Not Set/ જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી

ભાજપ સરકાર નારીને નારાયણી માને છે. તેની આરાધના કરે છે. મહિલા અબળા નહિ પરંતુ ઉર્જા અને તેજસ્વિતાનું પ્રતીક છે. આજની મહિલા માત્ર પુરુષ સમોવડી જ નહિ પરંતુ પુરૂષથી આગળ વધી રહી છે.

Top Stories Gujarat
nati gaurav જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી

રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે તા.૦૪/૦૮/૨૦૨૧ સવારે ૧૦:૦૦ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે “નારી ગૌરવ દિવસ” અંતર્ગત લોન વિતરણ સમારોહ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા  શિક્ષણ મંત્રી  વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયું.કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજ્યના ઉર્જા મંત્રી  સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા પુષ્પગુચ્છ તથા પુસ્તકથી ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવેલ હતું.

આ પ્રંસગે રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, શાસ્ત્રોમાં કહ્યું છે કે, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે. ભાજપની સરકાર મહિલાઓનું સન્માન થાય અને તેઓ ગૌરવભેર સમાજમાં સ્થાન મેળવે તેવી સંવેદનશીલતાને અનુસરે છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે જનસેવાઓના અનેક કાર્યો દરેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

જન જન સુધી સંવેદના દાખવી, તેઓનો વિશ્વાસ સંપાદન કરેલ છે. અમે પાંચ વર્ષની ઉજવણી માટે નહિ પરંતુ આ સમયમાં કરેલા શ્રેણીબદ્ધ વિકાસ કાર્યોનું સરવૈયુ આપવા આવ્યા છીએ. સૌના સાથ થકી આગળ વધીને સરકારે સૌનો વિકાસ સાધી, સૌનો વિશ્વાસ પણ મેળવ્યો છે. આગામી ૭મી ઓગસ્ટ સુધીમાં આશરે રૂ.૧૫૦૦૦ કરોડના વિકાસ કામો લોકોને અર્પણ કરી રહ્યા છીએ. ભાજપ સરકાર નારીને નારાયણી માને છે. તેની આરાધના કરે છે. મહિલા અબળા નહિ પરંતુ ઉર્જા અને તેજસ્વિતાનું પ્રતીક છે. આજની મહિલા માત્ર પુરુષ સમોવડી જ નહિ પરંતુ પુરૂષથી આગળ વધી રહી છે.

આપ જાણો છો કે, હાલ ટોકિયો ખાતે રમાઈ રહેલા ઓલિમ્પિકમાં ગુજરાતની ૬ દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જે સમાજ દીકરીનું સન્માન ન કરે તે કયારેય આગળ વધી શકે નહિ. આજના સમયમાં દીકરીઓ અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે. ભાજપ સરકારે મહિલાઓને સમાન તકો અને દરજ્જો આપ્યા છે. મહાનગરપાલિકામાં પણ બહેનો માટે ૫૦% રિઝર્વેશન રાખેલ છે. સરકારે આપેલી દોઢ લાખ નોકરીઓમાં ૩૩% રિઝર્વેશન મહિલાઓ માટે રહ્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અર્થે કુલ ૧૮૯ યોજનાઓ અમલમાં છે. કોઇપણ ઘરમાં જો નારી સશકત હશે તો તે ઘર પણ સમૃદ્ધ બનશે. રાજ્ય સરકારે આજે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” હેઠળ ૧૪૦૦૦ મંડળોને રૂ.૧૪૦ કરોડ જમા કરાવી આપેલ છે. ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૦ લાખ બહેનોને આ યોજનામાં સામેલ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ યોજનામાં બેંકો સલામત છે કેમ કે, બહેનોને અપાતી આ લોનનું વ્યાજ સરકાર ચૂકવી રહી છે. સરકાર કુલ રૂ.૧૦૦૦ કરોડ જેટલું વ્યાજ ચૂકવશે.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ એવી ટકોર કરી હતી કે, આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓને મળી રહેલા લાભો જોઈને વિરોધીઓના પેટમાં તેલ રેડાય છે. બુરી નજર વાલે તેરા મુહ કાલા. અમે નારા આપવા નથી આવ્યા પરંતુ જેટલું કામ થઇ શકે એટલી જ વાત કહીએ છીએ. અને જે કહ્યું છે, તે કામ કર્યું પણ છે. અમે આંબા-આંબલી નથી બતાવતા. ભારતના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના તેજસ્વી નેતૃત્વમાં આપણો દેશ આજે વિશ્વગુરૂ બની રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય પણ વિકાસપથ પર નમુનેદાર પ્રગતિ કરી, રાષ્ટ્રીય વિકાસમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યું છે. અમે સત્તા માટે નહિ પરંતુ, લોકસેવા માટે આવીએ છીએ.

આ પ્રસંગે ઉર્જા મંત્રી  સૌરભભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે, રાજ્ય સરકાર દ્વારા “સૌનો સાથ, સૌનો વિકાસ” સૂત્રને ચરિતાર્થ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પાંચ વર્ષમાં અનેક વિકાસ કામો કર્યા છે. જે વચનો અપાયા છે તે પુરા પણ કર્યા છે. જે વિકાસ કામોના ખાતમુહૂર્ત અમે કર્યા છે તેના લોકાર્પણ પણ અમે જ કર્યા છે. રાજ્ય સરકારે ખેતી, સિંચાઇ, આરોગ્ય સેવા, ઉર્જાશક્તિ, વીજ કનેક્શન, રમતગમત, શિક્ષણ વિગેરે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામો કર્યા છે. પ્રજાએ માગ્યું ન હોય તો પણ સરકારે સામેથી આપ્યું છે. અમને તેના થકી જ પ્રજાનો વિશ્વાસ મળ્યો છે.

રાજકોટની પાણીની કટોકટીમાં ટેન્કર અને ટ્રેન દ્વારા પાણી આપવામાં આવતું હતું. ગામડાઓની પણ એવી જ સ્થિતિ હતી. પરંતુ ભાજપની સરકારે પાણીની કટોકટીને ભૂતકાળ બનાવી દીધી છે. નર્મદાના પાણીથી ગુજરાતભરના ડેમો ભરી શકાય તેવી કોઈને કલ્પના પણ ન હતી અને સ્વપ્ને પણ ન વિચાર્યું હોય. પરંતુ, આજે ઘરે ઘરે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. કોંગ્રેસની સરકારે સરદાર સરોવર ડેમની ઉંચાઈ વધારવા અનેક અવરોધો ઉભા કરેલ. તેમજ ડેમના દરવાજા નાંખવાની મંજુરી આપતા ન હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ આ કામ આગળ વધાર્યું અને પોતે પ્રધાનમંત્રી બન્યાના ફક્ત ૧૭ દિવસમાં જ ડેમની ઉંચાઈ ૧૨૧ થી ૧૩૮ મીટર કરવા મંજુરી આપેલ. તેના કારણે ડેમના પાણીનો જથ્થો અઢી ગણો વધેલ.

પાણીવિહોણા વિસ્તારો માટે ઉનાળામાં પણ સિંચાઇ દ્વારા પાણી આપવાનું શરૂ કરેલ. નર્મદા લીંક કેનાલ દ્વારા સૌરાષ્ટ્રના તમામ ડેમો નર્મદા પાણીથી ભરવામાં આવે છે. બોટાદનું કૃષ્ણનગર તળાવ ઉનાળામાં પણ પાણીથી ભરપુર રહે છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫.૫૦ લાખ વીજ કનેકશનો આપવામાં આવ્યા છે. હાલ એક પણ વેઇટિંગ નથી. સરકાર દ્વારા રાજકોટ શહેરમાં ૬૩૦૦૦ ગ્રાહકોને તથા રાજકોટ જિલ્લામાં ૧.૬૦ લાખ ગ્રાહકોને સબસીડી આપવામાં આવી છે. ખેડૂતો માટે રૂ.૧૬૦૦ થી રૂ.૧૮૦૦ કરોડ રૂપિયા સબસીડી પેટે ફાળવવામાં આવેલ છે.

કોલસા, ડીઝલ વિગેરેના ભાવ વધવા છતાં ખેડૂતો માટે વીજ વપરાશ ચાર્જમાં કોઈપણ વધારો કરવામાં આવેલ નથી અને સરકારે આ માટે કુલ રૂ.૩૦ હજાર કરોડ ખર્ચ્યા છે. ખેડૂતોને પાક વિમાની રકમ ઓનલાઈન તેના બેંક ખાતામાં સીધી જમા થાય તેવી પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. મુખ્યમંત્રીએ અતિવૃષ્ટિના સમયમાં પણ ખેડૂતોને મદદ કરી છે અને એમ.એસ.પી. આપી છે. તેના કારણે ખેડૂતોની આવક વધી છે. આ એક રાજકીય ઇચ્છાશક્તિનું સુખદ પરિણામ છે.

કચ્છમાં ૩૦ હજાર મેગા વોટનો એનર્જી પાર્ક બનાવવાની કામગીરી ચાલુ છે જે ૨૦૩૦ સુધીમાં પૂર્ણ થતા તે દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક કાર્યરત થશે. સરકાર દ્વારા જ્યોતિગ્રામ, કિસાન સૂર્યોદય વિગેરે યોજનાઓ દ્વારા ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવે છે. આનો લાભ હાલ ૫૦૦૦ ગામોને મળ્યો છે. અને ૨૦૨૨ સુધીમાં ૧૮૦૦૦ ગામોને આ યોજનાનો લાભ મળશે. જેના કારણે લોકો દિવસે કામ અને રાત્રે આરામ કરી શકશે. દેશના અન્ય કોઈ રાજ્યના ગામડાઓમાં આ પ્રકારની વ્યવસ્થા નથી. ગુજરાતની આ અનન્ય સિદ્ધિ છે.

રાજ્ય સરકારે કોરોના કાળમાં, ૪૦ થી ૫૦ ટન ઓક્સિજનની જરૂરિયાત સામે પ્રથમ વેવમાં ૨૫૦ ટન તથા બીજી વેવમાં ૧૩૦૦ ટનની જરૂરિયાત પુરી કરેલ. શિક્ષણ ક્ષેત્રે પણ વિકાસની હરણફાળ ભરી છે, સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા છે, ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારાયો છે અને આધુનિક સુવિધાયુક્ત સ્કૂલ બિલ્ડીંગો બનાવવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ ખાનગી સ્કુલ છોડીને સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવતા થયા છે.

ભૂતકાળની સરકારોએ બહુ ઓછી આવાસ યોજના બનાવેલ જેની સામે વર્તમાન સરકારે શાનદાર આવાસ યોજનાઓ ઉભી કરી છે અને તેની પાછળ અંદાજે રૂ.૨ લાખ કરોડનો ખર્ચ કર્યો છે. યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.રાજ્ય સરકાર દ્વારા રાજકોટને એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સૌની યોજના, જી.આઈ.ડી.સી.માં રાજકોટ થી અમદાવાદ સિક્સ લેન રોડ, સૌરાષ્ટ્ર અને ધોલેરા ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ટુરીઝમ ક્ષેત્રે વિકાસ કર્યો છે જેમાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા બ્રિજનું નિર્માણ તથા શિવરાજપુર બીચનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના  શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પુરા થયા છે જે માટે ૯ દિવસનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. બહેનોને રોજગારી માટે ૦%ના વ્યાજથી લોન આપવામાં આવશે. જે માટે રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત ૧૦,૦૦૦ મંડળની ૧ લાખ બહેનોને લોન આપવામાં આવશે. આ લોનના વ્યાજની રકમ રાજ્ય સરકાર ભોગવશે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન શ્રેષ્ઠ ગુજરાત બનાવેલ. તેને વર્તમાન મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ સર્વશ્રેષ્ઠ ગુજરાત બનાવ્યું છે. ૨૦૦૨માં નવા જ શરૂ કરાયેલ મહિલા અને બાળવિકાસ માટે રૂ.૪૫૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ. જે આજે રૂ.૩૫૧૧ કરોડએ પહોંચેલ છે. સરકારશ્રીએ વહાલી દીકરી, વિધવા સહાય તથા મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરી, બહેનોના વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા છે.

આ પ્રંસગે સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કરેલ હતું. જયારે શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા તથા વાઈસ ચેરમેન રૂચિતાબેન જોષી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમની રૂપરેખા તથા આ લોન વિતરણ યોજનાની માહિતી મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આપેલ હતી.

મુખ્યમંત્રીના વક્તવ્ય બાદ બહેનોના મંડળોને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

“મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) લાભ
• મહિલાઓના “જોઇન્ટ લાયાબિલિટી અર્નિગ એન્ડ સેવિંગ ગ્રુપ (JLESG)”ને રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ પુરા) વ્યાજ સહિત બેંક ધિરાણ
• જુથ વતી રાજ્ય સરકાર દ્વારા બેંકને વ્યાજ ચુકવણી
• જુથને કોઇપણ પ્રકારની ગેરંટી વગર ધિરાણ
• બેંક ધિરાણમાં સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ
લાભાર્થી તરીકે પાત્રતા
• ઉંમર ૧૮ થી ૫૯ વર્ષની વયજૂથમાં ૧૦ મહિલાઓનું જુથ
• એક જુથમાં એક કુટુંબની એક જ મહિલા જુથના સભ્ય તરીકે જોડાઈ શકશે
• જુથમાં તમામ સભ્યોનું રહેઠાણ અથવા કાર્યસ્થળ નજીક હોવું જોઈએ
• કોઈ ધિરાણ સંસ્થાની લોન બાકી ન હોય તેવા હયાત જુથો પણ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે
• આ ઉપરાંત યોજનાની માર્ગદર્શિકાની અન્ય તમામ શરતોને આધીન રહી કાર્યવાહી કરવાની રહેશે
નારી ગૌરવ દિવસની ઉજવણીમાં શહેરી વિકાસમાં ૨૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૦ મળી કુલ ૪૦૦ લાભાર્થીઓને લાભ મળનાર છે.

sago str 1 જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી