India Canada news/ ફાઇવ આઇઝ શું છે, કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો તેમાં શું હાથ છે?

ફાઇવ આઇઝ એક ગુપ્ત ગઠબંધ છે જેની સ્થાપના 1941માં કરવામાં આવી હતી

World Trending
india canada standoff 5 eyes ફાઇવ આઇઝ શું છે, કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો તેમાં શું હાથ છે?

અમદાવાદઃ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાજદૂતે નિજ્જરની હત્યાને લઇ મોટો ખુલાસો કર્યો છે. કેનેડામાં અમેરિકાના સિનિયર રાજદૂત ડેવિડ કોહેને દાવો કર્યો છે કે કેનાડાની જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકારે ભારત પર જે આરોપ લગાવ્યો છે તે ફાઇવ આઇઝ દ્વારા આપવામાં આવેલી સુચનાના આધાર પર હતો. એવામાં એ જાણવું ઘણું જરૂરી છે આ ફાઇવ આઇઝ છે શું?

શું છે ફાઇવ આઇઝ?
ફાઇવ આઇઝ એક ગુપ્ત ગઠબંધ છે જેની સ્થાપના 1941માં કરવામાં આવી હતી. આ ગઠબંધનમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, બ્રિટેન અને અમેરિકા સામેલ છે. આ તમામ દેશ પોતાનું સ્વતંત્ર ગુપ્તચર વિભાગ છે. જોકે, તમામ દેશોની ગુપ્તચર એજન્સી સ્વતંત્ર હોવા છતાં એક બીજા સાથે સુમેળભર્યો તાલમેલ ધરાવે છે. પાંચેય દેશનું ગુપ્તચર વિભાગ એક બીજા સાથે ઇન્ટેલિજન્સ માહિતી શેર કરે છે. દુનિયાભરમાં આ ગઠબંધની ગણતરી બહુપક્ષીય કરારો પૈકી એક તરીકે થાય છે.

કેનેડા સરકારની સત્તાવાર વેબાસાઇટ અનુસાર ફાઇવ ગઠબંધનમાં સામેલ પાંચેય દેશ અલગ અલગ સમાજમાંથી આવે છે. પરંતુ તમામ દેશમાં કાયદાનું શાસન અને લોકશાહી છે. આ ઉપરાંત માનવાધિકાર પર તમામ દેશનું વલણ સ્પષ્ટ છે. સાથે જ આ પાંચેય દેશની ભાષા પણ એક જેવી છે. ફાઇવ આઇઝ દેશો વચ્ચે રહેલી સામ્યતાના પગલે પાંચેય દેશમાં ગુપ્ત માહિતી શેર કરવી સરળ બની જાય છે. આ સાથે પાંચેય દેશ પોતાના રાષ્ટ્રીય હિતની સુરક્ષા પણ કરે છે.

ભારત કેનેડા વિવાદ પર ગઠબંધનનું વલણ
18 સપ્ટેમ્બર 2023ના રોજ કેનેડાની સંસદમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂન 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારના એજન્ટનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ટ્રુડો ફાઇવ આઇઝના સહયોગીને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ફાઇવ આઇઝ દેશો અત્યાર સુધી જે નિવેદન આપ્યું છે તે ડિપ્લોમેટિક ભાષામાં હતું. તેમાં કોઇ એક પક્ષની તરફેણ કે આરોપ લગાવ્યો હતો. અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયા ત્રણ દેશોએ ટ્રુડોના આરોપ પર ચિંતા વ્યક્ત કરતા સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખવાની વાત કરી છે. જ્યારે ન્યુઝીલેન્ડે આ મામલામાં વધારે કંઇ બોલવાથી ઇન્કાર કર્યો છે.

વિશ્વ યુદ્ધ સમયે જરૂરિયાયત ઊભી થઇ
ફાઇવ આઇઝ ગઠબંધનની જરૂર વિશ્વ યુદ્ધના સમયે ઊભી થઇ હતી. બ્રિટેન અને અમેરિકાએ જર્મની અને જાપાની કોડને તોડવા માટે ગુપ્ત માહિતી શેર કરવાનો નિર્ણય લીધો ત્યારે આ એક ગઠબંધનની જરૂર ઊભી થઇ હતી. અમેરિકા અને બ્રિટનના આ સંયુક્ત પ્રયાસોમાં કેનેડા 1949માં સામેલ થયું અને પાછળથી ન્યુઝલેન્ડ અને ઓસ્ટ્રેલિયા 1956માં સામેલ થયું. ફાઇવ આઇઝ ગઠબંધનના સભ્ય દેશ પોતાની અને ગઠબંધનમાં સામેલ દેશને ગુપ્ત માહિતી શેર કરવાની સાથે સુરક્ષા સાથે સંકળાયેલા પડકારોને લઇને પણ એક બીજાને સચેત કરતા રહે છે. ખાસ કરીને ચીનના ઉદય અને તેની વૈશ્વિક સ્થિતિ મજબૂત થયા બાદ ફાઇવ આઇઝ ગઠબંધન વધારે સક્રિય થયું છે.

9 આઇઝ અને 14 આઇઝ પણ છે
દુનિયાભરમાં ફાઇવ આઇઝની સ્થિતિ મજબૂત થતાં તેમાં બીજા દેશો પણ સામેલ થયા. નાઇન આઇઝમાં (ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, બ્રિટેન, અમેરિકા) નેધરલેન્ડ, ડેનમાર્ક, ફ્રાંસ અને નોર્વે સામલે છે. જ્યારે 14 આઇઝમાં ફાઇવ આઇઝ અને નાઇન આઇઝમાં સામેલ દેશ ઉપરાંત બેલ્જિયમ, ઇટલી, જર્મની, સ્પેન અને સ્વીડન પણ સામેલ છે.