Bavla News : બાવળા નગરપાલિકા (Bavla Municipality)ની તા. 8 મે 2026ના રોજ સવારે 11 વાગ્યે મળેલી સાધારણ સભામાં ભારે ગડબડ અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.અગાઉ જાહેર કરાયેલા એજન્ડા મુદ્દે ચર્ચા દરમિયાન પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ પર સભ્યોના મત અને વિરોધ અવગણી એકતરફી નિર્ણય લેવાનો આક્ષેપ થયો છે.
બાવળા નગરપાલિકા (Bavla Municipality)ની સાધારણ સભામાં ભારે ગડબડ

સભામાં ઉપસ્થિત સભ્યોના જણાવ્યા મુજબ પ્રમુખએ “હું જે કહું તે જ સાચું” કહી એજન્ડા માત્ર વાંચી સંમતિ વગર તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. સભ્યોના વાંધા-વિરોધ સાંભળવા ઇન્કાર કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે.
સભા દરમિયાન પ્રમુખએ સભ્યોને “હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જાઓ તો પણ નિર્ણય મારો જ ચાલશે” જેવી ટિપ્પણી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સભામાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
પરિસ્થિતિ ઉગ્ર બનતા પ્રમુખતથા ચીફ ઓફિસર બેઠક અધવચ્ચે છોડીને નીકળી ગયા હતા. બેઠક દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. સભ્યોના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાના વિવિધ વીડિયો રેકોર્ડિંગ પણ ખાનગી મોબાઇલમાં પુરાવા તરીકે ઉપલબ્ધ છે.
આ ઘટનાના વિરોધમાં બાવળા નગરપાલિકા (Bavla Municipality)ની ભાજપ ના કારોબારી સમિતિના ચાર સભ્ય વિજયભાઈ કાંતિભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ રાઘાણી, ઉમંગભાઈ રમેશચંદ્ર પટેલ અને દીપકભાઈ ભટ્ટે કારોબારી સમિતિમાંથી રાજીનામું આપતી અરજી દાખલ કરી દીધી છે.
સાથે જ કોંગ્રેસ પક્ષના 12 સભ્યોએ સહી કરી પ્રમુખ (President) વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતી અરજી પણ નગરપાલિકામાં સોંપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
