Surat News : સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિઓની અસર હવે સ્પષ્ટ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી, કોલસા અને યાર્નના વધતા ખર્ચ અને સપ્લાય ચેઇનની અસ્થિરતાના કારણે ઉદ્યોગ પર ભારે દબાણ સર્જાયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશને મહત્વનો નિર્ણય લીધો છે.સુરતની અંદાજે 400થી વધુ કાપડ મિલોએ અઠવાડિયામાં બે દિવસ “સ્વૈચ્છિક લોકડાઉન” (Lockdown) રાખવાનો નિર્ણય કર્યો છે.
Mills ચાલુ રાખવી માલિકો માટે આર્થિક રીતે નુકસાનકારક
વધતા ઉત્પાદન ખર્ચ અને બજારમાં ઘટતી માંગને કારણે મિલો ચાલુ રાખવી માલિકો માટે આર્થિક રીતે નુકસાનકારક બની રહી છે. હાલ ઘણા મિલ સંચાલકો પાસે માત્ર 10થી 20 દિવસ ચાલે એટલો જ કોલસાનો જથ્થો બચ્યો છે, જે આવનારા સમયમાં ઊર્જા સંકટ ઊભું કરી શકે છે.
યાર્ન અને અન્ય કાચા માલના ભાવમાં સતત વધારો થવાથી પ્રોસેસિંગ માટે પૂરતું કામ પણ મળી રહ્યું નથી. ગ્રે કાપડના ઊંચા ભાવને કારણે વેપારીઓ મિલો(Mills)માં માલ મોકલવામાં સંકોચ અનુભવી રહ્યા છે. પરિણામે ઉત્પાદન ધીમું પડ્યું છે.
આ નિર્ણયનો સીધો પ્રભાવ શ્રમિકો પર પડશે. મિલો બંધ રહેવાના દિવસોમાં તેમની આવક ઘટવાની શક્યતા છે, જેના કારણે ઘણા શ્રમિકો પોતાના વતન તરફ વળતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ, સિલિન્ડરની અછતને કારણે ભોજન વ્યવસ્થા પર પણ અસર પડી હતી, જોકે હવે કેટલાક ભોજનાલયો ફરી શરૂ થતા સ્થિતિ થોડીઘણી સામાન્ય બની રહી છે.
અઠવાડિયામાં કયા બે દિવસ મિલો બંધ રહેશે તે અંગે અંતિમ નિર્ણય એસોસિયેશનની બેઠકમાં લેવામાં આવશે. કુલ મળીને, આ “સ્વૈચ્છિક લોકડાઉન” (Lockdown)ઉદ્યોગને હાલની આર્થિક પરિસ્થિતિમાં ટકી રહેવા માટે લેવામાં આવેલ એક તાત્કાલિક પગલું છે.
