પક્ષ પલટો/ કોંગ્રેસના વધુ 4 ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે!PM નરેન્દ્ર મોદીની હાજરીમાં કેસરીયા ધારણ કરશે

રાજકોટમાં PM મોદીની જાહેરસભા દરમિયાન જ આ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચા વર્તૂળોમાં ઉઠી છે.

Top Stories Gujarat
3 46 કોંગ્રેસના વધુ 4 ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે!PM નરેન્દ્ર મોદીની હાજરીમાં કેસરીયા ધારણ કરશે

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં અનેક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીયા ખેસ ધારણ કર્યા છે. તેમાં પણ હવે કોંગ્રેસના 4 વધુ એમએલએ કેસરીયો ધારણ કરવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે,સૂત્રોના જણાવ્યા અનુસાર આ ધારાસભ્યો વડાપ્રધાનની હાજરીમાં ભાજપમાં સામેલ થવાના છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખોની જાહેરાત ગણતરીના દિવસોમાં જ થઈ શકે છે. એવામાં પક્ષ પલટાની પણ સીઝન ચાલી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ઘણા નેતાઓ ભાજપ તથા AAPમાં જોડાયા, આ વચ્ચે કોંગ્રેસના વધુ ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટમાં PM મોદીની જાહેરસભા દરમિયાન જ આ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચા વર્તૂળોમાં ઉઠી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જામકંડોરણામાં તેઓ જાહેરસભાને સંબોધવાના છે, એવામાં સૂત્રો મુજબ કોંગ્રેસથી નારાજ ચાર ધારાસભ્યો PMની હાજરીમાં કેસરીયા ધારણ કરી શકે છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર અને જામકંડોરણાના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પાર્ટીથી નારાજ હોવાની ચર્ચાઓ લાંબા સમયથી છે. એવામાં તેઓ હવે ભાજપમાં જઈ શકે છે.

તાજેતરમાં જ રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર કિર્તીદાન ગઢવીના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે એક જ સ્ટેજ પર દેખાયા હતા. જે બાદ તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ચારેય ધારાસભ્યો લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ છે. જોકે કોંગ્રેસે તમામ ધારાસભ્યોની ટિકિટ રિપીટ કરવાની જાહેરાત કરી દીધી છે. એવામાં આ નેતાઓની ટિકિટની વિધિવત જાહેરાત પહેલા  જ ભાજપ મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે.