ચીનના વિરોધ પછી ભારતીય એરલાઇન્સ કંપની Air India એ પોતાની વેબસાઈટ પર ફેરફાર કરીને ‘તાઈવાન’નું નામ બદલીને ‘ચીની તાઇપે’ કરી દીધું છે. હકિકતમાં એર ઇન્ડિયાએ પોતાની વેબસાઈટ તાઈવાનને એક સ્વતંત્ર દેશના રૂપમાં દર્શાવ્યો હતો, જેના કારણે ચીને તેનો વિરોધ કર્યો હતો.
ચીનના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (સીએએસી)એ આ મામલામાં 25 એપ્રિલના રોજ એક આદેશ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તે નથી ઇચ્છતું કે, તાઈવાનને એક સ્વતંત્ર દેશ તરીકે દર્શાવવામાં આવે.
આ અગાઉ પણ ડેલ્ટા એરલાઇન્સ, સિંગાપુર એરલાઇન્સ, જાપાન એરલાઇન્સ અને એર કેનેડા સહિતની દુનિયાની કેટલીય વિમાની કંપનીઓએ ચીનના વિરોધ પછી ‘તાઈવાન’નું નામ બદલીને ‘ચીની તાઇપે’ કરી ચૂકી છે.
ચીની નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણએ એર ઇન્ડિયાની શાંઘાઈ સ્થિત કાર્યાલયમાં એક પત્ર મોકલ્યો હતો અને 25 જુલાઈ સુધીમાં તમામ જરૂરી ફેરફારો કરવા માટે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન વિમાની કંપની આ સંબંધમાં ચીનના આદેશને નથી માનતી. તે હંમેશાથી જ તાઈવાનને એક સ્વતંત્ર દેશના રૂપમાં જ માની રહી છે. તે માનતી રહી છે કે, તાઈવાન ચીનનો હિસ્સો નથી.
જયારે ચીનનો અભિપ્રાય બિલકુલ આનાથી વિપરીત છે. ચીન માને છે કે, તાઈવાન તેનું એક રાજ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૪૯માં ચીનમાં ગૃહ યુદ્ધ સમાપ્ત થયા પછી તાઈવાન એક સ્વતંત્ર ક્ષેત્ર તરીકે ઉભરીને બહાર આવ્યું હતું. અહિયાં ચીનથી અલગ તેની પોતાની સરકાર છે.
