Surat Godadara Fire : સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ફરી એકવાર આગ (Fire) ની મોટી દુર્ઘટના સામે આવી છે. ગોડાદરાના દેવદ ગામ નજીક આવેલા પતરાના શેડમાં કાર્યરત ફર્નિચરના ગોડાઉન (Furniture Warehouse)માં અચાનક ભીષણ આગ (Fire) ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી સ્પષ્ટ રીતે નજરે પડતા હતા.
જોતજોતામાં આગે (Fire) ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ
મળતી માહિતી મુજબ દેવદ ગામમાં આવેલા પતરાના શેડમાં ફર્નિચર (Furniture) બનાવવાનું તેમજ તેનો સંગ્રહ કરવાની કામગીરી ચાલી રહી હતી. આજે અચાનક કોઈ અજ્ઞાત કારણોસર ગોડાઉનના એક ભાગમાં આગ લાગી હતી. ફર્નિચર ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લાકડું, ગુંદર અને વિવિધ કેમિકલ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થોના કારણે આગે જોતજોતામાં વિકરાળ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઝપેટમાં એકથી વધુ ગોડાઉન આવ્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

6 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી . કુલ 6 ફાયર સ્ટેશનની 10થી વધુ ફાયર ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે. પતરાના શેડ અને અંદર રહેલા જ્વલનશીલ સામગ્રીને કારણે આગ બુઝાવવામાં ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.
આસપાસના વિસ્તારમાં અફરાતફરી
આ ભીષણ આગને પગલે આસપાસના રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ એકમોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યારે રસ્તે જતા વાહનચાલકો પણ થંભી ગયા હતા. સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ફર્નિચરના મોટા જથ્થાને કારણે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો: સુરતમાં ઘી-માખણમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી, 45 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર
આ પણ વાંચો:સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ નકલી પનીર મળી આવ્યું, આરોગ્ય વિભાગના દરોડા યથાવત
આ પણ વાંચો:સુરભી ડેરીમાં ઘીમાં એસિડ ભેળવીને નકલી પનીર તૈયાર કરાતુ હતું
