Varanasi Airport Firing: વારાણસી એરપોર્ટ પર રવિવારે સવારે સુરક્ષા તપાસ દરમિયાન અચાનક ગોળીબાર થતાં ભારે અફરાતફરી સર્જાઈ. ઘટનામાં એક મહિલા યાત્રી સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોળીબારનો અવાજ સંભળાતા એરપોર્ટ પર હાજર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો સલામત સ્થળ તરફ દોડતા જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે આશરે 10:30 વાગ્યે એરપોર્ટ પર સુરક્ષા તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન એક મુસાફરની પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટી ગઈ હતી. આ યાત્રી આઝમગઢનો હોવાનું સામે આવ્યું છે અને તે એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે મુંબઈ જવાનો હતો.
મળતી માહિતી મુજબ, યાત્રી પાસે પિસ્તોલ અને મેગેઝીન હતું અને તેણે પોતાના હથિયાર અંગે અગાઉથી જાણ કરી હતી. જોકે, સુરક્ષા તપાસ દરમિયાન હથિયારમાંથી ગોળી છૂટી જતાં સમગ્ર એરપોર્ટ પર હડકંપ મચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં CISFના જવાનો તેમજ એરપોર્ટ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગોળીબારની ઘટના બાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. પોલીસ, એરપોર્ટ સત્તાવાળાઓ અને ઇન્ટેલિજન્સની ટીમોએ તપાસ શરૂ કરી છે. હથિયાર કેવી રીતે ફાયર થયું અને સમગ્ર ઘટનાક્રમ અંગે યાત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: થાઈલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યું આડેધડ ફાયરિંગ; એક શિક્ષકનું મોત, 20 વિદ્યાર્થીઓ ઘાયલ
આ પણ વાંચો: કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો: નોન-કાશ્મીરી મજૂરો પર ફાયરિંગ, એકનું મોત, એક ઘાયલ
આ પણ વાંચો: અમદાવાદના ફતેવાડીમાં પત્નીના પ્રેમીએ પતિ પર કર્યું ફાયરિંગ, જૂની અદાવતમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
