ગુજરાત/ વડોદરા બિલ્ડર હરીશ અમીનનું મોત અકસ્માત નહિ હત્યા : જાણો કેવી રીતે ઉકેલાયો ભેદ

પોલીસે ઉદ્યોગપતિ હરીશ અમીનની હત્યાના કેસમાં આરોપી પ્રવીણ માલીવાડ, ભરત માલીવાડ, પ્રવીણની પત્ની લક્ષ્મી, સોમા બારીયા, સુનીલ બારીયા અને સુખરામ ડામોરની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Vadodara
હરીશ અમીન

વડોદરામાં ઉદ્યોગપતિ અને બિલ્ડર હરીશ અમીનનું અકસ્માતમાં મોત થવા મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં હરીશ અમીનનું અકસ્માતમાં મોત નહિ પરંતુ હત્યા કરી મૃતદેહ કારમાં મૂકી સળગાવી દેવાનો ખુલાસો કર્યો છે. આ ખુલાસો ખૂબ ચૌકાવાનારો રહ્યો છે.

વડોદરાનાં ભીમપુરા સિંધરોટ રોડ પર 18 મેના રોજ મળસ્કે ઈકો કારમાં ઉદ્યોગપતિ અને બિલ્ડર હરીશ અમીનની ઇકો કારનો અકસ્માત થયો અને કાર સળગી જતાં હરીશ અમીન ભડથું થતાં મોત થયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં વડોદરા તાલુકા પોલીસ સ્ટેશને અકસ્માતે મોતનો ગુનો નોંધી મામલો શંકાસ્પદ લાગતાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી.દોઢ મહિનાની તપાસ દરમિયાન એસ.ઓ.જી પોલીસના એ.એસ. આઈને બાતમી મળી કે હરીશ અમીનની હત્યા તેમના ત્યાં કામ કરતા બે ભાઈઓએ જ કરી છે.પ્રવીણ માલીવાડ અને ભરત માલીવાડ નામના બે ભાઈઓ હરીશ અમીનના લાખો રૂપિયાના લેવડ દેવડના હિસાબો રાખતા સાથે જ રૂપિયાનો વહીવટ પણ કરતાં હતાં.બંને ભાઈઓએ હરીશ અમીન પાસેથી 91 લાખના રૂપિયા ઓછીના લીધા હતા.

હરીશ અમીન

જે રૂપિયાની હરીશ અમીને કડક ઉઘરાણી કરતાં પ્રવીણ, ભરત, પ્રવીણની પત્ની લક્ષ્મી, સોમા બારીયા, સુનીલ બારીયા અને સુખરામ ડામોરએ હરીશ અમીનની હત્યાનો પ્લાન ઘડ્યો.જેમાં હત્યાનો પ્લાન સફળ થાય તો સોમા બારીયા, સુનીલ બારીયા અને સુખરામ ડામોરને 15-15 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું.જેથી ભરત તમામ લોકોને ઇકો કારમાં બેસાડી હરીશ અમીનના અમીન ઓર્ચીડ ફાર્મ પર પહોંચ્યા.જ્યાં ફાર્મનો દરવાજો બંધ હોવાથી સોમા દીવાલ કૂદીને ફાર્મમાં પ્રવેશે છે, બાદમાં દરવાજો ખોલી તમામ સાગરીતોને અંદર બોલાવે છે.બાદમાં હરીશ અમીન જે રૂમમાં સૂતાં હતાં તેનો દરવાજો ખુલ્લો હોવાથી લક્ષ્મી સહિત તમામ આરોપીઓ રૂમમાં અંદર પ્રવેશ કરે છે.બાદમાં હરીશ અમીનનું અપહરણ કરી તેને ભીમપુરા સિંધરોટ રોડ ઉપર ઇકો કારમાં બેસાડી લઈ જાય છે.જ્યાં હરીશ અમીનને ગાડીમાંથી નીચે ઉતારી નજીકના કોતરમાં લઈ જઈ પથ્થર અને લાકડી વડે માર મારી હત્યા કરે છે, બાદમાં પરત હરીશ અમીનને ઇકો કારમાં લાવી પાછળની સીટ ઉપર બેસાડી આરોપી ભરત ગાડી ચલાવી લોખંડના મજબૂત ભૂંગળા સાથે અથડાવી કારને ઊભી રાખી દે છે.બાદમાં આરોપી પ્રવીણ બીજી ગાડીમાંથી પેટ્રોલ ભરેલો કારબો લાવી ગાડીની અંદર અને ઉપર છાંટી દઈ ગાડીને આગ લગાડી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે.

હરીશ અમીન

પોલીસે ઉદ્યોગપતિ હરીશ અમીનની હત્યાના કેસમાં આરોપી પ્રવીણ માલીવાડ, ભરત માલીવાડ, પ્રવીણની પત્ની લક્ષ્મી, સોમા બારીયા, સુનીલ બારીયા અને સુખરામ ડામોરની ધરપકડ કરી છે. પ્રવીણ અને ભરતે હરીશ અમીનને રૂપિયા પરત આપવા ન પડે તે માટે હરીશ અમીનની હત્યા કરી હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે.મહત્વની વાત છે કે આરોપીઓએ હરીશ અમીનના હત્યાનો પ્લાન એટલો સિફતપૂર્વક તૈયાર કર્યો કે આગમાં ભડથું થઈ જવાથી હરીશ અમીનના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શરીર પર ઇજાના કોઈ નિશાન નહિ મળ્યા.જેથી પ્રાથમિક તબ્બકે અકસ્માતમાં જ મોત થયું હોવાનું કોઈને પણ લાગે. મહત્વની વાત છે કે આરોપીઓ હરીશ અમીનની હત્યા કર્યા બાદ ક્યાં રોકાયા હતા, કોનો સહારો લીધો હતો તે હવે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીઓની સાથે અન્ય કોઈ શખ્શની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : શું તમે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના વિષે આ મહત્વની બાબત જાણો છો?