Vadodara News: વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મકાન રહેવા આપવા બાબતે અદાવત રાખી એક આધેડ પર પાંચ શખ્સોએ હુમલો કર્યો (Karelibaug Attack) હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદ મુજબ ઘરકામ કરતી પરિચિત મહિલાને રહેવા માટે પોતાનું મકાન આપનાર આધેડ સાથે મહિલાના પતિ અને તેના સંબંધીઓએ ગાળાગાળી કરી મારામારી કરી હતી. આ દરમિયાન લાકડાના ડંડા વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Karelibaug Attack : સાત વર્ષથી ઘરે કામ કરતી મહિલાને મકાન આપ્યું
કારેલીબાગના હરણી રોડ પર આવેલી જાગૃતિ સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા સ્નેહલ બળદેવ પટેલના ઘરે છેલ્લા સાત વર્ષથી આરતીબેન પૂનમભાઈ માછી ઘરકામ કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરતીબેનને તેમના પતિ સાથે કૌટુંબિક કારણોસર છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી હોવાથી તેઓ પોતાના પિયરમાં રહેતા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્નેહલભાઈએ માનવતાના ધોરણે આશરે દસ દિવસ અગાઉ સંગમ ચાર રસ્તા નજીક ત્રિવેણી સોસાયટીમાં આવેલું પોતાનું મકાન આરતીબેનને રહેવા માટે આપ્યું હતું.
બાળકની તબિયતની ખબર લેવા ગયા હતા
21 ઓગસ્ટની રાત્રે આરતીબેનના નાના દીકરાને તાવ આવ્યો હોવાનો ફોન સ્નેહલભાઈને મળ્યો હતો. આથી તેઓ મદદ માટે ત્રિવેણી સોસાયટી ખાતે ગયા હતા. ત્યાં બાળકની ખબરઅંતર પૂછ્યા બાદ સ્નેહલભાઈએ તેને ફળ આપ્યાં હતા. ત્યારબાદ તેઓ પરત જવા નીકળ્યા હતા.
‘મારી પત્નીને તારું ઘર કેમ રહેવા આપ્યું?’ કહી બોલાચાલી
ફરિયાદ મુજબ, સ્નેહલભાઈ ત્યાંથી નીકળતા હતા ત્યારે આરતીબેનના પતિ પૂનમ માછી ત્યાં આવી પહોંચ્યા હતા. તેણે સ્નેહલભાઈને ‘મારી પત્નીને તારું ઘર કેમ રહેવા આપ્યું?’ કહીને બોલાચાલી શરૂ કરી હતી. આ દરમિયાન પૂનમ માછીએ આરતીબેન સાથે મારામારી શરૂ (House Dispute Attack) કરી હતી. સ્નેહલભાઈ વચ્ચે પડી તેમને છોડાવવાનો પ્રયાસ કરતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ પૂનમ માછી, રાજ માછી અને પરેશ માછીએ સ્નેહલભાઈ સાથે ગાળાગાળી કરી મારામારી કરી હતી. ત્યારબાદ કિરણ માછીએ લાકડાના ડંડાથી તેમના માથા અને હાથના ભાગે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ હુમલામાં રિતેશ માછી પણ સામેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મારામારીની ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
પડોશીઓ દોડી આવ્યા, 108થી હોસ્પિટલ ખસેડાયા હુમલો (House Dispute Attack) થતાં સ્નેહલભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે પડી તેમને વધુ મારથી બચાવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
પાંચ સામે પોલીસ ફરિયાદ
હાલ સ્નેહલભાઈ પટેલ સારવાર હેઠળ છે. ભાનમાં આવ્યા બાદ તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસને નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનના આધારે પૂનમ માછી, રાજ માછી, પરેશ માછી, કિરણ માછી અને રિતેશ માછી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજને આધારે સમગ્ર ઘટનાની (Vadodara Attack Case) તપાસ શરૂ કરી છે અને હુમલા પાછળના કારણો તથા ઘટનામાં સામેલ તમામ લોકોની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: પગ પર લારીનું પૈડું ચડતાં ટોક્યું તો ભડક્યો લારીચાલક, આધેડ પર પાટીયાથી ઉપરાઉપરી હુમલો
આ પણ વાંચો: ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ: 5 દોષિતો સામે આજે સજાની દલીલો, હવે કોર્ટ શું ચુકાદો આપશે?
આ પણ વાંચો: માંડવીના ગોદાવાડીમાં યુવતીની ચાર્જિંગના કેબલથી ગળું દબાવી હત્યા, લાખોની લૂંટ કરી આરોપીઓ ફરાર
