જન્મજયંતિ/ ગાંધીજી પહેલાં જેમને મળ્યું હતું ‘મહાત્મા’નું બિરૂદ… જાણો કોણ હતા તે વિરલ વ્યક્તિત્વ અને શા માટે ?

જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે 19મી સદીના મહાન સમાજ સુધારક, સમાજ પ્રબુદ્ધ, વિચારક, સમાજસેવક, લેખક, દાર્શનિક અને ક્રાંતિકારી કાર્યકર્તા હતા. મહાત્મા ફુલે તરીકે જાણીતા જ્યોતિબા ફુલેના પિતાનું નામ ગોવિંદરાવ હતું

India
Mahatma

જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે 19મી સદીના મહાન સમાજ સુધારક, સમાજ પ્રબુદ્ધ, વિચારક, સમાજસેવક, લેખક, દાર્શનિક અને ક્રાંતિકારી કાર્યકર્તા હતા. મહાત્મા ફુલે તરીકે જાણીતા જ્યોતિબા ફુલેના પિતાનું નામ ગોવિંદરાવ હતું, તેમનો જન્મ 11 એપ્રિલ 1827ના રોજ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. તેમણે તેમનું આખું જીવન સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર મેળવવા, બાળ લગ્ન રોકવાના પ્રયાસોમાં સમર્પિત કરી દીધું હતું. 28 નવેમ્બર, 1890 ના રોજ 63 વર્ષની વયે તેમનું અવસાન થયું. ત્યારે ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલી ખાસ વાતો.

જ્યોતિબા ફૂલેનું પ્રારંભિક જીવન
મહાત્મા જ્યોતિબા ફૂલેનો પરિવાર ઘણી પેઢીઓ પહેલા સતારાથી પુણે આવ્યો હતો અને ફૂલોના ગજરા વગેરે બનાવવાનું કામ શરૂ કર્યું હતું. તેથી, માળીઓના કામમાં પાવરધો આ પરિવાર ‘ફૂલે’ તરીકે ઓળખાવવા લાગ્યો. અહીં જ જ્યોતિબા ફૂલેનો જન્મ 1827માં પૂણેમાં થયો હતો. એક વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું.

સંઘર્ષભરી સ્થિતિમાં તેમનું બાળપણ શરૂ થયું, આ દરમિયાન જ્યોતિબા મોટા થવા લાગ્યાં અને પ્રારંભિક શિક્ષણ શરૂ કર્યું, થોડા સમય સુધી મરાઠીમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ અધવચ્ચે અભ્યાસ છુટી ગયો. બાદમાં 21 વર્ષની ઉંમરે અંગ્રેજીમાં સાતમા ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેમના લગ્ન 1840 માં સાવિત્રીબાઈ સાથે થયા હતા, જેઓ પછીથી પોતે એક પ્રખ્યાત સામાજિક કાર્યકર બની ગયા હતા. દલિત તેમજ સ્ત્રી શિક્ષણના ક્ષેત્રેમાં બંને પતિ-પત્નીએ મીને કામ કર્યું તેમજ એક કર્મઠ અને સમાજસેવીની ભાવના ધરાવતા વ્યક્તિ હતાં.

મહાત્મા જ્યોતિબા ફુલે દ્વારા કરવામાં આવેલ કાર્યો
મહાત્મા જ્યોતિબા ફુલેએ વર્ષ 1848માં કન્યાઓ માટે દેશની પ્રથમ મહિલા શાળા ખોલી હતી. પુણેમાં ખોલેલી આ શાળામાં તેમના પત્ની સાવિત્રીબાઈ પ્રથમ શિક્ષિકા બન્યાં હતાં. ત્યારે સમાજના એક વર્ગે તેનો કડક વિરોધ પણ કર્યો હતો અને જ્યોતિબા ફૂલેને તેમની શાળા બંધ કરવી પડી હતી. જો કે, સમય જતાં તેમની શાળા માટે જગ્યા ફાળવવામાં આવી. જ્યોતિરાવ ફુલેએ દલિતો અને વંચિતોને ન્યાય અપાવવા માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી.

સામાજિક પરિવર્તનની ચળવળને આગળ ધપાવવા માટે તેની સ્થાપના 24 સપ્ટેમ્બર 1873ના રોજ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ શુદ્રો-અતિશુદ્રોને ન્યાય અપાવવા તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા, તેમને અત્યાચારમાંથી મુક્ત કરવા, વંચિત વર્ગના યુવાનો માટે વહીવટી ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવા વગેરેનો હતો. તેમની સામાજિક સેવાથી પ્રભાવિત થઈને, જ્યોતિરાવ ફુલેને 1888માં મુંબઈમાં એક સભામાં ‘મહાત્મા’નું બિરુદ આપવામાં આવ્યું હતું.