Vadodara News: વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન ડોમિનોઝ પિઝાના આઉટલેટમાં સ્વચ્છતાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્રાહકે મંગાવેલા અંદાજે રૂ. 2,000ના પિઝાના ઓર્ડરમાંથી જીવાત નીકળ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે ગ્રાહકમાં ભારે રોષ ફેલાયો હતો.

ગ્રાહકના જણાવ્યા અનુસાર, પિઝામાં જીવાત જોવા મળતાં તે તાત્કાલિક આઉટલેટ પર પહોંચ્યો હતો અને ત્યાં વિરોધ નોંધાવ્યો હતો. ગ્રાહકનો દાવો છે કે આઉટલેટની અંદર પણ પૂરતી સ્વચ્છતા જળવાઈ નહોતી અને ત્યાં પણ જીવજંતુઓ જોવા મળ્યા હતા. જેના કારણે તેણે ભારે હોબાળો મચાવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસની હાજરીમાં ગ્રાહક અને આઉટલેટના સંચાલકો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. આખરે મામલો શાંત પાડવા માટે આઉટલેટના સંચાલકોએ ગ્રાહકને ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત કરી દીધી હતી.
આ ઘટનાએ શહેરમાં ફૂડ સેફ્ટી અને હાઈજીનના ધોરણોને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન જીવજંતુઓનો ઉપદ્રવ વધતો હોવાથી ખાણી-પીણીના એકમોમાં સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં જાણીતી બ્રાન્ડના આઉટલેટમાં આ પ્રકારની ઘટના સામે આવતાં ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે.

સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા છે કે જો પ્રતિષ્ઠિત ફૂડ બ્રાન્ડમાં આવી બેદરકારી જોવા મળે છે, તો અન્ય નાના ખાણી-પીણીના એકમોમાં સ્વચ્છતાની સ્થિતિ કેવી હશે તે પણ તપાસનો વિષય છે.
આ સમગ્ર ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. નાગરિકોએ પાલિકા દ્વારા શહેરના તમામ ફૂડ આઉટલેટ્સમાં નિયમિત અને સઘન ચકાસણી હાથ ધરવાની માંગ કરી છે. સાથે જ હાઈજીન અને ફૂડ ક્વોલિટી અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ચોમાસા દરમિયાન વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ સેફ્ટી ટીમનો મોટો દરોડો: પીઝા પાર્લરમાં ગંદકી, વાસી ખોરાક અને જીવાતોનો ભંડાફોડ
આ પણ વાંચો: વડોદરા ફાયર વિભાગમાં વિવાદ ઘેરાયો, વિદેશ પ્રવાસની મંજૂરીને લઈને RTI એક્ટિવિસ્ટના ગંભીર આક્ષેપ
આ પણ વાંચો:વડોદરામાં શબ વાહિની ખરીદીમાં ભ્રષ્ટાચાર: મંતવ્ય ન્યૂઝનો પર્દાફાશ
