Vajpayee Bankable Yojana Gujarat: ગુજરાતમાં નાના ધંધા-રોજગાર શરૂ કરવા ઈચ્છતા નાગરિકો માટે સારા સમાચાર છે. વિધાનસભા ગૃહમાં ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે ‘ વાજપેયી બેન્કેબલ યોજના’ અંગે મહત્વની વિગતો રજૂ કરી હતી. આ યોજના હેઠળ રાજકોટ અને કચ્છ જિલ્લામાં હજારો લાભાર્થીઓને લોન સહાય આપી આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે.
રાજકોટ અને કચ્છમાં લોન સહાયનો આંકડો
વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ 31-12-2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કુલ 4,157 જેટલી અરજીઓ મળી હતી, જેમાંથી બેન્કો દ્વારા 2,913 અરજીઓને મંજૂરી આપીને લોનનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે. તેવી જ રીતે કચ્છ જિલ્લામાં કુલ 1919 અરજીઓ આવી હતી, જેમાંથી 1463 લાભાર્થીઓને સફળતાપૂર્વક લોન સહાય પ્રાપ્ત થઈ છે.
લોન અને સબસિડીની મર્યાદામાં મોટો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આ યોજનાનો વ્યાપ વધારતા અને તેને વધુ લોકો સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સુધારાઓ કર્યા છે. જે અંતર્ગત, અગાઉ આ યોજનામાં મળતી રૂ. 8 લાખ સુધીની લોન મર્યાદામાં તોતિંગ વધારો કરીને હવે તેને રૂ. 25 લાખ સુધી કરવામાં આવી છે, જેથી ઉદ્યોગસાહસિકોને મોટી રાહત મળી રહે. એટલું જ નહીં, આર્થિક સહાયને વધુ મજબૂત બનાવતા સબસિડીની મર્યાદા પણ રૂ. 1.25 લાખથી વધારીને હવે સીધી રૂ. 3.75 લાખ કરવામાં આવી છે, જે મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ?
આ સરકારની મહત્વકાંક્ષી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી પાત્રતાના માપદંડોને અત્યંત સરળ અને લવચીક રાખવામાં આવ્યા છે. જેમાં અરજદારની વય મર્યાદા 18 થી 65 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે, જ્યારે શૈક્ષણિક લાયકાત માત્ર ધોરણ-4 પાસ અથવા સંબંધિત ક્ષેત્રની તાલીમ કે અનુભવ પૂરતી સીમિત રાખવામાં આવી છે. આ યોજનાની સૌથી મોટી અને રાહતરૂપ વિશેષતા એ છે કે તેમાં કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવી નથી, જેથી આર્થિક સ્તરના ભેદભાવ વિના દરેક નાગરિક અરજી કરી શકે છે. આ લોન ખાસ કરીને નાના ધંધા-રોજગાર, ઉદ્યોગ સ્થાપવા અને સેવા ક્ષેત્રના વિકાસ માટે મેળવી શકાય છે.
Vajpayee Bankable Yojana: કેવી રીતે કરવી અરજી?
જો તમે પણ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ, તો સરકારના સત્તાવાર પોર્ટલ blp.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. રાષ્ટ્રીયકૃત કે સહકારી બેંકો દ્વારા આ લોન મેળવી શકાય છે.
આ પણ વાંચો: રોગોથી બચવું છે? તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ, વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગંભીર ચેતવણી
આ પણ વાંચો: હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, ગાંધીનગર વિધાનસભામાં ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ શરૂ
આ પણ વાંચો: વિધાનસભા ખાતે ગુજરાત દુકાન-સંસ્થા સુધારા વિધેયક સર્વાનુમતે પાસ
