Ahmedabad News : ગુજરાત સરકારની નાર્કોટિક્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ Gujarat ATSએ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ATSએ અમદાવાદ (Ahmedabad)ના શાહીબાગ વિસ્તારમાંથી ગેરકાયદેસર સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 2,08,000 ટેબલેટ (Tramadol Tablets)નો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹8.32 કરોડ હોવાનું સામે આવ્યું છે.
ભારત સરકાર અને ગુજરાત સરકારની નાર્કોટિક્સ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિના અમલ હેઠળ ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે ગુજરાત ATSના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને બાતમી મળી હતી કે વલસાડ જિલ્લાના પારડીમાં રહેતો અને મૂળ રાજસ્થાનના સાદરીનો રહેવાસી પરેશ પારસમલ જૈન લાંબા સમયથી ગેરકાયદેસર સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલના વેપાર સાથે સંકળાયેલો છે.
ATSને મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વલસાડ જિલ્લાના પારડીમાં રહેતો અને મૂળ રાજસ્થાનના સાદરીનો રહેવાસી પરેશ પારસમલ જૈન લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ટ્રામાડોલનો વેપાર કરતો હતો.
તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ ટ્રામાડોલના જથ્થાને અન્ય દવાઓ તરીકે દર્શાવતી ટેક્સ ઇન્વોઇસ બનાવી અંકલેશ્વરથી લક્ઝરી બસ મારફતે રાજસ્થાનના પાલી મોકલ્યો હતો. બાતમીના આધારે ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની સંયુક્ત ટીમે શાહીબાગ સ્થિત બસ ઓફિસ પર તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બસમાંથી 6 મોટા બોક્સ મળી આવ્યા હતા. જેમાં કુલ 416 નાના બોક્સ હતા. તમામ બોક્સમાં TRAMADOL HYDROCHLORIDE I.P. TABLETS 100 MG (SCOVIDOL-100) નામની 4,160 સ્ટ્રીપ મળી આવી હતી. જેમાં કુલ 2.08 લાખ ટેબલેટ હતી.
રાજસ્થાનથી આરોપીની ધરપકડ

કારરવાઈ દરમિયાન મુખ્ય આરોપી પરેશ પારસમલ જૈન રાજસ્થાન ભાગી ગયો હતો. ત્યારબાદ ATSની વિશેષ ટીમે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંડા તાલુકામાં દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ મે-2026થી અત્યાર સુધીમાં 25 અલગ-અલગ બેચમાં કુલ 62.54 લાખ ટ્રામાડોલ ટેબલેટ (Tramadol Tablets)મંગાવી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હોવાનું ATSએ જણાવ્યું છે.
તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે આરોપીએ મેડિકલ સ્ટોકિસ્ટનું લાઇસન્સ લીધા બાદ મોટાભાગે ટ્રામાડોલનો જ ગેરકાયદેસર વેપાર કર્યો હતો.
અગાઉ પણ NDPS કેસમાં ઝડપાયો હતો
ATSના જણાવ્યા મુજબ આરોપી અગાઉ ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણે ખાતે કોડીન કફ સિરપના કેસમાં NDPS એક્ટ હેઠળ ઝડપાઈ ચૂક્યો છે. ઉપરાંત વાપીમાં ગત મહિને ઝડપાયેલા 2.38 કિલો મેફેડ્રોન કેસમાં પણ તેની સંડોવણી સામે આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
ગુજરાત ATS હવે સમગ્ર નેટવર્ક, દવાનો સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ તપાસ કરી રહી છે.
