મંદિર દર્શન/ વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા,એક દિવસમાં 15 હજાર શ્રદ્વાળુઓ દર્શન કરી શકશે

પૌરાણિક પરંપરા અને ધાર્મિક વિધિઓ અનુસાર હજારો શ્રદ્ધાળુઓના ઉમંગ વચ્ચે આજે સવારે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા

Top Stories India
1 81 વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા,એક દિવસમાં 15 હજાર શ્રદ્વાળુઓ દર્શન કરી શકશે

ચારધામોમાંથી એક બદ્રીનાથ ધામના દરવાજા રવિવારે સવારે 6.15 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા હતા. પૌરાણિક પરંપરા અને ધાર્મિક વિધિઓ અનુસાર હજારો શ્રદ્ધાળુઓના ઉમંગ વચ્ચે આજે સવારે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. અલકનંદા નદીના કિનારે ચમોલી જિલ્લામાં ગઢવાલ પહાડી ટ્રેકમાં આવેલું, બદ્રીનાથ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

આ મંદિર ‘ચાર ધામ’ નામના ચાર પ્રાચીન તીર્થસ્થાનોમાંનું એક છે જેમાં યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથનો પણ સમાવેશ થાય છે. તે ઉત્તરાખંડના બદ્રીનાથ શહેરમાં આવેલું છે. આ ધામ દર વર્ષે છ મહિના (એપ્રિલના અંત અને નવેમ્બરની શરૂઆત વચ્ચે) માટે ખુલ્લું રહે છે. ચારધામ યાત્રા 3 મેના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસર પર ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ હતી.

 

 

રવિવારે સવારે બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો સાથે ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની ધૂન સાથે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. બીજી તરફ ચારધામ યાત્રા દરમિયાન આ વર્ષે દર્શન માટે ભક્તોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે બદ્રીનાથ ધામમાં માત્ર 15 હજાર, કેદારનાથમાં 12 હજાર, ગંગોત્રીમાં 7 હજાર અને યમુનોત્રીમાં 4 હજાર શ્રદ્ધાળુઓને જ દૈનિક દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ પહેલા બાબા કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવામાં આવ્યા છે. 6 મેના રોજ બાબા કેદારનાથના દરવાજા ખોલવામાં આવ્યા છે જ્યારે 3 મેના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા છે. ચાર ધામ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે કારણ કે આગામી દિવસો માટે નોંધણીઓ પહેલેથી જ ભરાઈ ગઈ છે.

તમે પર્યટન વિભાગ દ્વારા સંચાલિત પોર્ટલ https://registrationandtouristcare.uk.gov.in પર ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે તમારી નોંધણી કરાવી શકો છો. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે મુસાફરોના રહેવા, ભોજન અને પાર્કિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. ભક્તોને આગમન પહેલા રાજ્યના પોર્ટલ પર નોંધણી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.