ભરૂચ/ વરસાદ સાથે નેશનલ હાઇવે 48 ઉપર 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ

વાહન ચાલકો પાસેથી લાખોનો ટોલ ટેક્સ વસુલતી હાઇવે ઓથોરિટી રસ્તાને દુરસ્ત રાખવામા ઉણી ઉતરી રહી હોવાની લાગણી વાહન ચાલકો વ્યકત કરી રહ્યાં છે.

Gujarat Others
Untitled 77 વરસાદ સાથે નેશનલ હાઇવે 48 ઉપર 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ

ભરૂચ જિલ્લામાં ભાદરવાના એક જ વરસાદે નેશનલ હાઇવે 48 ઉપર NHAI ની પોલ ખોલી નાખી છે. ચોમાસાના પ્રારંભે સર્જાયેલી ટ્રાફિકજામની સમસ્યા ફરી એક જ વરસાદમાં વિકરાળ બની છે. નવા સરદારબ્રિજથી મુલદ ટોલટેક્સ સુધી ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે વડોદરાથી સુરત સુધી લેનમાં નબીપુર સુધી વાહનોની કતારો ખડકાઈ ગઈ હતી. હાઇવે પર 12 કિલોમીટર સુધી ચક્કાજામના કારણે હજારો વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા .

વરસાદના આટલા દિવસના વિરામ વચ્ચે તંત્રને કોઇ જ પ્રકારની કામગીરી કરી ન હતી. હાલ મંગળવારે વરસેલા ભારે વરસાદમાં ફરી હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આજે સવારથી જ નેશનલ હાઇવે ઓથોરિટીએ ખાડાઓ પુરવાની કામગીરી કરતા વાહન ચાલકોની હાલાકી ચક્કાજામ વચ્ચે બેવડાઈ ગઈ હતી. હાઇવે ઉપર ચોમાસામાં ઠેર ઠેર પડતા ખાડા અને તેના પગલે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા NHAI દ્વારા સમયાંતરે સમારકામ થતું નહિ હોવાથી વરસાદ સાથે જ વકરે છે. ચોમાસાના પ્રારંભે પણ ભરૂચ નજીક હાઇવે ઉપર આ જ સ્થિતિ જોવા મળી હતી. ત્યારે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વાહન ચાલકો પાસેથી લાખોનો ટોલ ટેક્સ વસુલતી હાઇવે ઓથોરિટી રસ્તાને દુરસ્ત રાખવામા ઉણી ઉતરી રહી હોવાની લાગણી વાહન ચાલકો વ્યકત કરી રહ્યાં છે. હાઈવેની દુર્દશાના કારણે હજારો વાહન ચાલકોના માનવ કલાકો વેડફાવા સાથે ઇંચણનો પણ વ્યય થઈ રહ્યો છે. સમયસર માલની ડિલિવરી નહિ થતા ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પણ વિપરીત અસર થઈ રહી છે.

NH 48 ઉપર વડોદરાથી સુરત તરફ જવા માત્ર 2 લેનનો નવો સરદારબ્રિજ વાહનો માટે હોય તેમાં પણ ઠેર ઠેર ગાબડાથી 24 કલાકમાં પસાર થતા 20 હજાર થી વધુ વાહનો પ્રતિ કલાકે માંડ 5 થી 10 કિલોમીટરની ઝડપે પસાર થઈ શકતા હોય સમસ્યા સર્જાય રહી છે. જૂનો સરદાર બ્રિજ જોખમી હોય તેના પરથી માત્ર હળવા જ વાહનો પસાર થઈ શકે છે. આ પરિસ્થિતિ થી વાકેફ NHAI એ નવા સરદારબ્રિજ અને તેને સંલગ્ન 2 લેનના માર્ગની સાર સંભાળ નિયમિત રીતે કરવી જરૂરી બન્યું છે.