Surat News : સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં 36 વર્ષીય હિનીષા પટેલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાના સમાચારથી ચકચાર મચી ગઈ છે. હિનીષા પટેલ અને તેમના પતિ કેતન પટેલ બંને નાયબ મામલતદાર તરીકે એક જ કચેરીમાં ફરજ બજાવે છે.
આજે સવારે બંને પતિ-પત્ની ઓફિસે જવા તૈયાર થઈ રહ્યા હતા. પતિ કેતન પટેલ નીચે કાર લેવા ગયા હતા, પરંતુ પત્ની નીચે ન આવતાં ઉપર જઈ તપાસ કરતાં હિનીષા પટેલ બેડરૂમમાં દુપટ્ટાથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આપઘાત (Suicide) ની ઘટનાની જાણ થતાં હોસ્પિટલ અને તેમના નિવાસસ્થાને મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. મૃતક હિનીષા પટેલ અને તેમના પતિ અગાઉ રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ 2023માં પ્રમોશન મેળવી નાયબ મામલતદાર બન્યા હતા.
આપઘાત (Suicide) પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ

મહેસૂલ વિભાગના સૂત્રો મુજબ, થોડા સમય પહેલાં હિનીષા પટેલ સામે જમીન સંબંધિત એક નનામી અરજી કરવામાં આવી હતી, પરંતુ ગાંધીનગરમાં થયેલી તપાસ બાદ તેમને નિર્દોષ જાહેર કરી ક્લીનચીટ આપવામાં આવી હતી. તેમ છતાં આપઘાત (Suicide) પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે.
આ મામલે એસીપી બી.એ. ચૌધરીએ જણાવ્યું હતું કે રાંદેર પોલીસ દ્વારા આપઘાત (suicide) ની ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. આર્થિક મુશ્કેલી, માનસિક દબાણ, સામાજિક કે પારિવારિક કારણો જવાબદાર છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ તેજ કરી છે.
