Ahmedabad News : અમદાવાદમાં થોડા સમયથી અસાજીક તત્વો છાકટા બન્યા છે. પોલીસ કે કાયદાનો જાણે ડર જ ન હોય તેમ શશ્ત્રો સાથે જાહેરમાં આતંક મચાવે છે. અસામાજિત તત્વોના આ ત્રાસને લઈને અમદાવાદના ધારાસભ્યોએ પોતાની પ્રતિક્રિયા જણાવી છે. ગુજરાત રાજ્યમાં સબ સલામત હોવાના દાવા ભાજપ સરકાર અને પોલીસ દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ 13 માર્ચ,2025ના રોજ એટલે કે હોળીની રાત્રે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી હતી.
વસ્ત્રાલમાં કેટલાક ગુંડાએ રહેણાક વિસ્તારમાં રોડ પર તલવારો અને લાકડીઓથી આતંક ફેલાવ્યો હતો. ગુંડાઓએ આવતા-જતા વાહનચાલકોને પણ રોકી તેમના વાહનમાં તોડફોડ કરી અને માર માર્યો હતો.તેમજ ભાજપના શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના જ મત વિસ્તાર વાસણામાં એક્તાનગર પાસે જાહેરમાં છરી લઈને દુકાનદાર સાથે મારામારી કરી હોવાની ઘટના પણ સામે આવી છે.
અમદાવાદ શહેરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને શહેરના 13 ભાજપના અને 2 કોંગ્રેસના ધારાસભ્ય મળીને કુલ 15 ધારાસભ્યોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.. જેમાં ભાજપના 4 અને કોંગ્રેસના 1 ધારાસભ્યએ જવાબ આપ્યો નહોતો.ભાજપના ધારાસભ્ય હર્ષદ પટેલ અને હસમુખ પટેલે કહ્યું કે, જ્યાં પરપ્રાંતિયો વધુ છે ત્યાં બનાવો બને છે. તેમજ કૌશિક જૈન અને હર્ષદ પટેલે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે જ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે, પ્રજામાં પોલીસનો ડર જ રહ્યો નથી.
ભાજપ શહેર પ્રમુખ અને એલિસબ્રિજ ધારાસભ્ય અમિત પી.શાહે જણાવ્યું હતું કે, કોઈપણ ઘટના બને છે ત્યારે પોલીસ એક્શન લેતી હોય છે અને પોલીસ તેનું કામ કરે જ છે. વાસણા વિસ્તારમાં જે ઘટના બની તેનો મેં PIને વીડિયો મોકલી આપ્યો હતો અને પોલીસે તરત જ આરોપીઓને પકડી લીધા હતા. આ આરોપીના મકાનોની પણ તપાસ કરી ગેરકાયદેસર હોવાને લઈ તોડવા માટેની સૂચના આપી દીધી હતી.
જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, જો રાજ્યમાં મંત્રીનો છોકરો જ મારામારી કરતો હોય તો પછી પ્રજામાં એવી જ અસર પડે. ભાજપની સરકારમાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. ગુજરાત પોલીસમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જાળવી શકે તેવા અધિકારીઓ છે, પરંતુ તેઓને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે છૂટો દોર મળતો ન હોવાના કારણે ગુનેગારો બેફામ બન્યા છે. પોલીસ વડા અને કમિશનર સારી કામગીરી કરે છે, પરંતુ નીચેના અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય કામગીરી કરે તો ચોક્કસ સારા પરિણામ મળી શકે.
સાબરમતીના ભાજપનાં ધારાસભ્ય હર્ષદ પટેલે કહ્યું હતું કે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરનારા લોકોની સંખ્યા વધી છે. જે વિસ્તારમાં પરપ્રાંતિયો વધુ રહે છે તેવા વિસ્તારમાં ગુનાઓ થાય છે. ચાંદલોડિયા, વંદેમાતરમ રોડ અને ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં નાના-મોટા બનાવો બનતા રહે છે. જે વ્યક્તિ સાથે કોઇ ગુનો બને છે તો તેઓ ફરિયાદ નોંધાવતા નથી ત્યારે લોકોને અપીલ છે કે તેઓ પોતાની ફરિયાદ નોંધાવે.
બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહે જણાવ્યું હતું કે, સરકાર અને પોલીસ આ મામલે કડક એક્શન લઈ રહી છે. 24 જ કલાકમાં આરોપીઓના ઘરને યોગી સ્ટાઇલમાં તોડી પાડવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. એનાથી વધારે કેવા એક્શન લઈ શકાય. ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરે છે તેઓની સામે કાર્યવાહી કરવી જોઈએ, લુખ્ખા તત્ત્વો વિરુદ્ધ ચોક્કસ પગલાં ભરવામાં આવે તેના માટે જે લુખ્ખાગીરી કરતા હોય તેવાને લટકાવીને મારવા જોઈએ.
અમરાઈવાડીના ભાજપના ધારાસભ્ય ડો.હસમુખ પટેલે જણાવ્યું હતું કે, વસ્ત્રાલની ઘટના બની ત્યારબાદ પોલીસ અને સરકાર એક્શનમાં આવી છે અને 24 કલાકમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય છે તે કરવામાં આવી છે. લોકોમાં પોલીસનો ભય રહ્યો નથી તેની સાથે હું સંમત છું, પરંતુ જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે તરત જ એક્શન લેવામાં આવે છે. પરપ્રાંતિયો વધુ રહે છે ત્યાં ગુનાઓ બને છે તેની શક્યતા છે. જો ગુનાઓના ડેટા કાઢવામાં આવે તો તેમાંથી ચોક્કસ તારણ મળી શકે છે. બહારથી આવતા લોકો મજૂરી કરતા હોય છે અને તેને કોઈ કામ ન મળતું હોય અથવા તો આર્થિક સંકટ હોય ત્યારે આવા ગુનાઓ તરફ વળતા હોય છે.
દરિયાપુરના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ ઘટના બને છે ત્યારે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે. ગુનેગારોમાં પોલીસનો ડર રહ્યો નથી, પરંતુ જ્યારે એક્શન લેવાના હોય છે ત્યારે પોલીસ લેતી હોય છે. વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પોલીસ જાગૃત છે, નાની-મોટી આવી ઘટના બાદ કરતાં શાંતિનું વાતાવરણ છે. ગુજરાતમાં જે પણ ગુંડા તત્ત્વો હશે તેને ડામી દેવામાં આવશે. કોઈપણ ગુંડા તત્ત્વો હોય તેને સાચવી લેવામાં આવશે નહીં અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
અસારવાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી જ છે. વસ્ત્રાલ વિસ્તારમાં જે ઘટના બની છે તેમાં પોલીસે પગલાં લીધા જ છે જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ છે એવું નથી. ઠક્કરબાપાનગરના ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ વિસ્તારમાં જે ઘટના બની હતી તેમાં નાની ઉંમરના છોકરાઓ છે અને પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ગુજરાતમાં જે પણ આવા ગુનેગારો છે તેનું પોલીસ વડા દ્વારા લિસ્ટ મંગાવવામાં આવ્યું છે.વાસણામાં ઘટના બની એની મને ખબર નથી.
મણીનગર ધારાસભ્ય અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે, વસ્ત્રાલની ઘટના બાદ હવે રાજ્ય પોલીસ દ્વારા 100 કલાકમાં ગુનેગારોનું લિસ્ટ બનાવીને તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે એટલે હવે પોલીસ આ તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદના નરોડામાં પૂજારીનો મંદિરમાં આપઘાત, પોલીસ, બિલ્ડર, કોર્પોરેશનના ત્રાસનો આક્ષેપ
આ પણ વાંચો:ભાવનગરમાં સાસરીયાના ત્રાસથી 27 વર્ષના યુવાને કર્યો આપઘાત
આ પણ વાંચો:ભરૂચમાં પોલીસના ત્રાસથી કર્યો આપઘાત, દારૂનો ધંધો કરવા મજબૂર કરવાનો આરોપ