Not Set/ વિશ્વના સૌથી મોટા વિમાને ભરી ઉડાન,ફૂટબોલ મેદાન કરતાં પણ છે મોટું !

વિશ્વના સૌથી મોટા વિમાન રોકે ફરી એકવાર આકાશમાં ઉડવાનું શરૂ કર્યું છે. રવિવારે, આ વિમાને લગભગ 8 મહિના પછી પ્રથમ વખત તેની પરીક્ષણ ઉડાન ભરી હતી.  

World
world largest aircraft

વિશ્વના સૌથી મોટા વિમાન રોકે ફરી એકવાર આકાશમાં ઉડવાનું શરૂ કર્યું છે. રવિવારે, આ વિમાને લગભગ 8 મહિના પછી પ્રથમ વખત તેની પરીક્ષણ ઉડાન ભરી હતી.  આ વિમાને 4 કલાક અને 23 મિનિટ સુધી હવામાં રહીને પોતાની ક્ષમતા દર્શાવી હતી. આ દરમિયાન તે ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારમાંથી પણ પસાર થયું હતું. આ પ્લેન બનાવનારી કંપની સ્ટ્રેટોલોન્ચે જણાવ્યું કે આ પ્લેન 23500 ફૂટની ઉંચાઈ સુધી ગયું હતું.

કંપનીએ કહ્યું કે, આ પ્લેનની શ્રેષ્ઠ ઉડાન હતી. અગાઉની ફ્લાઇટમાં, વિમાન લગભગ 17,000 ફૂટની ઊંચાઈએ ગયું હતું. આ એરક્રાફ્ટને 35,000 ફૂટની ઉંચાઈ પર ઉડવા માટે બનાવવામાં આવ્યું છે. કંપનીના સીઈઓએ કહ્યું કે આ સફળ ઉડાન છે અને તેઓ પુષ્ટિ કરે છે કે, વિમાન ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. આ એરક્રાફ્ટમાં બોઈંગ 747ના 6 એન્જિન છે અને તેની મદદથી હાયપરસોનિક એરક્રાફ્ટને હવામાં ઉડાવી શકાય છે.

આ વિમાનના ઈતિહાસમાં આ ત્રીજી ઉડાન હતી. અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાના એરપોર્ટ પરથી તેને ઉડાડવામાં આવ્યું હતું. આ વિમાનની પાંખો 117 મીટર છે. સ્ટ્રેટોલોન્ચ કંપનીની સ્થાપના માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક પોલ એલન દ્વારા વર્ષ 2011માં કરવામાં આવી હતી. આ એરક્રાફ્ટ બનાવવાનો હેતુ એ હતો કે સેટેલાઇટને હવામાંથી જ સરળતાથી અંતરિક્ષમાં લોન્ચ કરી શકાય. આ વિમાન સુપરસોનિક વાહનોને આકાશમાં લઈ જવા સક્ષમ છે.

તેમાં લાગેલા 6 શક્તિશાળી એન્જિન 249475.804 કિગ્રા વજન હવામાં 35 હજાર ફૂટની ઉંચાઈ સુધી લઈ જઈ શકે છે. આ એક કોન્સેપ્ટ એરક્રાફ્ટ છે જે મોટી ઉંચાઈથી રોકેટ લોન્ચ કરી શકે છે. આનાથી ભવિષ્યમાં પરંપરાગત રીતે સેટેલાઇટ લોન્ચ કરવાનો વૈકલ્પિક માધ્યમ મળી શકે છે. આ કંપનીને 2018માં પોલ એલનના મૃત્યુ બાદ વેચવામાં આવી હતી. તેના નવા માલિકો હવે આ એરક્રાફ્ટમાંથી હાઇપરસોનિક રોકેટ લોન્ચ કરવા માંગે છે, જેની ઝડપ અવાજ કરતા 5 ગણો વધારે છે.