India AI Impact Summit 2026: ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં વિશ્વગુરુ બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. આગામી 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારત ‘AI-Impact Summit’ ની યજમાની કરશે. આ વૈશ્વિક સંમેલનમાં વિશ્વના 100 થી વધુ દેશો ભાગ લેશે, પરંતુ રસપ્રદ વાત એ છે કે ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને આ લિસ્ટમાંથી બાકાત રાખ્યું છે.
ત્રણ મુખ્ય સૂત્રો પર મંથન: લોકો, પૃથ્વી અને પ્રગતિ
આ સમિટ ત્રણ પાયાના સિદ્ધાંતો – People (લોકો), Planet (પૃથ્વી) અને Progress (પ્રગતિ) પર આધારિત છે. આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય AI ટેકનોલોજીનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ, આબોહવા પરિવર્તન અને આર્થિક વિકાસ જેવા વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે કરવાનો છે. ભારત એવા રાષ્ટ્રો સાથે જોડાવા માંગે છે જે સુરક્ષિત અને માનવ-કેન્દ્રિત AI ના દ્રષ્ટિકોણમાં વિશ્વાસ ધરાવે છે.

પીએમ મોદીના આમંત્રણ પર વિશ્વના નેતાઓનું આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિગત આમંત્રણ પર અમેરિકા, યુરોપ, એશિયા-પેસિફિક અને ખાડી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આ સમિટમાં હાજરી આપશે. 45 થી વધુ દેશોના મંત્રી સ્તરના પ્રતિનિધિમંડળો અને યુનાઈટેડ નેશન્સના વરિષ્ઠ અધિકારીઓ પણ આ મંચ પર AI ના ભવિષ્ય વિશે ચર્ચા કરશે.
AI Impact Summit 2026માં પાકિસ્તાનને કેમ ન બોલાવ્યું?
જોકે સત્તાવાર રીતે કોઈ કારણ જાહેર કરાયું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત માત્ર એવા દેશો સાથે સહયોગ કરવા માંગે છે જે જવાબદાર AI પોલિસી અને એથિક્સનું પાલન કરે છે. પાકિસ્તાનને આમંત્રણ ન આપીને ભારતે વ્યૂહાત્મક રીતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટેકનોલોજીના ગ્લોબલ પ્લેટફોર્મ પર કોની વિશ્વસનીયતા વધુ છે.

અમદાવાદમાં માઇકા (MICA) દ્વારા પ્રી-સમિટનું આયોજન
આ મુખ્ય સમિટ પહેલા અમદાવાદની પ્રખ્યાત સંસ્થા MICA (સ્કૂલ ઓફ આઈડિયાઝ) ખાતે એક મહત્વપૂર્ણ પ્રી-સમિટ ઇવેન્ટ યોજાઈ હતી. ‘ટેડ-એક્સ’ સ્ટાઈલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાતોએ નૈતિક અને સુરક્ષિત AI વિશે ચર્ચા કરી હતી.
MICA ના ડાયરેક્ટર અને સીઈઓ જયા દેશમુખે જણાવ્યું હતું કે, “AI માનવજાત માટે ખતરો હોવાનો જે હાઇપ છે, તેની સામે આ ટેકનોલોજી સમસ્યાઓનો ઉકેલ પણ લાવી શકે છે. ટેકનોલોજી મહત્વની છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સૌથી વધુ જરૂરી છે.” તેમણે ઉમેર્યું કે શિક્ષણવિદોએ હવે AI ના યુગમાં અભ્યાસક્રમ અને માનવ સંબંધોના મૂલ્યો વિશે ફરી વિચારવાની જરૂર છે.
આ પણ વાંચો:AI દુરુપયોગ રોકવા સરકારનું પગલું, 20 ફેબ્રુઆરીથી ફરજિયાત લેબલિંગ સિસ્ટમ
આ પણ વાંચો:AIના ડરથી IT શેરોના ભાવમાં ઘટાડો, TCS, Infosys સહિત પાંચ મોટી કંપનીના શેર તૂટ્યા
