ખબરદાર/ રાજધાનીમાં હનુમાન જયંતિએ થયેલા છમકલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી એક્શનમોડમાં

અમિત શાહ દ્વારા તાત્કાલિક એક્શન લેતા બે ઉચ્ચ પોલીસ અધિકારીને તાત્કાલિક સુરક્ષા સઘન કરવાનું અને જરૂરી એક્શન લેવા નિર્દેશ કર્યા હતા.

Top Stories India
હનુમાન

રાજધાની દિલ્હીમાં શનિવારે હનુમાન જયંતિ ના દિવસે જ પથ્થરમારો થતાં હિંસા ફાટી નીકળી હતી. હનુમાન જયંતિ  ઉજવવા માટે હનુમાન ભક્તો દ્વારા એક ખાસ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ઉપર જહાંગીરપૂર વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે અચાનક તેના ઉપર પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ પથ્થરમારો કરનાર તેમજ હનુમાન ભક્તો આમને સામને આવી ગયા હતા અને છમકલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ શાંતિ અને સુરક્ષાનું ધ્યાન રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ બે ઉચ્ચ પોલીસ અધિકારીને તાત્કાલિક સુરક્ષા સઘન કરવાનું અને જરૂરી એક્શન લેવા નિર્દેશ કર્યા હતા.

મળતી વિગત અનુસાર બનાવની ઘટના એવી હતી કે હનુમાન જયંતિની ઉજવણીના ભાગ રૂપે દિલ્હીમાં ઠેર ઠેર હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આવી એક શોભાયાત્રા જહાંગીરપુરમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન શોભાયાત્રા ઉપર અચાનક પથ્થરમારો થયો હતો અને લોકોએ પણ પથ્થરમારાનો જવાબ આપતા હિંસા ફેલાઈ હતી. આ ઘટના બાદ દિલ્હી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. દિલ્હી પોલીસના કમિશ્નરે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હિંસામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસકર્મીઓની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બદમાશોએ પથ્થરમારો કરવાની સાથે સાથે બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસે સુરક્ષા વધારી દીધી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તાર સહિત દિલ્હી ભરમાં સુરક્ષા જાળવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ અધિક્ષકને નિર્દેશ આપ્યા હતા.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર લો એન્ડ ઓર્ડર- દીપેન્દ્ર પાઠકે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. સમાચાર લખાય છે ત્યાં સુધી વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે વિસ્તારમાં રહ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટના બાદ અનેક પોલીસ સ્ટેશનોમાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. આ વિસ્તારમાં ફોર્સ કૂચ કરી રહી છે. પરિસ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. જો કે આ વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ છે. પોલીસે જણાવ્યું કે પથ્થરમારાને રોકવા માટે આવેલા અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે સરઘસ કુશલ સિનેમા પાસે પહોંચ્યું તો કેટલાક લોકોએ તેના પર પાછળથી પથ્થરમારો કર્યો. આ પછી નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસે ઘટનાસ્થળે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો તો તેમના પર પણ બદમાશોએ હુમલો કર્યો.

આ ઘટના અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના જહાંગીર પુરીમાં સરઘસમાં પથ્થરમારાની ઘટના અત્યંત નિંદનીય છે. જેઓ દોષિત છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તમામ લોકોને એકબીજાનો હાથ પકડીને શાંતિ જાળવવા અપીલ છે. તેમણે વધુમાં કહ્યું કે, “શાંતિ વિના દેશ પ્રગતિ કરી શકે નહીં. એજન્સીઓ અને દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારની જવાબદારી છે, તેથી કેન્દ્ર સરકારે દિલ્હીમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવી જોઈએ.

બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, “આજે હનુમાનની જન્મજયંતિના અવસર પર જહાંગીરપુરી દિલ્હીમાં પથ્થરમારાની ઘટના બની હતી. રાજધાની દિલ્હીમાં આ એક મોટા ષડયંત્ર હેઠળ થઈ રહ્યું છે. આ અંગે તાત્કાલિક તપાસ કરી દોષિતોને કડકમાં કડક સજા મળવી જોઈએ.

આ પણ વાંચો: દિલ્હીમાં 50 મિનિટ સુધી ચાલી હિંસા,6 સંદિગ્ધની થઇ ઓળખ,જાણો