Rajkot News: ઉપલેટાના હરીયાસણ ગામે ધોરણ 10માં ભણતી સગીરા સાથે દુષ્કર્મ (Rape). સગીરા પર બાજુની વાડીમાં કામ કરતા પરિણીત શખ્સે મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભાયાવદર પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પત્નીએ બાળકને જન્મ આપ્યો તેના બીજા જ દિવસે આરોપીને જેલ હવાલે કરાયો છે.
ભાયાવદર પોલીસ મથકે ફરિયાદ
ઉપલેટા (Upleta)ના હરીયાસણ ગામે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ ભાયાવદર પોલીસ મથકે નોંધાઈ છે. સગીરાના 38 વર્ષીય પિતાની ફરિયાદના આધારે પોલીસે હરેશ નરશી ભટાણીયા (રહે. મોટી પાનેલી) સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
મોબાઈલની લાલચ આપી ભોળવી
ફરિયાદી પરિવાર હરીયાસણની સીમમાં એક ખેડૂતનું ખેતર ભાગમાં વાવીને ખેતીકામ કરે છે. તેમને સંતાનમાં 15 વર્ષની દીકરી છે. બાજુની વાડીમાં ભાગ્યું રાખીને ખેતીકામ અને મજૂરી કરતા આરોપીએ સગીરાને ગિફ્ટ તરીકે મોબાઈલ ફોન આપી ધીમે-ધીમે વાતોમાં ભોળવી લીધી હોવાનો આરોપ છે.
ખેતરમાં બે વખત Rapeનો આરોપ
ફરિયાદ મુજબ, સીમ વિસ્તાર સુમસામ હોવાનો લાભ લઈ આરોપી સગીરાને એરંડાના વાવેતરવાળા ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં ડરાવી-ધમકાવીને બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ત્યાર બાદ પણ આરોપી સગીરાને હેરાન કરતો રહ્યો હતો.
પિતાએ ઠપકો અપાવ્યો, છતાં પીછો ચાલુ
સગીરાના પિતાને જાણ થતાં તેમણે આરોપીના પિતાને વાત કરી હતી. આરોપીના પિતાએ તેને ઠપકો આપ્યો હતો, તે સમયે ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. છતાં આરોપી સુધર્યો નહીં. સગીરા શાળાએથી ઘરે પરત ફરતી ત્યારે તે રસ્તામાં પીછો કરી વાડીએ આવવા દબાણ કરતો અને વાત કરવા ફરજ પાડતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સગીરા ડરથી સ્કૂલે જતાં પણ ગભરાતી
આ ત્રાસથી સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી અને સ્કૂલે જતાં પણ ડરવા લાગી હતી. દીકરીના બદલાયેલા વર્તનને પગલે પરિવારે પ્રેમથી પૂછપરછ કરતાં તેણે રડતાં-રડતાં આપવીતી જણાવી હતી. ત્યાર બાદ પરિવાર ભાયાવદર પોલીસ (Police) મથકે પહોંચ્યો હતો.
ASP ઘટનાસ્થળે, આરોપીની ધરપકડ
ઘટનાની ગંભીરતા જોતાં ધોરાજીના એએસપી સીમરન ભારદ્વાજ (Dhoraji ASP Simran Bhardwaj)ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે તપાસ ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઈ ડો. એમ.એમ. ઠાકોરને સોંપી હતી. પોલીસે સીમ વિસ્તારમાં દરોડો પાડી પરિણીત આરોપી (Accused)ને દબોચી લીધો હતો.
એક તરફ નવજાતનો જન્મ, બીજી તરફ આરોપી જેલમાં
આ કેસમાં એક વિગત એવી પણ સામે આવી છે કે આરોપી પરિણીત છે. સગીરા સાથેની ઘટનાના સમયગાળામાં તેની પત્ની ગર્ભવતી હતી. જે દિવસે તેની પત્નીએ બાળકને જન્મ આપ્યો તેના બીજા જ દિવસે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો.
આ પણ વાંચો:સુરતમાં ધોરણ-12ની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, હોટેલમાં લઈ ગયેલા 24 વર્ષીય યુવકની ધરપકડ
આ પણ વાંચો:દિલ્હીમાં સગીરા દુષ્કર્મ-હત્યા કેસ, પ્રિયંકા ગાંધીએ કહ્યું- મહિલા સુરક્ષા પર જવાબદારી જરૂરી
આ પણ વાંચો: અમદાવાદમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં 28 વર્ષીય આરોપીને આજીવન કેદ
