Vadodara News/ વડોદરાની પાયોનિયર કોલેજમાં માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીનો આપઘાત, 2 પ્રોફેસર સામે ફરિયાદ

વડોદરાની (Vadodara) પાયોનિયર કોલેજમાં BAMSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.પરિવારે જાતિ આધારિત માનસિક ત્રાસના આક્ષેપ સાથે બે પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવતા મામલો વધુ ગંભીર બન્યો છે.

Gujarat Vadodara
Vadodara News

વડોદરાની જાણીતી પાયોનિયર કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોલેજના BAMS પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રોહન રાઠોડ દ્વારા ઇમારતના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે, જેને કારણે શૈક્ષણિક જગતમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.

Pioneer College
Pioneer College

વડોદરામાં (Vadodara) કોલેજ બિલ્ડિંગના ત્રીજા માળેથી ઝંપલાવ્યું

માહિતી મુજબ, 10મી તારીખે સાંજના સમયે રોહન રાઠોડે કોલેજ બિલ્ડિંગના ત્રીજા માળેથી ઝંપલાવ્યું હતું. ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે વડોદરાથી જુનાગઢ ખસેડવામાં આવ્યો છે. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.

પરિવારજનોએ ફરિયાદ નોંધાવી

આ ઘટનાને લઈને પરિવારજનોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કોલેજના બે પ્રોફેસર  કોમલ અને ઋષિકેશ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા સાત મહિનાથી વિદ્યાર્થીને જાતિ આધારિત ટિપ્પણીઓ અને માનસિક દબાણનો સામનો કરવો પડી રહ્યો હતો. સાથે જ અભ્યાસ બગાડવાની ધમકીઓ આપવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

સાત સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલેજના આચાર્ય વૈદ્ય નીતા મશરૂએ સાત સભ્યોની તપાસ સમિતિ રચી છે. તેમણે જણાવ્યું કે, પરિવાર તરફથી મળેલી જાણકારીના આધારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમિતિનો અહેવાલ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઈ

બીજી તરફ, SC/ST સેલ વડોદરાના એસીપી ચંદ્રસિંહ સોલંકીએ પણ જણાવ્યું છે કે પોલીસ ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે અને તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર ઘટનાને લઈને શહેરમાં વિવિધ સ્તરે ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પરિવાર અને પોલીસ તંત્ર વિદ્યાર્થીની હાલત પર સતત નજર રાખી રહ્યા છે.


આ પણ વાંચો:ગુજરાત ભાજપનો મોટો સંગઠનાત્મક નિર્ણય, ત્રણ જિલ્લાઓમાં નવા પ્રમુખની વરણી

આ પણ વાંચો:ગુજરાતને મળી નવી રેલ સૌગાત: અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ

આ પણ વાંચો:ગ્રાહક સુરક્ષામાં ગુજરાતની નવી પહેલ : ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI)’ શરૂ