Not Set/ નવા વડાપ્રધાન બનવા જઇ રહેલા શાહબાજ શરીફ કોણ છે..? જાણો તેમના વિશે સમગ્ર માહિતી

પાકિસ્તાનમાં ઘણા દિવસોના રાજકીય ડ્રામા પછી, અવિશ્વાસ પ્રસ્તાવમાં હારનો સામનો કર્યા બાદ આખરે શનિવારે રાત્રે ઇમરાન ખાન સરકારને સત્તામાંથી બહાર કરવામાં આવી હતી.

Top Stories India
10 11 નવા વડાપ્રધાન બનવા જઇ રહેલા શાહબાજ શરીફ કોણ છે..? જાણો તેમના વિશે સમગ્ર માહિતી

પાકિસ્તાનમાં ઘણા દિવસોના રાજકીય ડ્રામા પછી, અવિશ્વાસ પ્રસ્તાવમાં હારનો સામનો કર્યા બાદ આખરે શનિવારે રાત્રે ઇમરાન ખાન સરકારને સત્તામાંથી બહાર કરવામાં આવી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 174 મત પડ્યા હતા. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા શાહબાજ શરીફ હવે પાકિસ્તાનમાં વડા પ્રધાન પદ સંભાળશે. ઈમરાન ખાનની સરકાર ગબડતા પહેલા જ વિપક્ષ દ્વારા પીએમ તરીકે શાહબાજ શરીફના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં આજ સુધી કોઈ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પુરો કર્યો નથી. આવી સ્થિતિમાં ઈમરાન ખાન પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલા એવા વડાપ્રધાન બની ગયા છે જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તામાંથી બહારનો દરવાજો દેખાડવામાં આવ્યો છે.

કોણ છે શાહબાજ શરીફ
70 વર્ષીય શાહબાઝ શરીફ પાકિસ્તાનના ત્રણ વખતના વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. તેઓ એક કાર્યક્ષમ વહીવટકર્તા તરીકે પણ જાણીતા છે. ખાસ કરીને જ્યારે તેઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેમની શાસન શૈલી દેખાડી હતી. પંજાબના મુખ્યપ્રધાન તરીકે શાહબાજ શરીફે અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા-પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. નવાઝ શરીફથી વિપરીત, શાહબાઝ શરીફ પાકિસ્તાનમાં સેના સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા માટે પણ જાણીતા છે. એવું માનવામાં આવે છે કે ભારત પ્રત્યે તેમનું વલણ પણ વધુ સકારાત્મક છે. શાહબાજ શરીફ 13 ઓગસ્ટ 2018થી પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય છે. શાહબાજ પંજાબના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી છે. હાલમાં તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના પ્રમુખ છે. પાર્ટી હાલમાં ઈમરાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પછી નેશનલ એસેમ્બલીમાં બીજી સૌથી મોટી પાર્ટી છે.

ભારત સાથેના સંબંધો
શાહબાજ શરીફનો જન્મ 23 સપ્ટેમ્બર 1951ના રોજ લાહોરમાં એક મોટા બિઝનેસ હાઉસમાં થયો હતો. તેમણે લાહોરની સરકારી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને પારિવારિક વ્યવસાય સંભાળ્યો. તેમના પિતા મુહમ્મદ શરીફ એક વેપારી હતા. તે અવારનવાર બિઝનેસના સંબંધમાં કાશ્મીરના અનંતનાગ જતા હતા. બાદમાં તેમનો પરિવાર અમૃતસરમાં સ્થાયી થયા. વર્ષ 1947 માં ભાગલા પછી, પરિવાર લાહોરમાં સ્થાયી થયો. શાહબાજ શરીફની માતા પુલવામાની રહેવાસી હતા

1997માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા
ફેમિલી બિઝનેસ સંભાળીને, શાહબાજે 1980ના દાયકામાં પંજાબના રાજકારણમાં પ્રવેશ કર્યો. વર્ષ 1997માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા. 1999માં પાકિસ્તાનમાં સૈન્ય બળવા બાદ શાહબાઝ શરીફને પરિવાર સાથે દેશ છોડીને સાઉદી અરેબિયા જવું પડ્યું હતું. તેઓ 2007માં પાકિસ્તાન પરત ફર્યા અને 2008માં ફરી પંજાબના મુખ્યમંત્રી બન્યા. 2017માં પનામા પેપર્સના ખુલાસામાં નવાઝ શરીફનું નામ આવ્યું છે. આ પછી શાહબાજ શરીફને PML-N પાર્ટીના વડા બનાવવામાં આવ્યા અને આ રીતે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ્યા.

ઈમરાનની પીટીઆઈએ 2018ની ચૂંટણીમાં જીત મેળવી અને શાહબાદ વિપક્ષના નેતા બન્યા. વર્ષ 2020માં શાહબાજ શરીફની પણ મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે ગયા વર્ષે એપ્રિલમાં તેને લાહોર હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. એકંદરે, નવાઝ શરીફ અને શાહબાજ બંને ભાઈઓ પર ભ્રષ્ટાચારના ઘણા કેસો છે, પરંતુ શાહબાજ કોઈપણ આરોપમાં દોષી સાબિત થયા નથી.