Mehsana PI Suspended: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પોલીસની છબી ખરડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કટોસણ ગામમાં યોજાયેલા એક લોકડાયરામાં સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) પર જાણીતા બુટલેગરોએ જાહેરમાં ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા મહેસાણા એસપીએ તાત્કાલિક અસરથી પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે.
Mehsana : શું હતી સમગ્ર ઘટના?
મહેસાણાના કટોસણ ગામમાં ગત 6 માર્ચના રોજ આવડ અને શક્તિ માતાજીના ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંથલ PI એમ.એમ. વરચંદ હાજર રહ્યા હતા. સ્ટેજ પર જ્યારે પીઆઈનું સન્માન થઈ રહ્યું હતું, ત્યારે જ અજિતસિંહ અને અર્જુનસિંહ નામના શખ્સો (જેઓ બુટલેગર હોવાનું મનાય છે) સ્ટેજ પર આવ્યા હતા.

બુટલેગરે માથા પર નોટોની થપ્પી ફેરવી!
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બુટલેગરે પીઆઈ વરચંદના માથા પર નોટોની થપ્પી ફેરવીને હવામાં ઉડાવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે, પોતાની પર નોટો ઉડતી હોવા છતાં પીઆઈ તેમને રોકવાને બદલે મનોમન હસતા રહ્યા હતા. કાયદાના રક્ષક ગણાતા અધિકારી પર ગુનેગારો આ રીતે નોટો ઉડાવતા હોય તેવો નજારો જોઈને ઉપસ્થિત લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
SP હિમાંશુ સોલંકીનો કડક સપાટો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી એક્શન મોડમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “ગંભીર ગેરશિસ્ત અને પોલીસની ગરિમા લજવવા બદલ પીઆઈ એમ.એમ. વરચંદને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.”
પોલીસ-બુટલેગર નેક્સસ પર સવાલો
સાડા ત્રણ મહિનાથી સાંથલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ સામે થયેલી આ કાર્યવાહીથી અન્ય પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે જેમના પર કાયદાનો ડર હોવો જોઈએ, તેવા બુટલેગરો પોલીસ અધિકારી પર નોટો ઉડાવે તે બાબત પોલીસ અને ગુનેગારો વચ્ચેના સબંધો પર અનેક સવાલો ઉભા કરી રહી છે.
