ટશિપમાં દહેજની ઇન્ડોફિલ કંપનીમાં નોકરીએ ગયા હતા. (Suicide) જ્યાંથી પરત આવતા પત્ની સોનાલીએ ફરવા લઈ જવાની જીદ પકડી હતી. જેથી પતિએ હું જમી લવ પછી જઈએ કહ્યું હતું. જોકે, પત્નીએ મારે અત્યારે જ જવું છે કહેતા, પતિ પોતાની અઢી વર્ષની દીકરી અને પત્નીને લઈ બાઇક ઉપર આટો મારવા નીકળી પડ્યા હતા.

પેહલા પત્નીએ નર્મદા મૈયા બ્રિજ ઉપર લઈ જવા કહેતા ત્યાં પોહચતા પત્ની સોનાલીએ ગોલ્ડનબ્રિજ ઉપર જઈએ તેમ કહ્યું હતું. પતિ બાઇક પર દીકરી અને પત્નીને બેસાડી ગોલ્ડનબ્રિજ ઉપર પોહચ્યો હતો. જ્યાં બાઇક મૂકી પતિએ દીકરીને તેડી જ હતી ત્યાં પત્ની બ્રિજમાં દોડવા લાગી હતી અને ગોલ્ડનબ્રિજના ગાળામાંથી નીચે નદીમાં કૂદી પડી હતી. હાથમાં દીકરી હોવાથી પત્નીને પતિ પકડી શક્યો ન હતો. માત્ર સ્વેટરનો સ્પર્શ થવા સાથે પત્ની નદીમાં પડી હતી.

આ ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના શૈલેષભાઈ નાઈને કરાતા તેઓએ તરત ફાયર બ્રિગેડ, સ્થાનિક નાવડીઓવાળા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી ગોલ્ડનબ્રિજ ખાતે દોડી ગયા હતા. બ્રિજ ઉપર પોલીસ, ફાયરની ટીમ સાથે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી સોનાલી યાદવનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પતિ યશવંતે સોનાલી કોઈ ટેન્શનમાં હોવાનું પોલીસ સમક્ષ કહ્યું હતું. જોકે ગત રવિવારના બપોરે અંકલેશ્વર તરફના જુના બોરભાથાના તપોવન આશ્રમના નદી કિનારે સોનાલીનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ બપોરે જ કેબલબ્રિજ ઉપરથી એક સ્થાનિક યુવાન બાઇક લઈને આવી બ્રિજના ખાચામાં મુકી નદીમાં કૂદી પડ્યો હોવાની ઘટના બની હતી. જોકે બન્નેએ ક્યાં કારણોસર નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો તેનું કારણ હજી બહાર આવી શક્યું નથી.

અઢી વર્ષીની માસુમ બાળકીની માતાએ નજર સામે જ અચાનક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા વેળાએ ગોલ્ડન બ્રિજ અને બાજુમાં આવેલ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓ પણ પતિ અને દીકરીના ચીખ, આક્રંદ જોઈ તેમના પણ હ્ર્દય કાંપી ઉઠ્યા હતા. ત્યારે આત્મહત્યા એ જીત નથી પણ તમારી હાર છે તે લોકો સમજશે ત્યારે જ આત્મહત્યાના કિસ્સાઓ ઓછા થશે.

કેટલાય સમયથી લોકોની માંગ ઉઠી છે કે મોતની છલાંગ માટે પ્રસિદ્ધ થયેલ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ, ગોલ્ડન બ્રિજ, કેબલ બ્રિજ અને સરદાર બ્રિજ પર ઉંચાઈ ધરાવતી લોખંડની જાળી લગાવવામાં આવે જેથી લોકો આત્મહત્યા કરતાં અટકે ત્યારે વહીવટીતંત્ર જાણે આત્મહત્યાના કોઈ રેકોર્ડ નોંધવાની રાહ જોઈ રહ્યું હોય તેમ અત્યાર સુધી કોઈ નક્કર પગલાં ભર્યા નથી. ત્યારે વહિવટીતંત્ર આ બાબતે કુંભકર્ણની ઊંઘમાંથી ઉઠશે કે નહિ તે આવનાર સમયે ખબર પડશે પણ હાલ તો લોકો પોતાનો જીવ ઘુમાવી રહ્યા છે.

મુનિર પઠાન, ભરૂચ