વેલેન્ટાઇન વિશેષ/ વેલેન્ટાઇન ડે..પ્રેમ..લાગણી અને સબંધની મધુરતાનો અહેસાસ

વેલેન્ટાઇન ડે યુવાનોથી લઇ દરેક સબંધ માટે ખાસ છે, મંતવ્યએ આવા જ કેટલા ખાસ સબંધો અને યુવાનોની લાગણી સમજવાનો પ્રયાસ કર્યો છે

Top Stories Mantavya Exclusive Trending Lifestyle
વેલેન્ટાઇન ડે

વેલેન્ટાઇન ડે: ‘નથી કોઇ શર્ત તારો પ્રેમ મેળવવાની, મને તુ ચાહે એટલુ જ બસ છે. લાગણીથી બંધાઇ છું તારી સાથે તુ ચાલે મારી સાથે એટલુ જ બસ છે’. પ્રેમ વિશે કહેનારા કહી ગયા, લખનારા લખી ગયા અને જીવનારા જીવી ગયા. છતાય  અઢી અક્ષરોની ગૂઢતા આજેય અકબંધ છે. પ્રેમ વ્યક્ત કરવાના સ્વરૂપ બદલાયા છે પરંતુ પ્રેમની અનુભૂતી હંમેશા એક જેવી જ રહે છે. માટે વેલેન્ટાઇન ડે યુવાનોથી લઇ દરેક સબંધ માટે ખાસ છે. મંતવ્યએ આવા જ કેટલા ખાસ સબંધો અને યુવાનોની લાગણી સમજવાનો પ્રયાસ કર્યો છે.

સાંજે તૈયાર રહેજે હું આજે ફીસેથી વહેલી ઘરે આવવાની છું, તૈયાર થતા થતા હેતવીએ ગર્વીને કહ્યું,  ગર્વીની આંખોમાં ચમક આવી ગઇ અને બોલી કેમ તુ પણ વેલેન્ટાઇ ડેની પાર્ટી આપવાની છું. અને સાચુ કહેજે કોણ છે તારો વેલેન્ટાઇન અને મને સાથે લઇ જઇને તારે કબાબમાં હડ્ડી બનાવી છે. ગર્વીની વાત સાંભરી હેતવી હસી પડી..અને કહ્યું અહીં આવ, ગર્વીને પોતાની નજીક બોલાવી ગાલ પર મીઠી કીસ કરતા બોલી તને ખબર છે આ આખાય વિશ્વમાં મારુ કોઇ વેલેન્ટાઇન હોય તો તે તુ છું..તારાથી પહેલા પણ કોઇ નહીં અને પછીય કોઇ નહીં..ગર્વી હેતવીને ભેટી પડી. હેતવી એટલે ગર્વીની ફીયા(ફોઇ). ગર્વી હેતવીના મોટાભાઇની દિકરી હતી, ભાઇ-ભાભી બન્ને જોબ કરતા અને હેતવી પછી ઘરમાં પ્રથમ બાળક ગર્વી હતી. માટે જ તે ઘરની ધડકન પણ હતી. જો કે ગર્વી બાળપણથી જ પોતાની ફીયાની ખુબ નજીક હતી. અને હેતવી માટે તો તેની દુનિયા જ ગર્વી હતી. અભિયાન સાથે વાત કરતા હેતવી કહે છે, આજે તો ગર્વીના લગ્નને પણ બે વર્ષ થઇ ગયા છે અને મારા લગ્નને 14 વર્ષ અમારે બનેને ખુબ ઓછું મળવાનું થાય છે. ખાસ કરીને ફોન પર જ હાય, હેલો અને મેસેજની આપલે થતી હોય છે. કારણ કે ગર્વી હવે તેના બેટર હાફ સાથે ન્યુઝીલેન્ડમાં રહે છે. પરંતુ આજે પણ અમારા વચ્ચે પ્રેમ અકબંધ છે.

વેલેન્ટાઇન ડેની તો વાત જ શું કરું, પહેલા મિત્રો સાથે જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે ગર્વી મારી સાથે જ હોય, ખબર નહીં તેની સાથે કેવી લાગણીથી બંધાઇ ગઇ છું કે તે છુટતી જ નથી. હું અને તે બને પોતાના પરિવાર સાથે છીએ, છતા આજે પણ મને કોઇ એમ પુછે કે તારો વેલેન્ટાઇ કોણ તો મારા મોઢે પ્રથમ તો ગર્વીનું જ નામ આવે. કદાચ આજ સાચો પ્રેમ હશે..જે કોઇ માત્ર લાગણીના તાંતણે બંધાઇ જાય છે. જેને કોઇ પુરાવાની જરૂર નથી હોતી. વેલેન્ટાઇન ડેના દિવસે હું ગર્વીને ખુબ યાદ કરું છું, તે તો મારી ભત્રીજી છે અને તેના કરાત 18 વર્ષ મોટી છતા અમારા સબંધો બીજા ફીયા અને ભત્રીજી કરતા સાવ જુદા છે. તેને હંમેશા મને દોસ્ત માની છે, કોઇ પણ વાત મારી સાથે સહેલાઇથી કરી લેતી, અને મારા વગર તો બીલકુલ રહેતી નહીં. હવે તે તેના સંસારમાં ખુશ છે અને તેને જોઇને હું પણ ખુશ છું. છતા આજે પણ વેલેન્ટાઇન ડેના દિવસે અમે વાત કરીને ઘણીય જુની યાદોને તાજી કરી લઇએ છીએ..કદાચ આજ સાચો વેલેન્ટાઇન કહેવાતો હશે.

પ્રેમ એ માત્ર પતી પત્ની કે બે પ્રેમી સુધી સીમિત નથી. પ્રેમ એ તો ક જુદો જ અહેસાસ છે જે કોઇ પણ બે વ્યક્તિ વચ્ચે હોય શકે છે, પ્રેમના આ દિવસને દરેક લોકો પોતાની રીતે મનાવે છે. હવે વેલેન્ટાઇન ડે માત્ર યુવાનો અને કપલ પુરતો જ મર્યાદિત નથી રહ્યો હવે તો સાઇઠ વર્ષના દાદા પણ પત્નીને રેડ રોઝ આપે છે તો 11 વર્ષનો દિકરો પણ વેલેન્ટાઇન ડેના દિવસે મોમને ગીફટ આપવા પોતાની પોકેટ મની ખર્ચી નાંખે છે. તો વળી યુવાનો માટે તો આ દિવસ એટલે ફુલ ઓન મસ્તી બની ગયો છે. પ્રેમની કોઇ પરિભાષા નથી, તે તો લાગણીના તાંતણે બંધાતુ એ સંભાળણું છે જે કાયમ માટે કોઇની સાથે કોઇ પણ સ્વાર્થ વિના બંધાઇ જાય છે. સબંધનું નામ કોઇ પણ હોય પરંતુ સરનામું પ્રેમ હોય છે.

પ્રેમ કરવાનો ના હોય પ્રેમ તો થઇ જાય

ુોીગસો વેલેન્ટાઇન ડે..પ્રેમ..લાગણી અને સબંધની મધુરતાનો અહેસાસ

લગ્નના બે વર્ષ સાથે રહ્યાં પછી હું કેનેડા જઇ રહી હતી, મને આજે પણ યાદ છે એ ક્ષણ જ્યારે મારુ ખુય પરિવાર મને એરપોર્ટ પર મુકવા માટે આવ્યું હતું. આ શબ્દો છે ગરિમા રાવના જે હાલ કેનેડામાં રહે છે. મંતવ્ય સાથે વાત કરતા ગરિમા કહે છે, “એરપોર્ટ પર કભી ખુશી કભી ગમ જેવો માહોલ હતો. નવી ઉડાન ભરવાની જ્યાં ખુશી હતી ત્યાં બધાથી દુર થવાનું દુઃખ. લગ્ન પછી મારા મમ્મી-પપ્પા(સાસુ-સસરા)એ ક્યારેય મને પુત્રવધુ માની જ નથી. કાયમ એક દીકરીને લાડ લડાવે તેવો જ પ્રેમ મારી પર વરસાવતા રહ્યા છે. અને મારુ જીવન જેમને પુર્ણ કર્યુ તે મારા ધ્રુવ દરેક બાબતે બેસ્ટ જીવનસાથી સાબિત થયા છે. એ દિવસે એરપોર્ટ પર કેક કપાતી હતી, ફોટોગ્રાફી થતી હતી, ધ્રુવ પણ ખુબ ખુશ હતા પરંતુ તેમની આંખોના ખુણામાં ભરાઇ રહેલા આંસુ મને કહેતા હતા, કે યાર કેવી રીતે રહીશ તારા વગર..તુ..સી..ના જાઓ.., બધાની વચ્ચે પણ અમે બન્ને આંખો આંખોમાં ઘણી વાતો કરી લીધી અને હું કેનેડા આવી ગઇ. પરંતુ અહીં આવીને મને ધ્રુવની વધારે યાદ આવવા લાગી, ઘણીવાર થાય કે દોડીને તેમની પાસે જતી રહું, થોડા સમયની અમારી જુદાઇએ અમારા પ્રેમને જાણે વધુ મજબુત બનાવી દીધો. અમારા લગ્નની બીજી વર્ષગાંઠની ઉજવણી પણ મોબાઇલ પર જ કરી. પરંતુ આખરે એ દિવસ આવી ગયો જ્યારે મારા ધ્રુવ મારી પાસે કેનેડા આવ્યા. તેમને જોઇને એવુ લાગતુ હતું કે જાણે દાયકાઓથી તેમની રાહ જોતી હતી, જીવનનું અધુરાપણું જાણે પળમાં પુર્ણ થઇ ગયુ. પતી પત્ની વચ્ચે પ્રેમ હોવો સ્વાભાવિક છે. પરંતુ અમે બનેં પતી પત્નીની સાથે સારા મિત્રો પણ છીએ. એરેન્જ મેરેજમાં પણ પ્રેમનો એ એહેસાસ છે જે શબ્દોમાં પરોવી શકાતો નથી. હું મુક્તપણે તેમની સાથે કોઇ પણ વાત કરી શકું છું, અને તે મારી નાની નાની વાતોનું ધ્યાન રાખે છે. કદાચ આજ પ્રેમ કહેવાતો હશે. જેમાં તમારા લાઇફ પાર્ટનર સાથે વાત કરતા પહેલા તમારે ક્યારે શબ્દોની ગોઠવણ કરવી નથી પડતી. હું ધ્રુવને ખુબ જ પ્રેમ કરું છું.” જ્યારે ધ્રુવ રાવ મંતવ્ય સાથે વાત કરતા કહે છે, “ગરિમાનું મારા જીવનમાં હોવું જ મારા જીવનને કમ્પલેટ કરે છે. પ્રેમની એકાદ વ્યાખ્યા આપવી અઘરી છે પરંતુ દરેક વ્યક્તિ પોતાની રીતે શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે. કેમ કે પ્રેમને બે ચાર શબ્દોમાં રજુ કરવો શક્ય નથી. પ્રેમ એટલે સમર્પણની ભાવના, પ્રેમ એટલે વ્હાલ, કરુણાનો દરિયો, પ્રેમ એટલે નિસ્વાર્થ ભાવની મીઠી વેદના, પ્રેમ એટલે સમજણ શક્તિનું સરવૈયું અને પ્રેમ એટલે મારી ગરિમા. પ્રેમ કરવાનો ના હોય પ્રેમ તો થઇ જાય. અને મને ગરિમા સાથે એવો જ પ્રેમ થઇ ગયો છે. દુનિયામાં અબજો લોકો છે પણ પ્રેમ એક વ્યક્તિ સાથે થાય છે, જેને આપણે ઓળખતાં પણ નથી હોતા અને તે તમારા જીવનમાં દસ્તક મારે છે અને બસ પછી તેનાથી વિશેષ તમારી માટે કશુ જ નથી રહેતું.”

પ્રેમની આટલી વ્યાખ્યા પૂર્ણ છે

4 16 વેલેન્ટાઇન ડે..પ્રેમ..લાગણી અને સબંધની મધુરતાનો અહેસાસ

બે સાવ અલગ વ્યક્તિની ભિન્ન પ્રકૃતિનો સ્વીકાર, તેનો આદર, એકબીજા પ્રત્યેની સમજણ અને લાગણી આ જ તો છે પ્રેમ. જીવન જીવવા માટે પ્રેમની આટલી વ્યાખ્યા પૂર્ણ છે. એકબીજામાં ખામી શોધવા અને  એ અંગે ફરિયાદો કરવા તો આખુ આયખુ છે. પ્રેમ કરવા પણ જીવનભરનો સમય છે પરંતુ આ પ્રેમનો અહેસાસ કરાવવા માટેનો બેસ્ટ દિવસ હોય તો તે વેલેન્ટાઇન ડે છે. અને મારા વેલેન્ટાઇન એટલે મારા સચીન..આ શબ્દો છે મોનિકા બારોટના. મંતવ્ય સાથે વાત કરતા મોનિકા કહે છે, “અમારા લગ્નને પંદર વર્ષ થઇ ગયા, બે સંતાનોના માતા-પિતા છીએ. પરંતુ વાત જ્યારે વેલેન્ટાઇનની આવે ત્યારે એમ લાગે કે હજુ કાલની તો વાત છે. સગાઇ પછીનો અમારો પ્રથમ વેલેન્ટાઇન  બધાની જેમ હું પણ અનેક સપના જોઇને બેઠી હતી. સચીન સાવ સીધા અને ભોળા માણસ. પરિવારે અમારા સગપણ કરાવ્યા, જ્યારે મે તેમને પ્રથમ વખત જોયા ત્યારે જ તેમની સાથે પ્રેમ થઇ ગયો. મારા તો વેલેન્ટાઇ પણ તે અને મારો શ્વાસ પણ તે, લગ્ન પહેલા તો ખાસ મળવાનું થાય નહીં પરંતુ વેલેન્ટાઇન ડેના દિવસે અમે કલાકો ફોન પર વાત કરી, વાત વાતમાં તેમને મને કહ્યું હતું કે મોનિકા હું તારો જીવનભર ખ્યાલ રાખીશ, હા લગ્ન પછી બધાની જેમ આપણા વચ્ચે પણ તુ..તુ..મેં..મેં..થશે પરંતુ આપણી રકઝક ક્યારેય આપણા પ્રેમ પર વિજય નહીં મેળવી શકે. બસ તે દિવસ હતો અને આજનો દિવસ દોઢ દાયકા પછી પણ હું અને સચીન બને એકબીજા માટે સવિશેષ છીએ. વેલેન્ટાઇ ડેના દિવસે બીજુ કશુ કહીએ કે નહીં પરંતુ એકબીજા આગળ પ્રેમનો એકરાર તો કરીએજ છીએ.” જ્યારે સચીન કહે છે, “લવ મેરેજ સારા હોય છે પરંતુ મેરેજ પછીનો લવ જુદી જ ફીલીંગ્સ અપાવે છે. સગાઇથી લગ્ન વચ્ચેના સમયમાં જે અહેસાસથી તમે પસાર થાવ છો તેમાં જ પોતાના ભાવિ સાથી સાથે ભરપૂપ પ્રેમ થઇ જાય છે. વેલેન્ટાઇન ડે પ્રેમની લાગણીને વ્યક્ત કરે છે. અમારા માટે આ દિવસ ખાસ છે. અમે બને એકબીજાને પ્રોમીસ કર્યુ છે કે લગ્નના એક દાયકા નહીં પણ પાંચ દાયકા પછી પણ આપણે વેલેન્ટાઇન ડે ઉજવતા રહીશું, ઘણું બધુ જીવીશું, ધણું બધું કહીશું અને ઘણું બધુ એકબીજાને સમજીશું..આ જ તો છે વેલેન્ટાઇ.”

બધા વિચારતા રહ્યાં અને મેં કહ્યું દીકરી…

gurav dikri suhani joshi વેલેન્ટાઇન ડે..પ્રેમ..લાગણી અને સબંધની મધુરતાનો અહેસાસ

‘ઓછામાં ઓછા શબ્દોમાં ખુશીનું વર્ણન કરવાની હરીફાઇ હતી, લોકો વિચારતા રહ્યાં અને મેં કહ્યું દીકરી.’ વાતની શરૂઆત કરતા ગૌરવ જોષી મંતવ્યને કહે છે કે, “મારી દિકરી આજે પંદર વર્ષની થઇ ગઇ છે. પરંતુ જ્યારે તે કાલી ઘેલી ભાષા બોલતી હતી ત્યારે પણ ઘણીવાર મને માતા બનીને ટ્રીટ કરતી. દીકરી વ્હાલનો દરિયો હોય છે, હંમેશા એવું સાંભળ્યું છે, પરંતુ જ્યારે સુહાનીનો જન્મ થયો ત્યારે અનુભવ્યું પણ ખરા, સંતાનના જન્મથી બધા માતા-પિતા બને છે પરંતુ મારી દીકરીના જન્મથી અમે ભાગ્યવાન બન્યા. બાળપણથી જ્યારે પણ મારા ચહેરા પર ગંભીર ભાવ જોવે ત્યારે મારી નાનકડી સુહાની હચમચી જતી. મારી ખુશીમાં ખુશ અને મારી થોડી પણ તકલીફની સૌથી વધુ અસર તેને જ થાય છે. વાત જ્યારે મારી આવે એટલે તે દાદીમા બની જાય છે. ઘણીવાર વિચાર આવે છે કે આ માસુમ ફુલ જોડે કેવા બંધનમાં બંધાયો છું. તેને ક્યારેય કશુ જ સમજાવવાની જરૂર નથી પડી, તે જાતે જ બધુ સમજી ગઇ. મારી સુહાન જ મારી બેસ્ટ વેલેન્ટાઇન છે. ભગવાનનો ખુબ ખુબ આભાર કે દીકરી સ્વરૂપે એવી વેલેન્ટાઇ આપી જે કદાચ બધાના નશીબમાં નથી હોતી. સુહાની મોટી થશે તો તેની માટે કદાચ વેલેન્ટાઇનની વ્યાખ્યા બદલાશે પરંતુ મારા માટે તો મારી વેલેન્ટાઇન હંમેશા મારી હસતી-રમતી, ઘરને ખુશીઓથી ભરી દેતી મારી લાડકી સુહાની જ રહેશે.” જ્યારે સુહાની અભિયાન સાથે વાત કરતા કહે છે, “પપ્પા તો દરેકના બેસ્ટ જ હોય પરંતુ મારા પપ્પા મારું વિશ્વ છે, તે માત્ર મારા પિતા જ નહીં પરંતુ મારા બેસ્ટ ફ્રેન્ડ છે, જે વાત કોઇને પણ ન કહી શકું તે તેમને સરલતાથી કહીં દઉં છું. તેમને કશુ કહેવા માટે મારે ક્યારેય વિચારવાની જરૂર નથી પડતી. તેઓ મારા વેલવીસર છે અને હા મારા વેલેન્ટાઇન પણ..”

તમારાથી વધુ અમને કોઇ જ પ્રેમ ન કરી શકે

1 135 વેલેન્ટાઇન ડે..પ્રેમ..લાગણી અને સબંધની મધુરતાનો અહેસાસ

અમારી દુનિયા તમે છો, તમારાથી વધુ આ વિશ્વમાં અમારા માટે કોઇ જ નથી, અમારી લાગણીને માત્ર તમે જ સમજો છો. કોઇ પણ સ્થિતીમાં તમે અમને આગળ વધતા રહેવાની શક્તિ અને પ્રેરણાં આપો છો. તમે અમારું બ્રહ્માંડ છો મમ્મી.. તમે જ અમારા વેલેન્ટાઇ છો..કારણ કે આ પ્રેમના દિવસે તમારાથી વધુ અમને કોઇ જ પ્રેમ ન કરી શકે, આ શબ્દો છે બીબીએના ફોર્થ યરનો અભ્યાસ કરતા કિર્તન ચૌહાણ અને બીઝનેશ ઓફ ફર્નિચર એન્ડ ઇન્ટીનયર ડિઝાઇનનો અભ્યાસ કરતા યશ ચૌહાણના. આ બને ભાઇ પોતાની મોમને ખુબ જ પ્રેમ કરે છે, મંતવ્ય સાથે વાત કરતા કહે છે, “એ વાત સાચી છે કે દિકરાઓ સૌથી વધુ મમ્મીની નજીક હોય છે પરંતુ અમારા માટે તો અમારી આખી દુનિયા જ અમારી મમ્મી છે. પ્રેમની વાત કરવી હોય ત્યારે અમારી મમ્મી સીવાય કોઇનું નામ યાદ ના આવે. સૌ પહેલા અમારી વેલેન્ટાઇન તો મારી મમ્મી જ છે. જ્યારે કિર્તન અને યશના માતા અલ્પા ચૌહાણ મંતવ્યને કહે છે કે, “તમે જીવનની જંગ ત્યારે જીતી જાવ છો જ્યારે તમારા સંતાનો સારા હોય. મારા બને દિકરા માત્ર સારા જ નહીં સંસ્કારી પણ છે, આજની ફાસ્ટ લાઇફમાં પણ તેમની માટે સૌ પહેલા મમ્મી અને પછી બધુય છે. વેલેન્ટાઇનની વાત કરું તો અમે પરિવાર સાથે મળીને તેને એન્જોય કરીએ છીએ. પરંતુ મારા દિકરાઓ આ દિવસે મારા માટે ખાસ સરપ્રાઇઝ પ્લાન કરે છે, આમ તો તેમનું મારા જીવનમાં હોવું તે મારા માટે ભગવાનની આપેલી અમૂલ્ય ભેટ છે પરંતુ તેમની માટે માતૃદેવો ભવથી વધુ આ ફલક પર કશુ જ નથી. મને ગર્વ છે મારા સંતાનો પર.”

સપ્તમનો વેલેન્ટાઇ એટલે જરા હટકે થીંક

2 3 વેલેન્ટાઇન ડે..પ્રેમ..લાગણી અને સબંધની મધુરતાનો અહેસાસ

જીઇસી કોલેજમાં બાયો મેડિકલ એન્જીનયરીંગ કરતા ગ્રુપની  વાત જરા જુદી છે. મંતવ્ય સાથે વાત કરતા ગ્રુપમાં સૌથી વધુ બોલકી અને સૌની નજીક હેમાક્ષી કામંત કહે છે, “અમે તો વેલેન્ટાઇન ડે ના દિવસે આખુ ગ્રુપ મળીને ખુબ એન્જોય કરીએ છીએ, પ્રથમ તો અમે વહેલી સવારે વૃદ્ધાશ્રમમાં જઇને વડીલોનો ખુબ બધો પ્રેમ મેળવીએ છીએ, આ અમારો છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો નિત્યક્રમ છે. વધુમાં હેમાક્ષી કહે છે, પ્રેમ કોઇની પણ સાથે હોઇ શકે, અમારા ગ્રુપ સાત લોકોનું છે અમને બધા સપ્તમ કહીને પણ બોલાવે છે, ત્રણ યુવતિ અને ચાર યુવક છીએ, અમે બધા કબીજા સાથે એ રીતે કનેક્ટ છીએ કે, ગમે ત્યારે ગમે તે એકબીજાના ઘરે પહોંચી જઇએ. અમારા પરિવારમાં પણ અમને બધા સપ્તમ જ કહે છે, વેલેન્ટાઇન ડેના દિવસે માત્ર મસ્તી જ નહીં એવુ પણ કાર્ય કરીએ છીએ, જેમાં સાચેજ પ્રેમનો અહેસાસ થાય અને તે સેવા કરવાથી થાય છે.” જ્યારે સપ્તમ ગ્રુપના આકાશ સોની કહે છે, “વેલેન્ટાઇન ડે ને લઇને પહેલા લોકો સંકુચીત માનસિક્તા ધરાવતા હતા. આ દિવસની ઉજવણી તો પહેલેથી જ થતી આવી છે. પહેલાના જમાનામાં આપણા વડીલો જેને વસંત કહેતા એ જ વસંત આજે વેલેન્ટાઇન બની ગયો છે. વસંતની ઋતુ જ પ્રેમની હોય છે. હવે લોકો બ્રોડ વિચારતા થયા છે, જડ માનસિકતા દુર થઇ છે અને ખાસ તો ધીમે ધીમે લોકો સમજી રહ્યાં છે કે પ્રેમી યુગલો જ વેલેન્ટાઇન ડે નથી ઉજવતા. હવે તો અન્ય તહેવારોની જેમ આ દિવસ બધા માટે ખાસ બની ગયો છે. તેમાં પણ અમારા યુવાનો માટે તો વેલેન્ટાઇન ઇસ મોસ્ટ ઇમ્પોર્ટન્સ ડે.. આજ તો એ દિવસ છે જેમાં જ્યાં જુઓ ત્યાં તમને પ્રેમ જ પ્રતિબિંબ થાય છે.”

vvbb વેલેન્ટાઇન ડે..પ્રેમ..લાગણી અને સબંધની મધુરતાનો અહેસાસ

‘બધીયે અટકળોનો એ રીતે અંત મળે,  કોઇ પરબીડિયામાં જે રીતે વસંત મળે,’ વસંતના વાયરા વીતેલા દિવસોમાં લાગણીની આપ લે કરાવતા હતા આને આજે વેલેન્ટાઇન ડે (Valentine Day)પ્રેમનો અહેસાસ કરાવે છે. તો આ વેલેન્ટાઇ ડે તમે પણ એન્જોય કરો, અને માતા-પિતા, ભાઇ, બહેન, મિત્ર, પતિ-પત્ની કે કોઇ પણ ગમતી વ્યક્તિ આગળ તમારા પ્રેમનો સ્વીકાર કરો અને કહો કે તમે ખુબ પ્રેમ કરો છો તેમને.

વેલેન્ટાઇન ડે/ આ સ્ટાર કપલ કરશે પહેલો વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ