કહેવાય છે કે યોગ ભગાવે રોગ. આ વાતને ધ્યાનમાં લઇને ભારત સહિત દુનિયાભરનાં લોકોએ યોગને સ્વીકાર્યો છે. આજે દુનિયાભરમાં ભારતીય યોગ ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે. સામાન્ય રીતે યુવા અને પુખ્ત વયનાં લોકોમાં યોગ શીખવાનું, યોગ કરવાનું વલણ વધુ જોવા મળે છે. પણ યોગ શીખવાની સાચી ઉંમર છ થી આઠ વર્ષની છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેના તેમને ખૂબ ફાયદા મળે છે, જે જીવનભર તે કામ આવે છે.
આજનાં યુગમાં બાળકોમાં મોટા પ્રમાણમાં મેદસ્વીતા જોવા મળે છે. જંક ફૂડ, પેકેટ ફૂડ અને બહારનાં ખોરાકનું વધારે પડતું સેવન તેનું મુખ્ય કારણ છે. વળી આજકાલનાં બાળકોમાં આઉટડોર ગેમ્સ રમવાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. તેઓ પોતાનો ફાજલ સમય ટીવી, મોબાઈલ કે કમ્પ્યૂટર સાથે વીતાવે છે. શારીરિક કસરતનો અભાવ એ પણ સ્થૂળતા તરફ દોરી જાય છે. આ સ્થૂળતા આગળ જતાં અનેક રોગોને જન્મ આપે છે. જંક ફૂડનાં સેવનથી વિપરિત શારીરિક અને માનસિક અસરો થાય છે. આજના બાળકો વધુ પડતા એગ્રિસવ બનતા જાય છે. તેમનામાં ગુસ્સો, ચિડિયાપણું, આક્રમકતા અને ક્યારેક હિંસાત્મક વલણ પણ જોવા મળે છે. યોગનાં અભ્યાસથી આવી નકારાત્મક માનસિક અસરો ઓછી અથવા સદંતર નાબૂદ થઈ જાય છે.
યોગાસન અને પ્રાણાયમનાં અભ્યાસથી બાળકોની માનસિક શક્તિમાં વધારો થાય છે અને સાથે સાથે શારીરિક લાભ પણ થાય છે. યોગાસનોનાં અભ્યાસથી તેમની તાકાતમાં વધારો થાય છે. તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેથી અંગોની પુષ્ટિ થાય છે, તંદુરસ્તી વધે છે. તેમનાં હાડકાં મજબૂત બને છે, સ્નાયુઓ સુડોળ બને છે અને તેમનો યથાયોગ્ય વિકાસ થાય છે. યોગનાં તમામ પાસાઓ-આસન, ધ્યાન, મંત્રો, પ્રાણાયમ-આદિની પ્રેક્ટિસથી તેમની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી વધે છે અને તેમનામાં તણાવને સહન કરવાની શક્તિ ડેવલપ થાય છે. યોગનાં અભ્યાસથી બાળકોનાં સ્વભાવમાં ઘણું પરિવર્તન આવે છે. અન્યો સાથે કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે વર્તવું, શું ખાવું-શું ના ખાવું, શરીરને કેવી રીતે સાચવવું તેની ખબર પડે છે. તેમનામાં પશુંપંખી અને અન્ય માનવો પ્રત્યે અનુકંપાનો ભાવ કેળવાય છે. યોગાભ્યાસથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. તેમની ગ્રહણશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં વધારો થાય છે અને અભ્યાસમાં તેમ જ ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ તેમનું પરફોર્મન્સ વધુ સારું થાય છે.
આજે ઘણી સ્કૂલોમાં બાળકોને યોગ શીખવવામાં આવે છે. બાળકને યોગ તરફ પ્રેરિત કરવા માટે તેને સમજાવો કે તેનાથી કયા કયા ફાયદાઓ થાય છે. અન્ય બાળકો સાથે કે ઘરનાં સભ્યો સાથે યોગ કરવાથી બાળકને તે કંટાળાજનક નથી લાગતું. જો તમે પણ બાળકની સાથે યોગ કરશો તો તેને ગમશે અને તેને યોગાભ્યાસ કરવાની ટેવ પડશે. બાળકોને યોગાભ્યાસ કરવા માટે દબાણ ના કરશો, પણ જો રમતાં-રમતાં તેની સાથે થોડા આસનો કરશો તો તેને એમાં રસ પડશે અને તે આસનો કરવા પ્રેરાશે. બાળકોની સાથે સૂર્યનમસ્કાર, ધનુરાસન, માર્જારાસન, સર્પાસન, ગૌમુખાસન, તાડાસન, શવાસન જેવા આસનો કરો. આ આસનો સરળ છે અને બાળકનાં સર્વાંગી વિકાસમાં મદદરૂપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
