પંચમહાલ લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. હૃદયરોગના હુમલા બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેઓનું થયું નિધન થયુ છે. લાઈફ મિશન અંતર્ગત રાજર્ષિ મુનિએ ગુજરાત, ભારત અને વિશ્વમાં યોગાભ્યાસ માટે અનેક સેન્ટરો શરૂ કર્યા છે. રાજશ્રી મુનિજીના બોહળા અનુયાયી વર્ગમાં શોક વ્યાપી ગયો છે. નોંધનીય છે કે, પાંચમા વિશ્વ યોગ દિવસે રાજશ્રી મુનિજીને 43 વર્ષની સાધના બદલ યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્ય હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજશ્રી મુનિને ખાસ સંબંધો હતા.
પૂજ્ય સંત યોગાચાર્ય કૃપાળુ મહારાજના પરમશિષ્ય એવા રાજર્ષિ મુનિજી આજ રોજ બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મલીન થયા છે. તેઓના બ્રહ્મલીન થયાના સંદેશ સાંભળી સમગ્ર ગુજરાતમાં શોક વ્યાપી ગયો છે. તેઓએ સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં પરંતુ વિશ્વભરમાં અષ્ટાંગ યોગનો પ્રચાર-પ્રસાર કર્યો છે. ગુજરાત ખાતે જાખણ-લીમડી, અસા-રાજપીપળા, કાયાવરોહણ-ડભોઇ, કંજેઠા-મોરબી, મોટાભેળા-ડભોઇ, મલાવ-પંચમહાલ તથા ઉત્તરપ્રદેશ રાજ્યના હરિદ્વાર ખાતે આશ્રમો સ્થાપી યોગનો પ્રચાર-પ્રસાર કર્યો છે. એટલું જ નહીં, વિદેશોમાંથી પણ યોગશિક્ષણ પ્રાપ્ત કરવા લોકો મુનિશ્રી પાસે આવતાં હતાં.
આ ઉપરાંત તેઓએ અમદાવાદ ખાતે લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના પણ કરી હતી. વળી, તેઓને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજીના અંતિમ દર્શન આજ રોજ સવારે મલાવ કૃપાલુ આશ્રમ ખાતે, બપોરે કાયાવરોહણ આશ્રમ, ડભોઇ ખાતે રાખવામાં આવેલ છે. તેઓશ્રીની અંતિમ વિધિ જાખણ- લીમડી ખાતે રાખવામાં આવેલ છે.