વિવાદ/ નવા વર્ષની ઉજવણી દરમિયાન વોટ્સએપે બતાવ્યો ભારતનો ખોટો નકશો, કેન્દ્રીય મંત્રીએ આપ્યો ઠપકો તો વોટ્સએપે આપ્યો આ જવાબ

વોટ્સએપે નવા વર્ષની ઉજવણી દરમિયાન ભારતના ખોટા નકશાનો ઉપયોગ કરીને નવો વિવાદ ઉભો કર્યો છે આ માટે કેન્દ્ર સરકારે વોટ્સએપને ચેતવણી આપી છે

Top Stories India
Map of India

Map of India: વોટ્સએપે નવા વર્ષની ઉજવણી દરમિયાન ભારતના ખોટા નકશાનો ઉપયોગ કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. આ માટે કેન્દ્ર સરકારે વોટ્સએપને ચેતવણી આપી છે. આ મામલાની નોંધ લેતા કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપને અલ્ટીમેટમ આપ્યું છે. કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે શનિવારે (31 ડિસેમ્બર) WhatsAppને નવા વર્ષની ઉજવણીની લાઇવ-સ્ટ્રીમિંગ લિંકમાં ભારતના ખોટા નકશાને ઠીક કરવા જણાવ્યું હતું.

મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારતમાં વેપાર કરતા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ. જે બાદ થોડી વારમાં વોટ્સએપનો જવાબ પણ આવ્યો અને તેણે માફી માંગી અને પ્લેટફોર્મ પરથી હટાવવાની જાણકારી આપી.

જવાબ આપતા વોટ્સએપે લખ્યું કે અમારી આ ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. અમે આ સ્ટ્રીમિંગ દૂર કર્યું છે અને ભૂલ માટે માફી માંગીએ છીએ. ભવિષ્યમાં અમે તેનું ધ્યાન રાખીશું. જણાવી દઈએ કે વોટ્સએપે લાઈવ સ્ટ્રીમ ટ્વીટમાં ભારતનો ખોટો નકશો દર્શાવ્યો હતો. વોટ્સએપ દ્વારા શેર કરવામાં આવેલા ગ્રાફિક્સ મેપમાં પીઓકે અને ચીનના દાવાના કેટલાક હિસ્સાને ભારતથી અલગ બતાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજીવ ચંદ્રશેખરે થોડા દિવસો પહેલા વીડિયો કોલિંગ પ્લેટફોર્મ ઝૂમને અલ્ટીમેટમ આપ્યું હતું. તેણે ઝૂમના સ્થાપક અને સીઈઓ એરિક યુઆનને કહ્યું કે તેઓ ઓછામાં ઓછા તે દેશોના સાચા નકશાનો ઉપયોગ કરે કે જ્યાં તેઓ વેપાર કરતા હતા અથવા જ્યાં તેઓ ભવિષ્યમાં વ્યવસાય કરવા માગે છે. ચંદ્રશેખરની ચેતવણી પર ઝૂમના સીઈઓએ તરત જ દેશનો ખોટો નકશો દર્શાવતી ટ્વીટ ડિલીટ કરી દીધી.