Gujarat election 2022/ રાજ્યમાં છ દાયકામાં મતદારોની સંખ્યામાં 400 ટકાનો વધારો

ગુજરાત રાજ્ય 1960માં અવિભાજત મુંબઈ સ્ટેટમાંથી જુદુ પડ્યુ તેના પછી 1962માં પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે ગુજરાતમાં મતદારોની સંખ્યા 95.34 લાખ હતી. જ્યારે ગુજરાત વિધાનસભા બેઠકો 154 હતી.

Top Stories Gujarat
Voter રાજ્યમાં છ દાયકામાં મતદારોની સંખ્યામાં 400 ટકાનો વધારો
  • ગુજરાતમાં મોટાભાગના યુવા મતદારોએ ભાજપનું જ શાસન જોયું
  • ગુજરાત 1980થી 1985 અને 1995થી 1998માં મતદારોની સંખ્યા ઘટી
  • 1985થી 1990 દરમિયાન મતદારોની સંખ્યામાં વિક્રમજનક વધારો નોંધાયો

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ નક્કી થઈ ગઈ છે ત્યારે સ્વાભાવિક રીતે 4.90 કરોડ મતદારો ગુજરાતનું ભાવિ નક્કી કરશે. આ સમયે કોઈને પણ થાય કે ગુજરાતની સૌપ્રથમ વિધાનસભા ચૂંટણી 1962માં યોજાઈ હતી ત્યારે મતદારોની સંખ્યા કેટલી હતી.

ગુજરાત રાજ્ય 1960માં અવિભાજત મુંબઈ સ્ટેટમાંથી જુદુ પડ્યુ તેના પછી 1962માં પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે ગુજરાતમાં મતદારોની સંખ્યા 95.34 લાખ હતી. આમ રાજ્યમાં છ દાયકામાં મતદારોની સંખ્યામાં 400 ટકા કરતાં વધુ દરે વધારો થયો છે. ગુજરાત વિધાનસભા બેઠકો 154 હતી. કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની 154માંથી 113 બેઠક જીતી હતી. સ્વતંત્ર પક્ષે 26 અને પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટીએ સાત બેઠક જીતી હતી.

ગુજરાતની રચના પછીના છ દાયકામાં ફક્ત બે તબક્કા જ એવા આવ્યા હતા જ્યારે મતદારોની સંખ્યા વધવાના બદલે ઘટી હતી. ગુજરાતમાં 1980માં મતદારોની સંખ્યા 1.65 કરોડ હતી. તેના પછી આ સંખ્યા 1985ની ચૂંટણી વખતે ઘટીને 1.53 કરોડ થઈ હતી. આમ 11.37 લાખ મતદારો ઘટ્યા હતા. આ સમયગાળો તે હતો જ્યારે માધવસિંહ સોલંકીની ખામ થિયરી ખૂબ જ ચાલી હતી. તેના પછી 1995માં મતદારોની સંખ્યા 2.90 કરોડ હતી અને 1998માં તેની સંખ્યા ઘટીને 2.87 કરોડ થઈ હતી.

જ્યારે આ ઘટાડાથી વિપરીત ગુજરાતમાં મતદારોની સંખ્યા 1980થી 1985ના ઘટાડા પછી 1990માં વિક્રમજનક એવી 94.56 લાખ જેટલી વધી હતી. આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. ગુજરાતની આગામી ચૂંટણીમાં લગભગ 55 લાખ જેટલા યુવા મતદારોએ ફક્ત ભાજપનું જ શાસન જોયું છે. ભાજપ ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર છે.