વિશ્વના 7 કરોડ હાર્થસ્ટોન પ્લેયરમાંથી ટોપના પ્લેયર ગણાતા ભુજનાં 24 વર્ષીય તીર્થ મહેતાએ એશિયન ગેમ્સની ઈ-સ્પોર્ટસમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આજે તીર્થ મહેતા ભુજ આવી પહોંચતા તેના પરિવાર, સગા-સંબંધીઓ અને સમાજે દબદબાભેર સ્વાગત કરી તેને ભવ્ય આવકાર આપ્યો હતો.
ભુજમાં નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ મંદિર ખાતે સમસ્ત નાગર સમાજ દ્વારા તેનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ભુજના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય અને સંસદ સભ્ય વિનોદ ચાવડા સહિતના રાજકીય આગેવાનોએ તીર્થને શાલ ઓઢાડી તેની સિધ્ધિ બદલ અભિનંદન આપ્યાં હતા. તીર્થ મહેતાએ ૨૦૧૪થી હાર્થસ્ટોન ગેમ રમવાની શરૂઆત કરી હતી.
અત્યારે તે દિવસમાં ૮ કલાક ગેમ રમે છે. આગામી ૨૦૨૨માં ઓલેમ્પિક ગેમમાં ઈ-ગેમ્સનો સમાવેશ કરવામાં આવશે તો તીર્થ ભારત તરફથી રમશે. ભારતને ગોલ્ડ મેડલ મળે તે માટે અત્યારથી મહેનત શરુ કરી દીધી છે. કોમ્પ્યુટર ગેમ્સ નવરા લોકોનો ટાઈમ પાસ ગણાતી હોઈ ભારતમાં ઓનલાઈન ગેમ્સને ગંભીરતાથી કોઈ ગણતું નથી. પરંતુ ચીન, જાપાન, અમેરિકા સહિતના વિશ્વના વિવિધ દેશમાં ઓનલાઈન ગેમ્સમાં મહારથ હાંસલ કરનારાને મોટું નામ અને દામ મળે છે.
તીર્થને નાનપણથી જ ઓનલાઈન ગેમ્સમાં ભારે રુચિ હોઈ હાર્થસ્ટોન ગેમ્સમાં ભારતનો એક માત્ર ટોપ પ્લેયર બનેલો તીર્થ અગાઉ થાઈલેન્ડ અને જાકાર્તામાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ચુક્યો છે. અત્રે નોંધનીય છે કે ,શુક્રવારે ઓનલાઈન ઈલેક્ટ્રોનીક્સ ગેમ્સ ‘હાર્થસ્ટોન પ્લેયર’માં તીર્થ મહેતાએ વિયેતનામના ખેલાડીને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઈન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં તીર્થ મહેતાએ સાઉથ ઈસ્ટ એશિયાના પ્લેયર્સમાં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવી ભારતને ક્વોલિફાય કર્યું હતું. ત્યારબાદના મુકાબલાઓમાં તેણે જાપાનને હરાવ્યું હતું.