Umreth News/ ઉમરેઠ પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધીમાં 54.43% ટકા મતદાન નોંધાયું

ગુજરાતની Umreth અને મહારાષ્ટ્રની બારામતી-રાહુરી બેઠક પર પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ. ઉમરેઠમાં 54.43% વોટિંગ નોંધાયું. જાણો ઉમેદવારોના સમીકરણો.

Top Stories Gujarat Others
Umreth પેટાચૂંટણી: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

Umreth By-Election 2026 Voting: ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્રની બે બેઠકો માટે આજે યોજાયેલી પેટાચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. ઉમરેઠમાં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા મુજબ ઉમરેઠમાં અંદાજે 54.43% મતદાન નોંધાયું છે.

Umreth બેઠકનું મતદાન ગણિત

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં આ વખતે કુલ 2.45 લા ખથી વધુ મતદારોએ 6 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો EVM માં કેદ કર્યો છે. આ પેટાચૂંટણીમાં નોંધાયેલા કુલ 2,45,623 મતદારો પૈકી 1,26,545 પુરુષ મતદારો અને 1,19,072 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. વિશેષમાં, 4,174 જેટલા યુવા મતદારોએ પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના પર્વને ઉત્સાહપૂર્વક વધાવ્યું હતું.

Umreth પેટાચૂંટણી: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

મહારાષ્ટ્રમાં પણ મધ્યમ મતદાન

ઉમરેઠની સાથે મહારાષ્ટ્રની બે મહત્વની બેઠકો પર પણ આજે મતદાન યોજાયું હતું, જેમાં બારામતી (201) બેઠક પર અંદાજિત 52.44% અને રાહુરી (223) બેઠક પર અંદાજિત 50.68% જેટલું મતદાન નોંધાયું છે.

ચુસ્ત બંદોબસ્ત અને આધુનિક વ્યવસ્થા

ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠમાં કુલ 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં તમામ ગતિવિધિઓ પર વેબકાસ્ટિંગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે 2 DYSP, 4 PI અને 500 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં CRPFની 3 કંપનીઓ સતત પેટ્રોલિંગમાં રહી હતી. લોકશાહીના આ પર્વમાં મહિલાઓ માટે 2, યુવાઓ માટે 2 અને દિવ્યાંગો માટે 1 વિશેષ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવ્યા હતા. કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ORS અને શેડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે 85 વર્ષથી વધુ વયના 101 મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી.

કોનું પલ્લું ભારે?

ઉમરેઠમાં મુખ્ય મુકાબલો ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. ઉમરેઠ નગરપાલિકા સહિત ઓડ અને બોરીયાવીના વિસ્તારોમાં મતદાનની ટકાવારી નિર્ણાયક સાબિત થઈ શકે છે. હવે જનતાએ કોના પર પસંદગી ઉતારી છે, તે પરિણામના દિવસે સ્પષ્ટ થશે.


આ પણ વાંચો : કોંગ્રેસના શાસનમાં અમદાવાદ ‘લતીફ’નું, ભાજપના શાસનમાં અમદાવાદ અમદાવાદીઓનુઃ હર્ષ સંઘવી

આ પણ વાંચો : રાજકોટ વોર્ડ-6માં પક્ષપલટો કરનારા દેવુ જાદવ કોંગ્રેસમાંથી મેદાનમાં

આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આ વખતે દક્ષિણ ઝોનમાં શાસક પક્ષ માટે કપરા ચઢાણ