PM Modi Speech: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદીના હસ્તે આજે કેવડીયા ખાતે ‘મિશન લાઈફ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું. PM મોદીએ એકતાનગર ખાતેથી મિશન લાઇફનું ગ્લોબલ લોચિંગ કરતા જણાવ્યું કે, ભારત આજે સમગ્ર વિશ્વમાં પ્રગતિ અને પ્રકૃતિ વચ્ચે સંતુલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. દેશમાં વન વિસ્તાર વધવા સાથે વન્ય જીવોની સંખ્યામાં પણ વૃદ્ધી થઇ રહી છે. તબક્કાવાર લેવાયેલા પગલાંઓને પરિણામે ભારત પર્યાવરણના સંરક્ષણની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વિશ્વમાં ચાર ટનની સાપેક્ષે ભારતમાં કાર્બન ફૂટ પ્રિન્ટનું પ્રમાણ માત્ર પ્રતિ વ્યક્તિ દોઢ ટન છે. ભારત જળ વાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાના સમાધાન માટે સૌથી અગ્રીમ હરોળમાં કામ કરી રહ્યું છે. રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને સર્ક્યુલર ઇકોનોમી તો હજારો વર્ષોથી ભારતીય જીવનશૈલીના અંગ રહ્યા છે.
જલવાયુ પરિવર્તન સામેની લડાઈમાં વિશ્વમાં એકતાની મહત્વતા વ્યક્ત PM મોદીએ જણાવ્યું હતું કે, ભારતના ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના પરિસર એકતાનગરથી વિશ્વના પહેલાં ‘મિશન લાઇફ’નું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે “વિશ્વની સૌથી મોટી પ્રતિમા નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. જ્યારે લક્ષ્ય અસાધારણ હોય છે, ત્યારે તેનું પરિણામ વિશાળ હોય છે”, તેમ કહેતા PM મોદીએ જણાવ્યું કે, પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પગલાં શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે નહેરો પર સોલાર પેનલ લગાવવાની હોય કે પછી જળ સંરક્ષણની યોજનાઓ શરૂ કરવાની હોય, ગુજરાત હંમેશા અગ્રણી અને ટ્રેન્ડસેટર સ્ટેટ તરીકે આગળ આવ્યું છે. જલવાયુ પરિવર્તન એ ફક્ત નીતિ સાથે સંબંધિત એક મુદ્દો છે તે વિચાર પ્રક્રિયા તરફ દોરી જાય છે આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાને માત્ર સરકાર અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર છોડી દેવાને બદલે હવે તેમાં જનશક્તિને જોડવાની જરૂર છે, તેમ જણાવતાં PM મોદીએ જણાવ્યું, લોકો આસપાસના વાતાવરણમાં જળવાયુ પરિવર્તનની અસરો અનુભવી રહ્યા છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં અણધારી આફતો જોવા મળી છે. લોકોએ વ્યક્તિગત, પરિવાર અને સમુદાય તરીકે જલવાયુ પરિવર્તનની અસરો સામે યોગદાન આપવું જોઇએ. મિશન લાઇફનો મંત્ર ‘પર્યાવરણ માટેની જીવનશૈલી’ છે. આ વૈશ્વિક અભિયાન પૃથ્વીની સુરક્ષા માટે લોકોની શક્તિઓને જોડે છે, અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનું શીખવે છે. “મિશન લાઇફ’’ પર્યાવરણના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં કરી શકાય તે બધું કરવા માટેની પ્રેરણા આપે છે. મિશન લાઇફથી આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે,”
વડાપ્રધાન મોદીએ વીજળીના બીલ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે ભારતમાં LED બલ્બ અપનાવવાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, આનાથી મોટા પાયે બચત અને પર્યાવરણીય લાભો થયા અને આ એક પુનરાવર્તિત કાયમી લાભ છે. પ્રતિ વર્ષ એક સો મેટ્રીક ટન કાર્બન ઉત્સર્જનથી બચી શકાય છે. ગાંધીજી એવા ચિંતકોમાંના એક હતા જેમણે લાંબા સમય પહેલા પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાનું મહત્વ સમજ્યું હતું. તેમણે ટ્રસ્ટીશીપનો ખ્યાલ વિકસાવ્યો. મિશન લાઇફ આપણને બધાને પર્યાવરણના ટ્રસ્ટી બનાવે છે. ટ્રસ્ટી એવી વ્યક્તિ છે જે સંસાધનોના આડેધડ ઉપયોગને મંજૂરી આપતી નથી. ટ્રસ્ટી શોષક તરીકે નહીં પણ પોષક તરીકે કામ કરે છે તેનો વિશેષ ઉલ્લેખ વડાપ્રધાનશ્રીએ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે મિશન લાઇફ પી3 મોડલ એટલે કે પ્રો પ્લેનેટ પીપલની ભાવનાને ઉજાગર કરશે. મિશન લાઇફ, પર્યાવરણ સંરક્ષણ માટે સમગ્ર વિશ્વના વિચારોમાં એકતા લાવે છે. ફોર ધી પ્લેનેટ, બાય ધી પ્લેનેટ, ઓફ ધી પ્લેનેટના મૂળભૂત સિદ્ધાંતો પર તે કાર્ય કરે છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને જ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી શકાય છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. વેદોમાં પાણી, પૃથ્વી, જમીન, અગ્નિ અને વાયુ-પવન જેવા પ્રકૃતિના તત્વોના મહત્વનો ચોક્કસ ઉલ્લેખ છે. નરેન્દ્ર મોદીએ અથર્વવેદને ટાંકીને કહ્યું, “‘માતા ભૂમિહ પુત્રોહમ્ પૃથ્વીહ’ એટલે કે પૃથ્વી આપણી માતા છે અને આપણે તેના બાળકો છીએ. પ્રગતિ અને પ્રકૃતિ કેવી રીતે સાથે મળીને ચાલી શકે છે તેનું ભારત એક મુખ્ય ઉદાહરણ છે. હવે જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, ત્યારે આપણો જંગલ વિસ્તાર પણ વધી રહ્યો છે અને વન્યજીવોની સંખ્યા પણ વધી રહી છે. વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડની વૈશ્વિક ઝુંબેશને ઉજાગર કરતા તેમણે જણાવ્યું કે, ભારત હવે આવા લક્ષ્યો તરફના તેના સંકલ્પને મજબૂત કરીને વિશ્વ સાથે તેની ભાગીદારી વધુ વધારવા માંગે છે. “ડિઝાસ્ટર રેઝીલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંગઠનની રચનાનું નેતૃત્વ કરીને, ભારતે પર્યાવરણીય સંરક્ષણ તરફનો પોતાનો ખ્યાલ વિશ્વને પહોંચાડ્યો છે. મિશન લાઇફ આ શ્રેણીનું આગલંક પગલું છે. ભારત અને સંયુક્ત રાષ્ટ્રએ સાથે મળીને કામ કર્યું છે, ત્યારે વિશ્વને વધુ સારી જગ્યા બનાવવાના નવા રસ્તાઓ મળી આવ્યા છે. આગામી વર્ષે આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષ અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે. મિશન લાઇફ તેને વિશ્વના દરેક ખૂણે, દરેક દેશમાં લઈ જવામાં સફળ રહેશે.
તમામ વ્યક્તિઓ અને સમુદાયો પૃથ્વીને બચાવવા સામૂહિક ભવિષ્યના રક્ષણના ઉકેલનો ભાગ બનવા જોઈએ એવી હિમાયત કરતા એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે જલવાયુ પરિવર્તન, જૈવ વિવિધતાના નુકશાન અને પ્રદૂષણની ત્રિવિધ કટોકટીના મૂળમાં વધુ પડતો વપરાશ છે. આપણી જીવનશૈલીને ટેકો આપવા માટે ૧.૬ ગ્રહ પૃથ્વીના સમકક્ષ ઉપયોગ કરી રહ્યા છીએ. આ અતિરેક અને અસમાનતા જટિલ છે. તેમણે આશા વ્યક્ત કરી કે લાઇફ ચળવળની પહેલ સમગ્ર વિશ્વમાં ફેલાય. “ભારતે પર્યાવરણને યોગ્ય નીતિઓ અને નવીનીકરણીય ઉર્જામાં રોકાણમાં નોંધપાત્ર વધારો કરવા માટે કરેલી પ્રતિબદ્ધતાથી હું ખૂબ જ પ્રોત્સાહિત થયો છું. આંતરરાષ્ટ્રીય સૌર જોડાણને ચેમ્પિયન બનાવી, નવીનીકરણીય ક્રાંતિને બહાર લાવવાની જરૂર છે. યુનાઈટેડ નેશન ભારત સાથે કામ કરવા આતુર છું. તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે,આ એજન્ડાને આગળ વધારવા ઇજિપ્તમાં આગામી CoP ૨૭ અંગે ગહન ચર્ચા કરવામાં આવશે એટલું જ નહિ પેરિસ કરારના તમામ સ્તંભો પર વિશ્વાસ વ્યક્ત કરવા અને કાર્યવાહીને વેગ આપવા મુખ્ય ભૂમિકા ભજવશે. જલવાયુ પરિવર્તનની અસરો અને તેની વિશાળ અર્થવ્યવસ્થા પ્રત્યે ભારત એક મહત્વપૂર્ણ સેતુની ભૂમિકા ભજવી શકે તેમ છે તેમણે ઉમેર્યું હતું.
મહાત્મા ગાંધીને ટાંકીને, ગુટેરેસે જણાવ્યું કે, દુનિયામાં દરેકની જરૂરિયાતો માટેના સંસાધનો પૂરતા છે, પરંતુ દરેકને આજે લાલચ ઊભી થઈ છે. આપણે કુદરતીના સંસાધનોને વિવેકપૂર્ણ અને આદર સાથે વાપરવા જોઈએ. યુએન સેક્રેટરી જનરલે અર્થવ્યવસ્થા અને જીવનશૈલીમાં બદલાવ સાથે પૃથ્વીના સંસાધનોને યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ, તે બાબત તેમણે ભાર મૂક્યો હતો. ભારતને G20 નું પ્રમુખપદ મળ્યું તે ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા સાથે સંપૂર્ણ રીતે સુસંગતતાના નવા યુગની શરૂઆત કરવામાં મદદ કરશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ચૂંટણી માટે પંચ રેડી/ બે દિવસ બાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ શકે