UP Storm Havoc 2026: ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા, કરા અને અતિભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. ગુરુવારે મોડી રાત્રે એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. તોફાની પવન અને આકાશી વીજળી પડવાના કારણે અત્યાર સુધીમાં 31 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અતિ તીવ્ર પવનના લીધે અસંખ્ય વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે તેમજ કાચા મકાનોની દીવાલો તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે.
બુંદેલખંડમાં સૌથી વધુ તારાજી અને સેંકડો ગામોમાં અંધારપટ
આ કુદરતી આપત્તિમાં બુંદેલખંડ પંથક સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં એકલા આ વિસ્તારમાં જ 15 લોકોના મોત નીપજ્યા છે. જિલ્લાવાર આંકડા જોઈએ તો હમીરપુરમાં 6, બાંદામાં 3, જ્યારે જાલૌન, મહોબા અને ઓરાઈમાં 2-2 લોકોના મોત નોંધાયા છે. આ ઉપરાંત કૌશાંબીમાં 4, સહારનપુર અને દેવરિયામાં 2-2 તેમજ પ્રતાપગઢ, મથુરા અને આગ્રા સહિતના અન્ય જિલ્લાઓમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. રાજધાની લખનૌ સહિત પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે તોફાન સાથે કરા પડ્યા છે. તીવ્ર પવનના કારણે વીજ વાયરો તૂટી પડતાં સેંકડો ગામોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
UP સરકાર એક્શનમાં અને આગામી 2 દિવસ માટે ભારે એલર્ટ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (UP)રાજ્યમાં સર્જાયેલી આ કટોકટીની ગંભીર નોંધ લઈને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા આદેશ આપ્યા છે. સીએમ યોગી દ્વારા મૃતકોના પરિવારોને ત્વરિત આર્થિક સહાય અને ઘાયલોને મફત તબીબી મદદ પહોંચાડવા માટે સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે.
લખનૌ હવામાન (UP)કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ બદલાવ બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ માટે રાજ્યમાં તેજ વાવાઝોડા અને વીજળી પડવાની ગંભીર ચેતવણી જારી રાખી છે. કેટલાક વિસ્તારોમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના મતે 2 જૂન સુધી આવી જ સ્થિતિ રહેશે અને 3 જૂનથી હવામાન શુષ્ક બનશે.
