જામનગર,
જામનગરની સરકારી પ્રાથમિક શાળામાંથી આઠ શિક્ષકોને હાંકી કઢાયા છે. આ શિક્ષકોની સત્તત્ત અનિયમિતતાને કારણે પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિર્ણય લીધો છે. શિક્ષણાધિકારીની આ કડક કાર્યવાહીને કારણે શિક્ષણ જગતમાં દોડધામ મચી ગઇ હતી.
જામનગર જીલ્લાના પ્રાથમિક શિક્ષણમાં સુધારો આવે સાથે શિક્ષણ વિભાગમાં લાંબા સમયથી લાગી ચૂકેલા સડાને દૂર કરવા જિલ્લા પ્રાથમિકના એસ.જે.ડુમરાળીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ શરૂઆત કરી છે તે ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. એવામાં જામનગર જીલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સતત ગેરહાજર અને અનિયમિતત રહેતા આઠ શિક્ષકોને રુખસદ આપી દેવાઈ છે.
જામનગર તાલુકાની જુદી જુદી ચાર સરકારી શાળાના શિક્ષકો, લાલપુરની ત્રણ સરકારી શાળાઓ અને ધ્રોલની એક શાળાના શિક્ષકોનો સમાવેશ થાય છે. તમામ 8 શિક્ષકો એવા છે જેમાથી 4 શિક્ષકો વિદેશ જતાં રહ્યા છે અને 4 શિક્ષકોને શિક્ષક કરતાં ધંધામાં વધુ રસ હોવાથી વ્યવસાયમાં જોડાઈને શિક્ષકની નોકરી સ્વીકારવામાં રસ ન હતો.
જેથી નોકરી કરવા આવતા ન હોવાનું કારણ સામે આવ્યું છે. આમ જામનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના નવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આગમનના પગલે શિક્ષકો પોતાની ફરજ પ્રત્યે સભાન થયા છે અને શિક્ષણ કાર્યમાં સુધારો જોવા મળી રહ્યો છે.