India Weather Update: દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બન્યું છે. હવામાન વિભાગ (IMD)એ આગામી 12 કલાક દરમિયાન દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે જનજીવન પર અસર પડી શકે છે.
ક્યાં-ક્યાં રાજ્યોમાં વરસાદનું એલર્ટ?
હવામાન વિભાગના અનુમાન મુજબ, અનેક વિસ્તારોમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ઝારખંડના કેટલાક ભાગોમાં પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજ પુરવઠો ખોરવાવા તેમજ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ શકે છે.
80 કિમી પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે છે પવન
IMDએ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી
દિલ્હીમાં ભારે વરસાદ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનૌ, મેરઠ, ગાઝિયાબાદ, આગ્રા અને ગોરખપુર સહિતના વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
બિહાર અને ઝારખંડમાં સૌથી વધુ અસરની શક્યતા
બિહારમાં પટના, ગયા, ભોજપુર અને દરભંગા સહિતના જિલ્લાઓમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ઝારખંડના રાંચી, જમશેદપુર અને ધનબાદમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે, જ્યાં ભારે વરસાદ ઉપરાંત અત્યંત તેજ પવનની આગાહી કરવામાં આવી છે.
પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. હવામાન વિભાગે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ માછીમારોને સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી છે.
હવામાનમાં અચાનક ફેરફારનું કારણ શું?
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ દક્ષિણ ગંગાના મેદાનો, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા અને દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણના કારણે દેશના અનેક ભાગોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે.
અનેક રાજ્યોમાં યેલો એલર્ટ પણ જાહેર
આ ઉપરાંત પંજાબ, જમ્મુ-કાશ્મીર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી કલાકોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
