AmdavadNXT Exhibition AMC: વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે. શહેરની પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક, સુરક્ષિત અને લોકો-કેન્દ્રિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ‘AmdavadNXT’ નામે એક ખાસ જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
શું છે ‘AmdavadNXT’ નો મુખ્ય હેતુ?
આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદના જાહેર પરિવહનને મજબૂત બનાવી, જલવાયુ-સહનક્ષમ (Climate Resilient) અને સર્વસમાવેશક મોબિલિટી અંગે ચર્ચા શરૂ કરવાનો છે. શિફ્ટ ટ્રાન્સપોર્ટ કોએલિશન હેઠળ WRI India, TUL Foundation અને MYBYK જેવી સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજાશે.

એક્ઝિબિશનમાં શું જોવા મળશે?
મુલાકાતીઓ માટે આ પ્રદર્શનમાં અનેક વિશેષ આકર્ષણો રાખવામાં આવ્યા છે, જેમાં AMTS થી લઈને BRTS અને મેટ્રો રેલ સુધીની અમદાવાદની ભવ્ય સફરને ઇન્ટરેક્ટિવ મેપ અને મલ્ટીમીડિયાના માધ્યમથી સુંદર રીતે રજૂ કરવામાં આવશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ તરીકે સ્થાન પામેલા અમદાવાદના ઐતિહાસિક ‘કોટ વિસ્તાર’નું લાઈફ સાઈઝ મોડેલ પણ અહીં નિહાળવા મળશે, જે મુલાકાતીઓને જૂના શહેરની યાદ અપાવશે. આ ઉપરાંત, શહેરી પરિવહન ક્ષેત્રે આધુનિક ઉકેલો લાવતા સ્ટાર્ટઅપ્સ અને વિષય નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તક પણ અહીં ઉપલબ્ધ છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર, મહેસાણા અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તેમના શહેરોમાં હાથ ધરવામાં આવેલી શ્રેષ્ઠ પરિવહન પહેલો આ પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS) એ જણાવ્યું હતું કે, “અમદાવાદ એક વૈશ્વિક આર્થિક હબ બની રહ્યું છે, ત્યારે તેની મોબિલિટી વ્યવસ્થા પણ તેટલી જ મજબૂત હોવી જોઈએ. ‘AmdavadNXT’ દ્વારા અમે નાગરિકો અને નિષ્ણાતોના સૂચનો મેળવીને જાહેર પરિવહનને ભવિષ્યનો આધારસ્તંભ બનાવવા માંગીએ છીએ.”
તૈયાર થશે ‘વ્હાઇટ પેપર’
આ ત્રણ દિવસ દરમિયાન મળેલા નાગરિકોના પ્રતિસાદ અને સૂચનોના આધારે ‘Making Amdavad Ready for 2030’ નામનું એક વિશેષ વ્હાઇટ પેપર તૈયાર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ રિપોર્ટમાં શહેરના પરિવહન નેટવર્ક, સુરક્ષા અને એક્સેસિબિલિટીને સુધારવા માટેની પાયાની ભલામણો કરવામાં આવશે, જે આગામી સમયમાં યોજાનારી મોટી વૈશ્વિક ઈવેન્ટ્સના આયોજનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રસ ધરાવતા તમામ નાગરિકો માટે આ પ્રદર્શન અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ (ગ્રાઉન્ડ ફ્લોર) ખાતે 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સવારે 10:00 કલાકથી ખુલ્લું રહેશે, જેમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો:AMCમાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગંદા પાણી મુદ્દે વિપક્ષનો વિરોધ અને તંત્ર પર આકરા પ્રહાર
આ પણ વાંચો:કોર્પોરેશનની અણઘડ કામગીરીથી પ્રજા ત્રાહિમામ ! AMC પર મ્યુનિ. કમિશનરની આકરી ઝાટકણી
આ પણ વાંચો:પ્રજાના વિકાસ મુદ્દા ભુલાયા, AMC સંકલન સમિતિ બેઠકમાં મોટા ભાગના ધારાસભ્યો ગેરહાજર
