Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં યોજાયેલા હોળીના ઉત્સવમાં લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરની બાદબાકીને કારણે ભારે વિવાદ સર્જાયો છે. અન્ય લોક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતાં વિક્રમ ઠાકોરે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “આજે મને બહુ દુ:ખ થયું. ઠાકોર સમાજના કલાકારોનું સન્માન ન થયું તે મને ખોટું લાગ્યું.”
ગુજરાત વિધાનસભામાં હોળીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ લોક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, કિંજલ દવે, ગીતા રબારી, રાજભા ગઢવી જેવા જાણીતા કલાકારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જો કે, લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે તેઓ નારાજ થયા હતા.
વિક્રમ ઠાકોરે આરોપ લગાવ્યો કે, ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી રહી છે. નવઘણજી ઠાકોર સમાજના અગ્રણીએ પણ આ ઘટના પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી અને સરકાર પાસે માફીની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, “ક્ષત્રિય સમાજનો કોઈ પણ કલાકાર હવે સરકારના કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.”
વિક્રમ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ઠાકોર અને ક્ષત્રિય સમાજમાં પણ ઘણા પ્રતિભાશાળી કલાકારો છે અને તેઓનું પણ યોગ્ય સન્માન થવું જોઈએ. વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના નેતાઓને આ મુદ્દે યોગ્ય રજૂઆત કરવા માટે પણ અપીલ કરી હતી. આ ઘટનાએ ઠાકોર સમાજમાં ભારે રોષની લાગણી જન્માવી છે અને આ મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી