Ajab Gajab News: એક સંશોધન દરમિયાન, નાઈજર દેશના ઉત્તરે આવેલા અગાદેઝ વિસ્તાર (Agadez, Niger) માં ખોદકામ કરતા ડાયનોસોરની એક નવી પ્રજાતિના અવશેષો મળી આવ્યા છે. જીવાશ્મવૈજ્ઞાનિક પોલ સેરેનો (Paleontologist Paul Sereno)ની આગેવાની હેઠળ કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ટીમને પ્રાપ્ત થયેલા આ અવશેષો આશરે 9.5 કરોડ વર્ષ જૂના (95 Million Years Old Dinosaur) અર્થાત્ ક્રિટેશિયસ યુગ (Cretaceous period)ના હોવાનું માનવામાં આવે છે.
કરોડો વર્ષો અગાઉ અસ્તિત્વ ધરાવતા વિવિધ ડાયનાસોરના અનેક સંશોધનો દુનિયાભરમાં હાથ ધરવામાં આવે છે. અગાઉ વર્ષ 2022માં કરવામાં આવેલા આવા જ એક ખોદકામમાં વૈજ્ઞાનિકોને ડાયનોસોરની ત્રણ ખોપરીઓ (Dinosaur Skulls) સહિત શરીરના અનેક મહત્ત્વપૂર્ણ હાડકાં મળી આવ્યા હતા.

નાઇજરની 80 ટકા ભૂમિ પર સહારાનું રણ
નાઈજર દુનિયામાં સૌથી ગરીબ તેમજ અલ્પવિકસિત દેશો પૈકીનો એક છે. અહિંની 80 ટકા ભૂમિ સહારા રણ (Sahara Desert) હેઠળ ઢંકાયેલી છે જ્યારે બાકીની 20 ટકા જમીન અવારનવાર પડતા દુષ્કાળને કારણે રણ પ્રદેશ બનવાનું જોખમ તોળાઇ રહ્યું છે. આ દેશનું અર્થતંત્ર મોટાભાગે કાચા યુરેનિયમ ધાતુની નિકાસ, જીવન નિર્વાહને લગતી ચીજવસ્તુઓ તેમજ દક્ષિણી વિસ્તારની ફળદ્રુપ જમીન ઉપર પાકતા અનાજની થોડી ઘણી નિકાસ પર આધારિત છે. નાઈજરની ચારે બાજુએ ભૂમિ સીમા છે અને અહિંની શિક્ષણ વ્યવસ્થા, પાયાગત માળખું, આરોગ્ય સેવા અને વાતાવરણને થતા નુકસાનને લીધે દુનિયાનો અત્યંત પછાત દેશ ગણાય છે.
પોલ સેરેનોની આગેવાની હેઠળ નવા ડાયનાસોર (Dinosaur)ની ખોજ
જીવાશ્મ વૈજ્ઞાનિક પોલ સેરેનોની આગેવાની હેઠળ પેલિયેન્ટોલોજિસ્ટોની એક ટીમે તાજેતરમાં સહારા રણમાં ‘સ્પિનોસોરસ’ની એક અજાણી પ્રજાતિ શોધી કાઢી છે. જે અંતર્ગત, આ જૂથમાં પહેલાં જોવા મળેલી પ્રજાતિથી વિપરીત, એક અદ્ભૂત અને ખોપરીની વહાણના શઢ જેવી ટોચ ધરાવતા ડાયનાસોરનું કંકાલ જોવા મળ્યું છે.
અમેરીકાની શિકાગો યુનિવર્સિટીના આ જીવવૈજ્ઞાનિક પોલ સેરેનોની આગેવાની હેઠળની ટીમે 2019 માં મધ્ય સહારાના એક દૂરના વિસ્તારમાં શોધખોળ કરતી વખતે પ્રથમ વાર આના અમુક અવશેષો શોધી કાઢ્યા હતા. સેરેનોના શબ્દોમાં “આ શોધ એટલી અચાનક અને અદ્ભુત હતી કે તે અમારી ટીમ માટે ખરેખર ભાવનાત્મક હતી!”

પોલ સેરેનો ‘સુપરક્રોક’ (Sarcosuchus imperator), સુકોમિમસ (Suchomimus) તથા અન્ય અનેક માંસાહારી ડાયનાસોરની શૌધ કરી ચૂકેલા છે અને એમનું મુખ્ય કાર્યક્ષેત્ર નાઇજરનું રણ, આર્જેન્ટિના, મોરોક્કો અને મોંગોલિયાના આંતરિક વિસ્તારો રહ્યાં છે.
આ કંકાલ જે ડાયનાસોરનું છે એને ‘સ્પિનોસોરસ મિરાબિલિસ’ (Spinosaurus Mirabilis) અર્થાત્ ‘અદ્ભુત કરોડરજ્જુ ધરાવતી ગરોળી’ (A Lizard with an amazing spine) નામ આપવામાં આવ્યું છે. આ નવી પ્રજાતિ ક્રિટેશિયસ યુગ દરમિયાન, આશરે 95 મિલિયન વર્ષો પહેલા જીવતા વિશાળ શિકારી ડાયનાસોરની વિવિધતા, ઉત્ક્રાંતિ અને ઇકોલોજી અંગે વધું રસપ્રદ માહિતી આપે છે.

ડાયનાસોરનું વિશાળ કદ અને વિશિષ્ટ શારીરિક રચના
સંશોધન કરનારા જીવવૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ ડાયનોસોરના કંકાલતંત્ર (Dinosaur Skeleton)ના અભ્યાસના આધારે એનું વજન 5થી 7 ટન જેટલું હોવાનો અંદાજ છે. આ ઉપરાંત તે આશરે 40 ફૂટ લાંબો હોવાની સંભાવના છે તથા અનોખી બાબત એ છે કે, તે તેની શારીરિક વિશેષતાઓથી અન્ય થેરાપોડ (Therapod) ડાયનોસોરથી તદ્દન અલગ પાડે છે.
મગર જેવું મોં/ચાંચ
આ ડાયનોસરની પાસે મગર જેવી લાંબી ચાંચ હતી અને માછલી (Fish)ને મોંમાં જકડી રાખવા માટે રચાયેલા અણીદાર દાંત મોજૂદ હતા.
વળાંકવાળી ખોપરી
આ ડાયનોસોરની ખોપરી, જે તેની વિશિષ્ટ ઓળખ ગણાય છે તે, લગભગ 20 ઈંચ ઊંચી અને વળાંકવાળી હતી.
વહાણના સઢ જેવો પૃષ્ઠભાગ
તેનો પૃષ્ઠભાગ અર્થાત્ પીઠ વહાણના સઢ (Sails) જેવી વિશિષ્ટ આકારની હતી.

શિકારની વિશિષ્ટ પદ્ધતિ
આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, આ ડાયનોસોર પાણીની આસપાસ રહેવાનું વધુ પસંદ કરતો હોવા છતાં સંપૂર્ણપણે જળચર નહોતો. નદી અને તળાવોના ઓછી ઊંડાઈ વાળા પાણીની અંદર ઊભા રહીને તે પોતાની લાંબી ચાંચ (મોં) વડે માછલીઓ તથા અન્ય જળચર જીવોનો શિકાર (Hunting) કરતો હોવાનું માનવામાં આવે છે. નાઇજરના સહારા રણમાં થયેલું આ અમૂલ્ય સંશોધન પ્રાચીન જીવસૃષ્ટિના રહસ્યોને ઊંડાણપૂર્વક સમજવા માટેની એક ખૂબ જ મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે.
આ પણ વાંચો: રડવાના અને ઊંઘવાના પણ મળે છે લાખો રૂપિયા! દુનિયાની આ 5 અજીબોગરીબ નોકરીઓ વિશે જાણીને તમારું માથું ભમી જશે
આ પણ વાંચો: ક્યાંક કમર જોઈને મળે છે નોકરી, તો ક્યાંક એક્સ્ટ્રા કામ કરવું છે ગુનો! જાણો દુનિયાના અજીબોગરીબ જોબ રૂલ્સ
