વડોદરામાં એક રાજકારણીની માનવતા સામે આવી છે. સામાન્ય રીતે મહત્વનાં પદ કે હોદ્દા પર બિરાજતાં રાજકારણીઓ સત્તાનાં મદમાં માનવતાં વિસરતા હોય છે. પરંતુ વડોદરાનાં ડે.મેયરે જે કામ કર્યું છે તેને અન્ય પદાધિકારીઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુરૂવારે સવારનાં સમયે વડોદરાની એસએસજી હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં એકાએક શહેરનાં એક પદાધિકારીની ગાડી ધસી આવી. આ ગાડી વડોદરા મહાનગર પાલિકાનાં ડે.મેયર જીવરાજ ચૌહાણની હતી. ગાડીમાંથી ડે.મેયર ઉતર્યા અને વોર્ડમાંથી સ્ટ્રેચર લાવવા દોડધામ કરી મુકી. આ દરમ્યાન મંતવ્ય ન્યૂઝની ટીમ દવાખાનાઓમાં રિયાલિટી ચેકનાં કામે એસએસજી હોસ્પિટલમાં જ ઉપસ્થિત હતી. ડે.મેયરની આ બધી દોડધામથી શરૂઆતમાં તો એમ જ લાગ્યું કે, રાજકારણી છે અને પાલિકાનાં ડે.મેયર છે એટલે કોઇ વાંધો પડ્યો હશે એટલે આમ બુમાબુમ કરતાં હશે. પરંતુ ત્યારબાદ તે જોવાં મળ્યું જેનાથી આ રાજકારણી પ્રત્યેની ધારણા ખોટી પડી. કારણ કે, ડે.મેયર જીવરાજ ચૌહાણે તેમની કારમાંથી દર્દથી કણસતી એક યુવતીને અન્ય લોકોની મદદથી બહાર કાઢી અને સ્ટ્રેચરમાં સુવડાવી સારવાર માટે લઇ ગયાં. વાસ્તવમાં વડોદરાનાં ડે.મેયર જીવરાજ ચૌહાણ ગુરૂવારે શહેરનાં કમાટીબાગમાં આવેલ સંકલ્પ ભૂમિ ખાતે જઇ રહ્યાં હતાં. તે દરમ્યાન કમાટીબાગનાં 3 નંબરનાં ગેટ પાસે રોડ ક્રોસ કરી રહેલાં એક પરિવારને બચાવવા જતાં પ્રિયા પટેલ નામની યુવતી તેની એક્ટિવા સાથે સ્લીપ થઇ ગઇ. જેમાં આ યુવતીને ગંભીર ઇજા થઇ. તે સમયે ડે.મેયર ત્યાંથી પસાર થઇ રહ્યાં હતાં. તેમણે 108 એમ્બ્યુલન્સની રાહ જોયાં વગર રોડ પર પડેલી દર્દથી કણસતી યુવતીને ઉપાડી તેમની સરકારી ગાડીમાં બેસાડી સીધાં એસએસજી હોસ્પિટલ પહોંચી ગયાં અને યુવતીની તાત્કાલિક સારવાર શરૂ કરાવી તેનાં પરિવારજનોનો સંપર્ક કરાવી આપ્યો હતો.
સામાન્ય રીતે રાજકારણમાં જનતાની સેવાનાં ધ્યેય સાથે આવતાં નેતાઓ સત્તા મળતાં જ તેમનો મૂળ ધ્યેય ભુલી મદમાં આવી જતાં હોય છે અને પ્રજા પર જ સત્તાનો રોફ જમાવતાં હોય છે. અને હોદ્દો મેળવતાં રાજકારણીઓની છાપ પણ આજકાલ આવી જ થઇ ગઇ છે. તેવામાં વડોદરાનાં ડે.મેયર ડો.જીવરાજ ચૌહાણ દ્વારા માનવતાનું આ ઉમદા કાર્ય એવાં રાજકારણીઓ માટે ઉદાહરણ સમાન છે જેઓ લાલ લાઇટવાળી કે સાયરનવાળી સરકારી ગાડી મળતાં જ માનવતાં વિસરી સત્તાનાં નશામાં રાચવામાં લાગી જાય છે.
