રાજ્યસભા માટે 2026નું વર્ષ ઘણું મહત્વનું નીવડવાનું છે. રાજ્યસભામાં 2026માં કુલ 75 બેઠકોની ચૂંટણી થવાની છે. આ બેઠકો એપ્રિલ, જૂન અને નવેમ્બરમાં ખાલી થવાની છે. હાલમાં રાજ્યસભામાં શાસક પક્ષ NDAની 128 બેઠકો સાથે બહુમતી છે અને વિપક્ષ UPA 78 બેઠક સાથે ઘણુ પાછળ છે. પણ આ જ ચિત્ર 2026ના અંત સુધીમાં નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. વિધાનસભા ચૂંટણીઓના પરિણામથી લઈને ખાલી બેઠકો પર થનારી ચૂંટણી ઉપરાંત રાજ્યસભામાં થતું ક્રોસ વોટિંગ તેના પર બરોબર અસર કરી શકે છે.
તેની સાથે આ જ વર્ષ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળમાં વિધાનસભા ચૂંટણી પણ 2026માં યોજાવવાની છે. 2026ના અંતે તે જોવું પણ રસપ્રદ રહેશે કે રાજ્યસભાની 75 બેઠકની ચૂંટણી પછી રાજ્યસભાની સ્થિતિ શું છે, NDA તેનું પ્રભુત્વ જાળવી રાખે છે કે પછી UPA તેની અગાઉની બેઠકોની સંખ્યામાં વધારો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
આગામી વર્ષે ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ, આસામ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની રાજ્યસભાની બેઠકો ખાલી થવાની છે. આમાં બિહાર, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો NDAનું પ્રભુત્વ હોવાથી તેને વધુ બેઠકો મળે તેમ માનવામાં આવે છે.
ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની દસ બેઠકમાંથી ભાજપ આઠ અને સમાજવાદી પાર્ટી બે બેઠકો કબ્જે કરશે તેમ નિશ્ચિતપણે મનાય છે. આમ અહીં સૌથી મોટો ફટકો બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ને પડશે. રાજ્યસભામાં બસપાનું અસ્તિત્વ જ નહીં હોય.
આ જ રીતે મહારાષ્ટ્રની સાત બેઠકો માટે પણ એપ્રિલમાં ચૂંટણી થવાની છે. સ્વાભાવિક રીતે તેમા NDA પાંચ બેઠક જીતી જાય તેમ માનવામાં આવે છે. આ સાત બેઠકો ખાલી થવાની સાથે શરદ પવાર, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે અને પ્રિયંકા ચતુર્વેદીનો કાર્યકાળ પણ પૂરો થશે તેમ માનવામાં આવે છે. આના પગલે શરદ પવારની રાજકીય કારકિર્દી પણ અહીં પૂરી થઈ જશે તેમ નિશ્ચિતપણે માનવામાં આવે છે. NCPનો આગામી બધો ભાર તેમની પુત્રી સુપ્રિયાના શિરે આવશે તેમ મનાય છે.
આમ મહારાષ્ટ્રમાં NDA સાતમાંથી પાંચ બેઠક જીતે તેમ માનવામાં આવે છે. બીજી બાજુએ બિહારમાં NDAનો પાંચમાંથી ચાર બેઠક પર વિજય નિશ્ચિત મનાય છે. બે-બે બેઠક ભાજપ અને જેડીયુ વહેંચી લેશે તેમ માનવામાં આવે છે. રાજ્યસભામાં 2026માં ઘણા બધા રાજકીય આગેવાનોનો સમયગાળો પૂરો થવાનો છે. તેમા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌવડા, દિગ્વિજયસિંહ, શરદ પવાર અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, બીએલ વર્મા, રવનીતસિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયન સામેલ છે. આમાથી કયા નેતાનું ગૃહમાં પુનરાગમન થશે અને કયા નેતાની વિદાય થશે તે કહેવું મુશ્કેલ છે.
બિહારમાં જ જોઈએ તો આરજેડીના પ્રેમચંદ ગુપ્તા, અમરેન્દ્ર ધારીસિંહ, જેડીયુના હરિવંશ નારાયણસિંહ અને કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુર ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહાનો કાર્યકાળ ખતમ થવાનો છે. હવે બિહારમાં તો એનડીએ પાસે પ્રચંડ બહુમત છે. વિપક્ષને માંડ એક બેઠક મળે તેમ છે. આ સંજોગોમાં RJD જ તેના એક ઉમેદવારને રાજ્યસભામાં મોકલી શકશે. કોંગ્રેસને અહીં કશુ હાથમાં નહીં આવે તેમ મનાય છે. બિહારની બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી એપ્રિલમાં યોજાવવાની છે અને તેવું જ ઉત્તરપ્રદેશનું છે. તેની દસેય બેઠકો પર રાજ્યસભા ચૂંટણી નવેમ્બરમાં યોજાશે.
આ ઉપરાંત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ બેઠકોનું ગણિત બદલવામા મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. આસામમાં શાસક પક્ષ માટે સત્તા જાળવી રાખવાનો પડકાર છે. અહીં તેણે સત્તા અને સરસાઈ જાળવી તો રાજ્યસભામાં વાંધો નહીં આવે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ મુખ્ય વિપક્ષ છે અને જો તેને સત્તા પર બેસવામાં સફળતા મળી તો મમતા બેનરજી માટે આ મોટો ફટકો હશે. આ ઉપરાંત કેરળ અને તમિલનાડુમાં પણ ચૂંટણી છે. અહીં NDAનું અસ્તિત્વ જ નથી. આ સંજોગોમાં NDA માટે તો અહીં જેટલો વકરો એટલો નફો જેવો જ ઘાટ હશે. યુપી, બિહાર, મહારાષ્ટ્ર પછી પશ્ચિમ બંગાળમાં પણ ભાજપનું શાસન આવે તો દેશના ચાર મોટા રાજ્યોમાં શાસનના આધારે રાજ્યસભામાં NDAની બેઠકોનો આંકડો 150ને વટાવી જતાં આશ્ચર્ય નહીં થાય.
બીજી બાજુએ કોંગ્રેસની આગેવાની હેઠળના UPAને ફક્ત કર્ણાટક, તેલંગણા અને હિમાચલ પ્રદેશમાં જ સીધો ફાયદો થતો દેખાય છે. કર્ણાટકની રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ત્રણ કોંગ્રેસ માટે નિશ્ચિત મનાય છે. જ્યારે ભાજપને એક જ બેઠક મળશે અને તે પણ ક્રોસ વોટિંગથી મળશે તેમ માનવામાં આવે છે. આ સિવાય કોંગ્રેસને વધુ એક ફાયદો તેલંગણામાં થશે તેમ મનાય છે. તેલંગણામાં કોંગ્રેસની સરકાર છે. અહીં પણ તે ત્રણેક બેઠક જીતી જાય તેમ માનવામાં આવે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં તેને એક બેઠક જ મળે તેમ મનાય છે. આમ આંચકાજનક વાત એ છે કે કોંગ્રેસ કુલ 75માંથી દસ બેઠકો પણ માંડ જીતી શકે તેવો ઘાટ છે. બાકીના બેઠકો પર તેના સહયોગી પક્ષો જ વિજયની પતાકા ફેરવે તેમ માનવામાં આવે છે.
કેરળ અને તમિલનાડુમાં પણ આવી જ સ્થિતિ છે. કેરળમાં ડાબેરીઓ તો તમિલનાડુમાં ડીએમકે કોંગ્રેસનો સહયોગી પક્ષ છે. આંધ્રમાં તેને કોઈ ફાયદો થાય તેમ લાગતું નથી. અહીં NDAના ઉમેદવારનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં તે મમતા બેનરજી પર આધારિત છે. તેમા પણ જો મમતાની સત્તા ગઈ તો કોંગ્રેસ અહીં પણ તેના સમર્થક ગુમાવશે તેમ મનાય છે.
આમ કોંગ્રેસ જ્યાં સમર્થનમાં છે ત્યાં તેણે જતું કરવાની ભાવના રાખવી પડશે નહીં તો આગામી ચૂંટણીમાં તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હવે મહારાષ્ટ્રમાં જ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ જોડાણે 288માંથી 215 પરિષદો પર કબ્જો જમાવ્યા પછી કોંગ્રેસે રાજ્યમાં આગામી લોકલ બોડી ઇલેકશન એકલા હાથે લડવાનો નિર્ણય લીધો છે.
હવે તેના આ નિર્ણયની આગામી વર્ષની રાજ્યસભાની ચૂંટણીમાં પણ અસર પડે તો આશ્ચર્ય નહીં થાય. આગામી વર્ષે રાજ્યસભામાં કોને ઉમેદવાર તરીકે મોકલવો તેના માટે કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે બરોબરની રાજકીય હરીફાઈ થશે તેમ માનવામાં આવે છે. ઘણા તો એવું પણ કહી રહ્યા છે કે ત્યાં સુધી મહાવિકાસ અઘાડી રહેશે કે કેમ તે મોટો સવાલ છે.
બીજી બાજુએ ઉદ્ધવ ઠાકરેએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેના જ ભૂતપૂર્વ હરીફ અને ભાઈ રાજઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે જોડાણ કરવા મન બનાવી લીધું છે. આ જોડાણને સફળતા મળી તો વિપક્ષના પ્રાદેશિક રાજકારણમાં પાછું એક નવું જ ધ્રુવીકરણ આવી શકે છે. ટૂંકમાં બધુ મળીને 2026નો અંત રાજ્યસભામાં સત્તાની ચાવી NDA પાસે કે UPA પાસે રહેશે તે નક્કી કરશે. તેની સીધી અસર પછીના સંસદીય સત્રોમાં ખરડા પસાર કરાવવા પર દેખાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
