Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં હિંદુઓથી પાસેથી મિલકત (Property) ખરીદવા મુસ્લિમોએ 1329 અરજીઓ છેલ્લા 2020-24માં કરી હતી, જેની 817 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને 512 અરજીઓ નામંજૂર કરાઈ હતી. અમદાવાદમાં 31 વિસ્તારોમાં 1171 જગ્યાઓને અશાંત ધારા (Disturbed Area Law) હેઠળ મૂકાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ (Ahmedabad) શહેરમાં વિવિધ કારણોસર 512 અરજીઓ નામંજૂર કરાઈ હતી. જો મુસ્લિમોએ હિંદુઓ પાસેથી મિલકત (ઘર કે દુકાન) ખરીદવી હોય તો કલેક્ટર કચેરીએથી મંજૂરી લીધા બાદ નામે થઈ શકે છે. નહીંતર સોદો રદ થાય છે, તેમજ કોઈ દબાણ કે ઓછી જંત્રીનાં આધારે વેચાણ ન થતું હોય વગેરેની ચકાસણી કરાય છે. પોલીસ પાડોશીઓનાં નિવેદનો લે છે, જેથી તેમની સમસ્યાઓ પણ જાણી શકાય છે, કમિટીના સભ્યોનો પણ અભિપ્રાય લેવાયા બાદ મિલકતનો સોદો મંજૂર કે રદ કરાય છે.
શું છે અશાંત ધારો..?
અશાંત ધારો (Disturbed Area) એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.
જે વિસ્તારમાં અશાંત ધારો લાગૂ કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટર (District Collector)ને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.
| વર્ષ | અરજી | મંજૂર | નામંજૂર |
| 2024 | 320 | 198 | 122 |
| 2023 | 290 | 173 | 117 |
| 2022 | 334 | 213 | 121 |
| 2021 | 198 | 121 | 77 |
| 2020 | 187 | 112 | 75 |
| કુલ | 1329 | 817 | 512 |
