Gandhinagar News : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, દારૂ પીવાના શોખીનોની સંખ્યા ઓછી નથી. દારૂની પરમિટ મેળવવા માટે લોકો મોટી રકમ ખર્ચવા પણ તૈયાર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતમાં એવા ત્રણ શહેરો છે જ્યાં દારૂની પરમિટ મફતમાં મળી શકે છે? હા, સરકારે ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે.
વિધાનસભામાં વિવિધ પ્રશ્નોત્તરી દરમિયાન આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેલ્લા બે વર્ષમાં દારૂની પરમિટ માટે આવેલી અરજીઓના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. સરકારે જણાવ્યું કે ગુજરાતના 12 શહેરો અને જિલ્લાઓમાં દારૂની પરમિટ માટે કુલ 21,765 અરજીઓ મળી હતી. જેમાંથી હોસ્પિટલો દ્વારા 19,015 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ પરમિટોની ફી પેટે સરકારને 28 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે મહેસાણા અને આણંદ શહેરમાં પરમિટ ફી પેટે એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી.
અમદાવાદ અને ગાંધીનગરમાં પરમિટ માટે ચૂકવાઈ કરોડો રૂપિયાની ફી
અમદાવાદ અને ગાંધીનગરમાં દારૂની પરમિટ માટે આવેલી અરજીઓ પરથી જાણવા મળ્યું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં પરમિટની અરજીઓ માટે 12.71 કરોડ રૂપિયાથી વધુની રકમ ફી તરીકે ચૂકવવામાં આવી છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં આ આંકડો 89.60 લાખ રૂપિયા છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં દારૂની પરમિટ માટે 7,517 અરજીઓ આવી હતી, જ્યારે ગાંધીનગરમાં 984 અરજીઓ કરવામાં આવી હતી.
મહેસાણા, ખેડા, આણંદમાં પરમિટ માટે કોઈ ફી નહીં!
સરકારે વિધાનસભામાં આપેલા જવાબમાં એક રસપ્રદ વાત સામે આવી છે. સરકારે ખેડા, આણંદ અને મહેસાણામાં આપવામાં આવેલી પરમિટો માટે એક પણ રૂપિયો ચાર્જ વસૂલ્યો નથી. મેડિકલ ગ્રાઉન્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી લીકર પરમિટમાં ખેડામાં 288 પરમિટ મંજૂર કરવામાં આવી છે. તો મહેસાણામાં 308 પરમિટ મંજૂર થઈ છે. આ ઉપરાંત આણંદમાં 417 પરમિટ મંજૂર કરવામાં આવી છે. જો કે, સરકારે આ ત્રણેય શહેરોમાંથી કેટલી રકમ વસૂલવામાં આવી તેનો કોઈ આંકડો રજૂ કર્યો નથી. જેના કારણે લોકોમાં ચર્ચા છે કે જો તમારે મફતમાં પરમિટ મેળવવી હોય તો આ ત્રણ શહેરોમાં ઘર ખરીદી લેવું જોઈએ!
પરમિટ નામંજૂર થવાના આંકડા પણ સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં 7,390 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે 127 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. ગાંધીનગરની તમામ અરજીઓ મંજૂર થઈ છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.
ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા બાદ સરકારને 94 લાખની આવક
ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા બાદ પણ રાજ્ય સરકારને ફાયદો થયો છે. સરકારે ગૃહમાં જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા બાદ રાજ્ય સરકારને માત્ર 94 લાખ રૂપિયાની આવક થઈ છે. દારૂબંધી હટાવ્યા બાદ ગિફ્ટ સિટીમાં માત્ર 2 એકમોએ જ દારૂના વેચાણનું લાઇસન્સ મેળવ્યું છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં ડિસેમ્બર 2023 થી દારૂની છૂટ આપી છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલ પર સરકારે ગૃહમાં આ જવાબ આપ્યો હતો.
આમ, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, દારૂની પરમિટ મેળવવાની પ્રક્રિયા અને તેનાથી થતી આવક ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને મહેસાણા, ખેડા અને આણંદમાં મફતમાં પરમિટ મળવાની વાત લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે.
આ પણ વાંચો: સુરતીઓ માટે દારૂની પરમિટ હવે મોંઘી થઈ
આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ
આ પણ વાંચો: કૉંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની કબૂલાત,10 વર્ષની દારૂની પરમિટ ધરાવું છું
