Vadodara Congress News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ટિકિટ વહેંચણીના વિવાદોએ કોંગ્રેસની મુશ્કેલીઓમાં મોટો વધારો કર્યો છે. વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીના બરાબર સમયે જ એક મોટો અને આકરો ઝટકો લાગ્યો છે. ટિકિટ ફાળવણીથી ભારે નારાજ થયેલા નેતા હરીશ પટેલે પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતાની સાથે જ તેમણે પાર્ટી હાઈકમાન્ડ અને ખાસ કરીને મુકુલ વાસનિક પર ભ્રષ્ટાચારના અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે.
‘બળવાન ઉમેદવારોને પૈસા લઈને કાપી નખાયા’
રાજીનામું આપ્યા બાદ બળાપો કાઢતા હરીશ પટેલે પ્રદેશ નેતાગિરીની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સીધો આરોપ મુકુલ વાસનિક પર લગાવતા કહ્યું કે, ટિકિટ વહેંચણીમાં મોટા પાયે આર્થિક ગેરરીતિઓ થઈ છે. જે ઉમેદવારો ખરેખર જીતી શકે તેવા અને બળવાન હતા, તેમની ટિકિટો પૈસા લઈને કાપી નાખવામાં આવી છે.
હરીશ પટેલે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસને તો માત્ર મોટા નેતાઓના ઝબ્બા પકડવાવાળા અને જી હજૂરી કરનારા લોકો જ ગમે છે.”
Vadodara : વોર્ડ 1 ની ટિકિટ વહેંચણી પર ઉઠાવ્યા સવાલ
પોતાના આક્રોશને વાચા આપતા હરીશ પટેલે (Harish Patel) વડોદરાના વોર્ડ નંબર 1 ની ટિકિટ ફાળવણીનું ઉદાહરણ આપીને પાર્ટીની રણનીતિ પર મોટા સવાલો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે, “આખા ગુજરાતમાં ક્યાંય એવી પેનલ ન હોય જેમાં 4 માંથી 3 મહિલાઓ હોય! પરંતુ વડોદરાના વોર્ડ 1 માં કોંગ્રેસે 3 મહિલા ઉમેદવારોને ટિકિટ આપીને નવું જ સમીકરણ ઉભું કર્યું છે, જે સાબિત કરે છે કે કોંગ્રેસ પોતે જ ચૂંટણી જીતવા ઈચ્છતી નથી.”
કાર્યકરો સાથે છેડો ફાડ્યો
ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થાય તે પહેલા જ હરીશ પટેલે જાહેરાત કરી દીધી છે કે, “હું અને મારા તમામ કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામું આપીએ છીએ.” વડોદરા કોંગ્રેસમાં પડેલા આ મોટા ભંગાણ અને પૈસા લઈને ટિકિટ કાપવાના ખુલ્લા આક્ષેપોથી સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો:કચ્છમાં ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર
આ પણ વાંચો:અમદાવાદ જિલ્લા પંચાયત માટે BJPની ઉમેદવારોની યાદી જાહેર
