Ghandhinagar News :મુખ્યમંત્રી (CM)ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતી કાલે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાશે
ગુજરાત પોલીસમાં મોટી ભરતી
ગાંધીનગર રામકથા મેદાન ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે
ગુજરાત સરકારના ગૃહ વિભાગ(CM) દ્વારા રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા હજારો યુવા ઉમેદવારો માટે આવતી કાલે તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવારના રોજ ગાંધીનગરના સેક્ટર-૧૧ સ્થિત રામકથા મેદાન ખાતે મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે.
લોકરક્ષક ભરતી પૂર્ણ, આવતીકાલે CM ના હસ્તે નિમણૂક પત્ર વિતરણ
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ તરીકે પોલીસ હાઉસિંગ-જેલ રાજ્ય મંત્રી કમલેશ પટેલ હાજર રહી નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કરશે.
લોકરક્ષક કેડરમાં કુલ ૧૧,૮૯૯ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી ૮,૭૮૨ પુરૂષ અને ૩,૧૧૭ મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. હાલના તબક્કે, જે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલ છે તેવા કુલ ૧૧,૬૦૭ ઉમેદવારોને આ કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે.
નોંધનીય છે કે, વર્તમાન ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળમાં ખાલી રહેલી અન્ય ૧૩,૫૯૧ જગ્યાઓ માટે પણ નવી જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. આ નવી ભરતી પ્રક્રિયા પણ હાલ કાર્યરત છે, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર યુવાનોને પારદર્શક રીતે સરકારી સેવામાં જોડાવાની તક પૂરી પાડવા મક્કમ છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરૂ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

