Ahmedabad Aditya Rathod Crime: અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો ખોફ સતત વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે બપોરે લો ગાર્ડન પાસે આવેલી એક ખાનગી કોલેજની બહાર કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ દાદાગીરીનો નગ્ન નાચ ખેલ્યો હતો. નશાની હાલતમાં ચૂર આદિત્યએ નિર્દોષ વિદ્યાર્થીઓને રિવોલ્વર બતાવી ધમકાવ્યા હતા અને એક વિદ્યાર્થીની મોંઘીદાટ થાર ગાડીમાં તોડફોડ કરી નાસી છૂટ્યો હતો.

માત્ર ‘સામે જોવાની’ બાબતે ખેલાયો હોબાળો
ઘટનાની વિગતો મુજબ, લો ગાર્ડન પાસેની કોલેજ બહાર વિદ્યાર્થીઓ ઉભા હતા ત્યારે અસારવાનો આદિત્ય રાઠોડ પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને ત્યાંથી પસાર થયો હતો. સાંકડી ગલીમાં ગાડી કાઢતી વખતે વિદ્યાર્થીઓએ તેની સામે જોતા આદિત્ય ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ગાડી ઉભી રાખી વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી હતી અને ગાડીમાંથી ધારદાર હથિયાર કાઢી વિદ્યાર્થીની થાર ગાડીના કાચ તોડી નાખ્યા હતા.
રિવોલ્વર બતાવી વિદ્યાર્થીઓમાં ફેલાવ્યો ફફડાટ
કોલેજના વિદ્યાર્થીઓ એકઠા થતા ગભરાઈ ગયેલા આદિત્યએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી વિદ્યાર્થીઓ સામે તાકી હતી અને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દ્રશ્યો જોઈ કોલેજ કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ નવરંગપુરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

કોણ છે Aditya Rathod?
આદિત્ય રાઠોડ કોઈ સામાન્ય યુવક નથી, પરંતુ તે અમદાવાદના કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર તથા બુટલેગર દિલીપસિંહનો પુત્ર છે. તે સોશિયલ મીડિયામાં હથિયારો સાથે વીડિયો બનાવીને રોફ જમાવવા માટે પંકાયેલો છે. આદિત્યનો ગુનાહિત ઇતિહાસ પણ છે; થોડા સમય પહેલા જ તેણે શાહીબાગ સર્કિટ હાઉસ પાસે પોતાની ફોર્ચ્યુનર ગાડીથી એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જેમાં એક નિર્દોષ વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, તેના સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા છે, જેમાં તે ગાડીમાં હથિયારોના જથ્થા સાથે જોવા મળે છે, જે તેના હથિયારોના શોખને છતો કરે છે.
આ પણ વાંચો: અમદાવાદના ઘાટલોડિયામાં મહેસૂલ અને અન્ન-નાગરિક પુરવઠા કચેરીના ભવનનું ખાતમુહૂર્ત
આ પણ વાંચો: અમદાવાદના સરસપુરમાં નશાની હાલતમાં ભાજપના યુવા નેતાનો બખેડો, લોકોએ મેથીપાક ચખાડ્યો
આ પણ વાંચો: અમદાવાદમાં સુભાષબ્રિજનું રીડેવલોપમેન્ટ, રૂ.236 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
