World News/ લેબનાન મુદ્દે શહબાઝ શરીફના દાવાને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ફગાવ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચેના સીઝફાયરમાં Lebanon પણ સામેલ હોવાના પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફના દાવાને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ફગાવ્યો. જાણો શું છે સમગ્ર વિવાદ.

Top Stories World
Lebanon War

Lebanon War: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા હંગામી સીઝફાયર (યુદ્ધવિરામ) ને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે કન્ફ્યુઝન અને વિવાદ ઊભો થયો છે. આ વિવાદમાં મધ્યસ્થી બનવા ગયેલા પાકિસ્તાનની ભારે ફજેતી થઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઉત્સાહમાં આવીને દાવો કર્યો હતો કે આ સીઝફાયર લેબનાનમાં પણ લાગુ પડશે, પરંતુ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે (JD Vance) આ દાવાને સીરેથી ફગાવી દીધો છે. વેન્સે સ્પષ્ટ કર્યું છે કે લેબનાન ક્યારેય આ સીઝફાયર કરારનો હિસ્સો હતું જ નહીં.

Lebanon War: શહબાઝ શરીફે હવામાં માર્યા હતા તીર!

મંગળવારે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે પોતાની કૂટનીતિક જીત બતાવવાના ચક્કરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક મોટી જાહેરાત કરી દીધી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, “હું ખુશી સાથે જાહેરાત કરું છું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન અને અમેરિકા, પોતાના સહયોગીઓ સાથે દરેક જગ્યાએ તાત્કાલિક સીઝફાયર માટે સંમત થયા છે, જેમાં લેબનાન અને અન્ય જગ્યાઓ પણ સામેલ છે.” શરીફે આ પોસ્ટમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને પણ ટેગ કર્યા હતા, જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અને ઈરાની સંસદના સ્પીકરે પણ આ જ નિવેદન શેર કરીને લેબનાનને સીઝફાયરનો ભાગ ગણાવ્યું હતું. વધુમાં શરીફે એમ પણ કહ્યું હતું કે 10 એપ્રિલે ઈસ્લામાબાદમાં થનારી વાટાઘાટોમાં આ અંગે અંતિમ મહોર વાગશે.

‘અમે આવું કોઈ વચન આપ્યું જ નથી’

શહબાઝ શરીફની આ જાહેરાતના 24 કલાકમાં જ અમેરિકાએ પાકિસ્તાન અને ઈરાનના દાવાની હવા કાઢી નાખી છે. બુધવારે હંગેરીના બુડાપેસ્ટમાં મીડિયા સાથે વાત કરતા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શહબાઝ શરીફના નિવેદનનું સીધું ખંડન કર્યું હતું.

જેડી વેન્સે કહ્યું: “મને લાગે છે કે આ એક ગેરસમજ (Legitimate Misunderstanding) નું પરિણામ છે. ઈરાનીઓએ એવું માની લીધું કે સીઝફાયરમાં લેબનાન પણ સામેલ છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. અમે ક્યારેય આવું કોઈ વચન આપ્યું નથી કે ન તો એવો કોઈ સંકેત આપ્યો છે.”

પ્રોપેગેન્ડા ફેલાવાઈ રહ્યો છે: જેડી વેન્સ

વેન્સે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ સીઝફાયર મુખ્યત્વે ઈરાન, અમેરિકા અને તેના સહયોગીઓ – ઈઝરાયેલ તથા ખાડીના આરબ દેશો પૂરતું જ સીમિત છે. વાતચીતને સફળ બનાવવા માટે ઈઝરાયેલી નેતૃત્વએ લેબનાનમાં થોડો ‘સંયમ’ રાખવાની રજૂઆત ચોક્કસ કરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે લેબનાન સીઝફાયરનો સત્તાવાર હિસ્સો છે. વેન્સે કેટલાક લોકો પર આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટી નિવેદનબાજી કરીને પોતાનો પ્રોપેગેન્ડા (દુષ્પ્રચાર) ચલાવવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.

શુક્રવારની બેઠક પર સૌની નજર

જેડી વેન્સના આ સ્પષ્ટ નિવેદન બાદ હવે પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકા પર મોટા સવાલો ઊભા થયા છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું માનવું છે કે શહબાઝ શરીફનું નિવેદન સીઝફાયરની અસલ શરતોથી તદ્દન અલગ હતું. હાલમાં ઈઝરાયેલી સેના દ્વારા લેબનાનમાં હુમલા ચાલુ છે, જેને ઈરાન સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવી રહ્યું છે, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ તેને એક અલગ મુદ્દો માને છે. આ ગેરસમજને કારણે મધ્ય-પૂર્વમાં તણાવ વધુ વકરી શકે છે. હવે સૌની નજર આગામી શુક્રવારે યોજાનારી મહત્વની બેઠક પર ટકેલી છે.


આ પણ વાંચો :   ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક

આ પણ વાંચો :  સીઝફાયર અંત નથી, આંગળી હજુ ટ્રિગર પર છે’, નેતન્યાહુએ ફરી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી

આ પણ વાંચો :  ઈરાન સાથે મળીને કામ કરીશું’, યુદ્ધવિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત