માતૃત્વ : ભાવિની વસાણી
આ પ્રશ્નનો જવાબ કોઈ એક ન હોઈ શકે તેના માટે માતા-પિતા તરીકે વિગતવાર જાણકારી જોઈતી હોય તો જનક નાયક લિખિત “બાળકને આપો ૨૧ ભેટ” પુસ્તક શ્રેષ્ઠ છે. આ પુસ્તકમાં બાળકને ભેટમાં શું આપી શકાય અને શું ન આપી શકાય તે અંગે લેખકે વિગતવાર ચર્ચા કરી છે. બાળક અને વાલીઓ કે વડીલો વચ્ચે કાયમ પ્રેમનો સેતુ રચાયેલો રહે તેવો આ પુસ્તકનો ઉદ્દેશ છે તેવું લેખકના પુસ્તકના મુખપૃષ્ઠ પર લખવામાં આવ્યું છે. દર વખતે “માતૃત્વ” કોલમ અંતર્ગત હું મારા માતૃત્વના તેમજ વ્યક્તિ વિકાસ કેન્દ્રના પ્રશિક્ષક હોવાના અનુભવો સાથેના લેખ અહીં મુકું છું, જેના સ્થાને આ વખતે મને આ પુસ્તક ખૂબ જ ગમી ગયું હોય તમારા સમક્ષ રજૂ કરવું વધારે યોગ્ય લાગ્યું છે. દરેક માતા-પિતાને આ પુસ્તક વિશેની માહિતી ઉપયોગી બનશે તેવી મને આશા છે.
બાળકોને ભેટમાં શું આપી શકાય ? એ વિશે ક્યારેય માતા-પિતા કે વડીલો ગંભીરતાપૂર્વક વિચારતા હોતા નથી. પરિણામ સ્વરૂપ ભવિષ્યમાં તેના સારા-નરસા પરિણામો આપણને બાળકની વર્તણૂક દ્વારા મળતા હોય છે. આ પ્રશ્ન એક મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે તાત્પર્ય એટલું જ છે કે બાળપણમાં લાડકા સંતાનને આપણે જે કંઈ પણ આપીએ છીએ એ જ યુવાન વયે વિરાટ સ્વરૂપ થઈને તમને પરત મળે છે. તેનો અર્થ એવો થાય છે કે બાળક આદર્શ માણસ બને અથવા તો ન બને એ માટે સંપૂર્ણતઃ વાલીઓ જ જવાબદાર છે.
બાળકનો વિકાસ યોગ્ય રીતે ન થઈ શક્યો તેવું આપણને બાળક મોટું થાય પછી સમજાય છે. બાળક જેવું જુએ છે તેવું કરે છે, આ માટે આપણે જે કંઈ કરીએ, જે કંઈ બોલીએ, જેવું આચરણ કરીએ, જેવું વર્તન કરીએ, જેવું વિચારીએ એવું જ બાળક ઓછા-વધતા પ્રમાણમાં કરતું હોય છે. બાળકના જીવનમાં આવતા ઘણા બધા મનોવૈજ્ઞાનિક પ્રશ્નો માટે માતા-પિતાનો ઉછેર જવાબદાર હોય છે.આપણે એવું માની લઈએ છીએ કે બીજમાંથી છોડ થાય તેમ બાળક પણ શિશુ અવસ્થા માંથી વિકસતું તેની જાતે મોટું થઇ જશે. પરંતુ બીજ એ વૃક્ષ નથી. બીજમાંથી વૃક્ષનો ઉછેર કરવો હોય તો તેને જમીનમાં રોપવું પડે, યથાઉચિત ખાતર તથા પાણી નાખવા પડે. વારંવાર તેની સંભાળ રાખવી પડે. આસપાસના જીવજંતુઓમાંથી તેને બચાવવું પડે. ફળ ખાવા હોય તો બીજની વર્ષો સુધી માવજત કરવી પડે. બાળ ઉછેર એ એક પ્રકારનું ધ્યાન છે તેમજ ધ્યાનમાં જ વ્યવસ્થિત બેસી ન શકાય તો મન અશાંત થાય એ જ રીતે બાળઉછેર દરમિયાન આપણે અવારનવાર ધ્યાનભંગ થતા રહીએ તો બાળક કાયમ ઉદ્વિગ્ન રહેશે. આગળ જતા આ અશાંતિ પ્રચંડ વિસ્ફોટમાં પરિણમશે.
બાળકને કઈ કઈ ભેટ આપી શકાય તે વિશે લેખક જનકનાયકે તેમના આ પુસ્તક અંતર્ગત પ્રકરણ મુજબ વિગતવાર વર્ણન કર્યું છે. જેનો માત્ર સાર અહીં રજૂ કરૂ તો બાળકને ગુણવત્તાસભર સમય આપવો, સંતુષ્ટ રહેવાના પાઠ સમજાવવા, બાળ મનોવિજ્ઞાન પ્રમાણે ઘડતર કરવું, શ્રમના પાઠ જીવનમાં ઉતરાવવા, સમયનું મૂલ્ય સમજાવવું, પૈસાનું મૂલ્ય સમજાવવું, બાળકને પોતાનો વિચાર તથા વૈજ્ઞાનિક અભિગમની ભેટ આપવી આ ઉપરાંત બાળકને લેવા કરતા આપવાની સમજ આપવી, ઘરમાં હસી ખુશીનો માહોલ આપવો, દોસ્તીના પાઠ શીખવવો, આયોજનનો પાઠ શીખવવો, દુનિયાભરની જાતભાતની વાર્તાઓ કહો, વિપરીત પરિસ્થિતિમાં ટકી શકવા માટે તૈયાર કરો, માતૃભાષાની ભેટ તથા સાહિત્યનો પરિચય આપો, ઈશ્વર પર નહિ પરંતુ પોતાની જાત પર શ્રદ્ધા જન્મે તેવી સમજ આપો, બાળકમાં નકારાત્મક લાગણી શોધી અને દૂર કરવાના પ્રયાસ કરો, સફળ વકતા બનવા માટેની તાલીમ આપી શકાય, અન્યના દિલ કઈ રીતે જીતવા તેની કળા શીખવો, દરેક બાળકને પોતાની અલગ વિશિષ્ટતા હોય છે, વર્તમાનમાં સ્પર્ધા ભર્યા માહોલમાં આપણે શું કરી શકીએ તેના પ્રયાસ કરો વગેરે તમામ મુદ્દાઓને વિગતવાર વર્ણવવામાં આવ્યા છે. દરેક માતા-પિતા માટે આ વસાવવા લાયક પુસ્તક છે.