ગુજરાતમાં દારૂ અને જુગારનાં અડ્ડાઓ ઠેર ઠેર થઇ ગયા છે. પોલીસ આ મામલે ઘણીવાર કડક પગલા ભરી ચુકી છે. તેમ છતા બુટલેગરો અને જુગારનાં અડ્ડા ચલાવતા લોકો પર પૂરી રીતે અંકુશ મેળવવામાં અસફળ રહી છે. રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં આ પ્રકારનાં અડ્ડાઓ આપને જોવા મળશે. રાજકોટની વાત કરીએ તો અહી પણ દારૂ અને જુગારનાં અડ્ડાઓ આવેલા છે, જ્યા પોલીસ દ્વારા હવે લાલ આંખ કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા દારૂ અને જુગારનાં અડ્ડાઓ સામે મેઘા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં દારૂ અને જુગારનાં અડ્ડાઓ વધતા પોલીસ એક્શનમાં આવી ગઇ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાજકોટમાં આવેલા રૈયાધાર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી દારૂનાં અડ્ડાઓનો નાશ કર્યો હતો. એક કલાક ચાલેલી દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ દારૂનાં મોટા જથ્થાનો નાશ કર્યો હતો. પોલીસનાં દરોડાને પગલે રૈયાધાર વિસ્તારમાં બુટલેગરો અને દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં પોલીસવડા શિવાનંદ જ્હા દ્વારા દારૂ અને જુગારની બદીઓને દૂર કરવા રાજ્યભરની પોલીસને આદેશ આપવામાં આવ્યા છે. એક સપ્તાહમાં દારૂ જુગારનાં તમામ અડ્ડાઓનો નાશ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે રાજકોટ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહીને પગલે બુટલેગરો અને જુગારનાં અડ્ડા ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.